નાશિક: ભારે વરસાદ, તાપમાનમાં ઉતાર-ચડાવ અને સપ્લાય ચેઈનમાં સર્જાયેલી ખામીને કારણે બે મહિનામાં કાંદાના ભાવ સરેરાશ ૨૦ રૂ.થી વધીને ૬૦ રૂ. કિલો સુધી પહોંચી ગયા છે. સરકારી એજન્સીઓ પણ કાંદાની ખરીદીનું લક્ષ્યાંક હાંસલ કરવામાં નિષ્ફળ રહી હોવાથી, આ વર્ષે ઉત્પાદન વધવા છતાં બજારમાં અછત સર્જાઈ છે. ચોમાસુ પાકના કાંદા બજારમાં ન આવે ત્યાં સુધી, એટલે કે હજુ પણ અઢીથી ત્રણ મહિના સુધી ગ્રાહકોએ મોંઘા ભાાવે જ કાંદા ખરીદવા પડશે.
આ વર્ષે બાંગ્લાદેશમાં કાંદાની નિકાસ થઈ શકી નથી. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધના કારણે પણ નિકાસમાં અડચણો આવી હતી. આના લીધે દેશમાં પૂરતા કાંદા ઉપલબ્ધ હોવા છતાં અછત સર્જાઈ છે, જેથી સંગ્રહખોરી થઈ હોવાની શંકા મજબૂત બની છે. માર્ચ-એપ્રિલ મહિનામાં સરેરાશ ૮૦૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે વેચાતા કાંદાના ભાવ માત્ર ત્રણ જ મહિનામાં સાડા ચાર હજાર રૂપિયા સુધી પહોંચી ગયા છે.
માર્ચ-એપ્રિલમાં કાંદાના ભાવ ઘટી જતાં કેન્દ્ર સરકારે નાફેડ અને એનસીસીએફ મારફતે બે લાખ ટન કાંદા ખરીદવાનો નિર્ણય લીધો હતો. આ માટે ખરીદીના ભાવમાં સમયાંતરે વધારો કરીને ૧૨ રૂપિયાથી ૨૧ રૂપિયા સુધી દર વધારવામાં આવ્યા હતા. જોકે, જૂન મહિનાથી કાંદાના ભાવ વધવા લાગતાં આ સંસ્થાઓ માત્ર ૧.૨૧ લાખ ટન કાંદા જ ખરીદી શકી. ખરીદવામાં આવેલા કાંદામાંથી કેટલાક બગડી ગયા, તેના આંકડા ઉપલબ્ધ નથી.
હાલમાં નાફેડ પાસે ૫૫ હજાર ટનથી ઓછો અને 'એનસીસીએફ' પાસે આશરે ૬૨ હજાર ટન કાંદાનો બફર સ્ટોક છે. આ કાંદા બજારમાં લાવીને ગ્રાહકોને રાહત આપવાનો સરકારનો પ્રયાસ છે.