ભુજ: મુંબઈથી કચ્છ તરફ આવતી ટ્રેનોમાં વિદેશી દારૂની ખુલ્લેઆમ થતી હેરફેરનો ચોંકાવનારો પર્દાફાશ ખુદ જાગૃત પ્રવાસીઓએ કર્યો છે. સુરક્ષા કર્મચારીઓની ગેરહાજરી વચ્ચે મુસાફરોએ હિંમત દાખવીને દારૂના જથ્થા સાથે બે શખ્સોને દબોચી લીધા હતા અને સુરત સ્ટેશને અડધો કલાક ટ્રેન રોકીને ભારે હોબાળો મચાવ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ, મુંબઈથી ભુજ આવતી ટ્રેન નંબર ૦૯૦૩૭ વાપી નજીક પહોંચી ત્યારે ચાર મહિલાઓ સહિત છ શખ્સો શંકાસ્પદ કોથળાઓ સાથે ટ્રેનમાં ચડ્યા હતા. કોથળામાં શરાબની બોટલો હોવાની ગંધ આવતાં જ પ્રવાસીઓએ બૂમાબૂમ કરી મૂકી હતી. આ દરમિયાન ચારેય મહિલાઓ તક જોઈને નાસી છૂટી હતી, પરંતુ પ્રવાસીઓએ બે યુવાનોને સ્થળ પર જ પકડી પાડ્યા હતા.
ટ્રેનમાં કોઈ સુરક્ષા કર્મી હાજર ન હોવાથી મુસાફરોએ ટીટીઈને જાણ કરી હતી. ટ્રેન સુરત રેલવે સ્ટેશને પહોંચતાં જ આક્રોશિત પ્રવાસીઓએ સ્ટેશન પર વિરોધ પ્રદર્શન કરી અડધો કલાક સુધી ટ્રેન રોકી રાખી હતી. ગુજરાતમાં ખુલ્લેઆમ થતી દારૂની હેરફેર અને ટ્રેનમાં સુરક્ષાના અભાવ સામે લોકોએ ભારે રોષ ઠાલવ્યો હતો. અંતે સુરત રેલવે પોલીસે પહોંચીને પકડાયેલા બંને શખ્સો અને દારૂનો જથ્થો કબજે કરી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
(ઉત્સવ વૈદ્ય)