નવા ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ ૨૦૨૬ બાદ મુંબઈ મેટ્રોપોલિટન રિજનના ચર્ચો દ્વારા સ્વ-સુરક્ષા માટે કાનૂની પગલું
મુંબઈ: મહારાષ્ટ્રમાં ધર્માંતરણ વિરોધી કાયદો અમલમાં આવતાં મુંબઈ મેટ્રોપોલિટન રિજન (એમએમઆર)ના ચર્ચોએ ઉપાસકોને સ્વ-ઘોષણા પત્રક ભરાવાનું શરૂ કર્યું છે, જેમાં તેમણે એ સ્પષ્ટ કરવાનું રહેશે કે તેઓ પોતાની મરજીથી પ્રાર્થનામાં સામેલ થઈ રહ્યા છે, કોઈના દબાણ હેઠળ નહીં.
પડોશના પાલઘર જિલ્લાના વસઈના પાદરી સેમ મથાઈએ જણાવ્યું હતું કે, "સ્વ-સુરક્ષા" માટે ભરવામાં આવેલા આ ઘોષણા-પત્રો ચર્ચની કચેરીઓમાં રાખવામાં આવશે, જેથી સરકાર કે પોલીસ સત્તાવાળાઓ દ્વારા માંગણી કરવામાં આવે તો તે તેમને બતાવી શકાય. તેમણે કહ્યું કે છેલ્લા બે-ત્રણ મહિનાથી શ્રદ્ધાળુઓ પાસેથી ફોર્મ એકત્રિત કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.
એમએમઆરમાં ૪,૦૦૦થી વધુ ચર્ચ આવેલાં છે. મથાઈએ માહિતી આપી હતી કે, કેટલાક ચર્ચ જન્મથી ખ્રિસ્તી ન હોય તેવા ઉપાસકો પાસેથી ફોર્મ ભરાવી રહ્યા છે, અને કેટલાક ચર્ચ નિયમિત ઉપાસકોને પણ ફોર્મ ભરવાનું કહી રહ્યા છે.
મહારાષ્ટ્રમાં ધર્માંતરણ-વિરોધી કાયદા 'મહારાષ્ટ્ર ફ્રીડમ ઓફ રિલિજન એક્ટ, ૨૦૨૬' (મહારાષ્ટ્ર ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ, ૨૦૨૬) ને રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ અને ૩૦ જુલાઈએ તેની સત્તાવાર ગેઝેટ સૂચના બહાર પડ્યા પછી તે અમલમાં આવ્યો છે. આ કાયદો બળજબરી, છેતરપિંડી, પ્રલોભન કે લગ્ન દ્વારા કરવામાં આવતા ધર્માંતરણ સામે કાર્યવાહી કરવાનો માર્ગ મોકળો કરે છે.
નવા કાયદા હેઠળ, અન્ય ધર્મ અંગીકાર કરવા ઈચ્છતી વ્યક્તિએ ઓછામાં ઓછા ૬૦ દિવસ અગાઉ જિલ્લા મેજિસ્ટ્રેટને જાણ કરવી આવશ્યક છે. આ કાયદામાં પ્રક્રિયાના ઉલ્લંઘન બદલ સાત વર્ષની જેલની સજાની જોગવાઈ કરવામાં આવી છે.
બોમ્બે કેથોલિક સભાના પ્રવક્તા ડોલ્ફી ડી'સોઝાએ જણાવ્યું હતું કે, આ કાયદાને કારણે ઊભી થયેલી પરિસ્થિતિથી સમુદાય નારાજ અને વ્યથિત છે. તેમણે દાવો કર્યો હતો કે, બળજબરીથી ધર્માંતરણના ખોટા આરોપોને કારણે પ્રાર્થનામાં ખલેલ પહોંચાડવાની ઘટનાઓ બની છે. તેમણે કહ્યું કે સ્વ-ઘોષણાનો હેતુ એ પુષ્ટિ કરવાનો છે કે દરેક વ્યક્તિ પોતાની મરજીથી ચર્ચમાં આવી રહી છે; તેમણે ઉમેર્યું કે સમુદાય અપેક્ષા રાખે છે કે પોલીસ કાયદાનો અમલ તમામ માટે સમાન રીતે કરે.
(પીટીઆઈ)