Tue Sep 08 2026

Logo

કરોડોના કૌભાંડમાં લાતુરના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ધરપકડ

2026-08-25 18:13:30
Author: Yogesh C. Patel
કરોડોના કૌભાંડમાં લાતુરના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ધરપકડ

લાતુર: 16 શેલ કંપની મારફત કરોડો રૂપિયા વિદેશમાં ટ્રાન્સફર કરી શકાય તે માટે આવશ્યક સર્ટિફિકેટ્સ કથિત રીતે જારી કરવા બદલ પોલીસે લાતુર જિલ્લાના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ધરપકડ કરી હતી. ઉદગીર શહેર પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર ભુસનુરે જણાવ્યું હતું કે આરોપી શ્યામ કાલાણીની ધરપકડ કરવામાં આવી હતી. સોમવારે ઉદગીરની કોર્ટે તેને નવ દિવસની પોલીસ કસ્ટડી ફટકારી હતી.

આવકવેરા વિભાગ દ્વારા કરાયેલા સર્વેમાં મળી આવેલાં તારણોને આધારે 21 ઑગસ્ટે પોલીસે ગુનો નોંધ્યો હતો. એફઆઈઆર અનુસાર કાલાણીએ અંતર્ગત દસ્તાવેજોની આવશ્યક ચકાસણી કર્યા વિના વિદેશમાં ભંડોળ મોકલવા માટે આવકવેરાના નિયમો હેઠળ ફૉર્મ 15સીબીમાં 1,810 સર્ટિફિકેટ્સ ઈશ્યુ કર્યા હતા.

ફૉર્મ 15સીબી બિનનિવાસીઓને અમુક પેમેન્ટ્સ અથવા રેમિટન્સ સંબંધમાં સીએ દ્વારા જારી કરવામાં આવે છે અને અધિકૃત ડીલર અથવા બૅન્ક મારફત ભંડોળ ટ્રાન્સફર થાય તે પૂર્વે સુસંગત કરપાત્રતા અને કરકપાતની વિગતોને તે પ્રમાણિત કરે છે.

પોલીસના કહેવા મુજબ આ સર્ટિફિકેટ્સને આધારે 1 એપ્રિલ, 2022થી 31 માર્ચ, 2026 દરમિયાન અસ્તિત્વમાં ન હોય તેવી 16 શેલ કંપનીઓ મારફત કરોડો રૂપિયા વિદેશમાં ટ્રાન્સફર કરાયા હતા. આ પ્રકરણે ભારતીય ન્યાય સંહિતાની કલમ 318(4), 234, 229 અને 3(5) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. લાતુર પોલીસે નોંધેલા આ ગુનાની તપાસ આર્થિક ગુના શાખાને સોંપવામાં આવી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઈ)