Fri Aug 28 2026

Logo

અમરાવતી હોસ્પિટલમાં બાળમૃત્યુ કેસ: વેન્ટિલેટર વિસ્ફોટ કે બેદરકારી? ઓડિટ અને સપ્લાયર્સ શંકાના દાયરામાં

2026-08-25 20:03:19
Author: Mumbai Samachar Team
અમરાવતી હોસ્પિટલમાં બાળમૃત્યુ કેસ: વેન્ટિલેટર વિસ્ફોટ કે બેદરકારી? ઓડિટ અને સપ્લાયર્સ શંકાના દાયરામાં

મુંબઈ: અમરાવતી સ્થિત જિલ્લા મહિલા હોસ્પિટલના 'એનઆઇસીયુ'માં વેન્ટિલેટર બ્લાસ્ટ બાદ આગ લાગવાથી નવજાત બાળકોના મોત થવાના મામલે, હોસ્પિટલે આરોગ્ય વિભાગને સ્પષ્ટતા રજૂ કરી છે. જોકે, વેન્ટિલેટરનો બ્લાસ્ટ થવાની શક્યતા ખૂબ જ ઓછી હોય છે. 

ઓક્સિજન સપ્લાય પાઇપલાઇન અથવા નવજાત શિશુ વિભાગમાં વિદ્યુત ઉપકરણોમાં સ્પાર્ક થવાના કારણે આ દુર્ઘટના બની હોવાની શક્યતા વધુ છે, તેવી માહિતી સાર્વજનિક આરોગ્ય વિભાગના વરિષ્ઠ વહીવટી અધિકારીઓએ આપી હતી. આ વિરોધાભાસી વાતોને કારણે હોસ્પિટલના દાવા પર શંકા ઊભી થઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, છેલ્લા કેટલાક વર્ષોમાં સારી કંપનીઓ પાસેથી સીધા વેન્ટિલેટર ખરીદવાને બદલે કોન્ટ્રાક્ટરો પાસેથી ખરીદવામાં આવ્યા છે. આ સાથે જ કોરોના સમયે મુંબઈ અને મહારાષ્ટ્રની સરકારી હોસ્પિટલોને જે વેન્ટિલેટર મળ્યા હતા, તેમાંથી કેટલા ખરેખર વપરાયા અને અત્યારે તે ક્યાં છે, તે અંગે પણ હવે સવાલો અને ચર્ચાઓ શરૂ થઈ છે

બાળરોગ નિષ્ણાતના જણાવ્યા અનુસાર, આધુનિક વેન્ટિલેટર બાળકની ઉંમર અને વજન મુજબ ઓક્સિજનનું પ્રમાણ નિયંત્રિત કરે છે. તેથી એનઆઇસીયુના વેન્ટિલેટરની ગુણવત્તા, જાળવણી અને ઘટના સમયની સ્થિતિની તપાસ કરવી જરૂરી છે. 

ઓક્સિજન ધરાવતા વાતાવરણમાં ઇલેક્ટ્રિક સ્પાર્ક થતાં આગ ઝડપથી ભડકે છે, માટે વેન્ટિલેટરની ખામી અને ઓક્સિજનના પ્રમાણ વચ્ચેનો સંબંધ તપાસવો અત્યંત મહત્વપૂર્ણ છે. આરોગ્ય પ્રધાન પ્રકાશ અબિતકરે જણાવ્યું હતું કે આ મામલે તપાસ સમિતિની નિમણૂક કરવામાં આવશે અને દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવશે.

જિલ્લા હોસ્પિટલોના એનઆઇસીયુ માં તબીબી સાધનોની સુરક્ષા, ઓક્સિજન સપ્લાય સિસ્ટમ અને ઇલેક્ટ્રિક લોડનું ઓડિટ કરવું જરૂરી છે. એનઆઇસીયુમાં વપરાતા સાધનો અત્યંત સંવેદનશીલ હોય છે. 

વેન્ટિલેટર, રેડિયન્ટ વોર્મર, મોનિટર, સક્શન મશીન અને ઓક્સિજન સિલિન્ડર જેવી સિસ્ટમ્સ એકસાથે કાર્યરત હોય છે. તેથી આગનું કારણ શોધતી વખતે આ તમામ બાબતોનો વિચાર કરવો આવશ્યક છે.