Mon Aug 31 2026

Logo

ચંદ્રપુરના ખેડૂતને કંબોડિયા મોકલી અંગ કાઢવાના રેકેટનો પર્દાફાશ: SIT તપાસના આદેશ અને નવા કાયદાની તૈયારી

2026-02-26 20:23:12
Author: Mumbai Samachar Team
ચંદ્રપુરના ખેડૂતને કંબોડિયા મોકલી અંગ કાઢવાના રેકેટનો પર્દાફાશ: SIT તપાસના આદેશ અને નવા કાયદાની તૈયારી

મુંબઈ/ચંદ્રપુરઃ મહારાષ્ટ્ર સરકારે અનધિકૃત શાહુકારો વિરુદ્ધ રાજ્યવ્યાપી ઝુંબેશ શરૂ કરી છે. કિડની રેકેટ અને વ્યાજખોરીને રોકવા માટે મની-લેન્ડિંગ એક્ટમાં સુધારો અને SITની રચના કરાઈ છે. સરકારે અનધિકૃત શાહુકારો પર રાજ્યવ્યાપી કાર્યવાહી શરૂ કરી છે, અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવા માટે નાણાં ધિરાણ પ્રવૃત્તિઓને નિયંત્રિત કરતા હાલના કાયદાને વધુ કડક બનાવાશે.

ગૃહ રાજ્યપ્રધાન પંકજ ભોયરે અહીં વિધાનસભામાં જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર મની-લેન્ડિંગ (રેગ્યુલેશન) એક્ટ, 2014માં સુધારો કરવામાં આવશે. તેઓ ચંદ્રપુરના એક ખેડૂતને 8 લાખ રૂપિયાનું દેવું ચૂકવવા માટે પોતાની કિડની વેચવાની ફરજ પાડવાની ઘટના પર ગૃહમાં જવાબ આપી રહ્યા હતા.

હાલના કાયદાઓની તપાસ કરવામાં આવશે અને આરોપી શાહુકારો સામે મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ (MCOCA) હેઠળ ગુનો નોંધવાની માંગ પર વિચાર કરવામાં આવશે, ભોયરે જણાવ્યું.

તેમણે જણાવ્યું હતું કે ચંદ્રપુરના ખેડૂતને, કિડની કાઢવા માટે કંબોડિયા લઈ જવામાં આવ્યા હતા. આ કેસમાં ધરપકડ કરાયેલા છ શાહુકારો લાઇસન્સ વિનાના હતા, અને તેમની મિલકતો જપ્ત કરવાના આદેશો જારી કરવામાં આવ્યા છે. આ ઘટનાના પગલે, એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરવામાં આવી છે અને તે ઇન્ટનેશનલ ઓર્ગન ટ્રાફિકિંગ સિન્ડિકેટની તપાસ કરી રહી છે. 

તપાસમાં જાણવા મળ્યું હતું કે 9.15 લાખ રૂપિયાની મૂળ રકમ સામે 48.53 લાખ રૂપિયા ચૂકવવા છતાં, ખેડૂતને અંગ વેચવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. "આ રેકેટ તમિલનાડુના ત્રિચી અને કંબોડિયાના ફ્નોમ પેન્હ સુધી ફેલાયેલું છે. સોલાપુરના એક વચેટિયા પર ઓછામાં ઓછા 10 વ્યક્તિઓ માટે કિડની વેચાણમાં મદદ કરવાનો આરોપ છે.

અત્યાર સુધીમાં આઠ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે, અને રાજ્ય સરકારે ગેરકાયદે નાણાં ધીરનારાઓ સામે રાજ્યવ્યાપી કાર્યવાહી શરૂ કરી છે. રાજ્યના દરેક જિલ્લામાં કલેક્ટરોના નેતૃત્વ હેઠળ ત્રણ સભ્યોની સમિતિઓની રચના કરવામાં આવી છે, અને આ પેનલોએ દર ત્રણ મહિને સરકારને અહેવાલ આપવો પડશે," તેમણે કહ્યું.