Mon Aug 31 2026

Logo

લિફ્ટને બહાને વૃદ્ધાને કારમાં બેસાડી લૂંટ ચલાવી: સુરતની ટોળકી પકડાઈ

2026-08-25 20:15:52
Author: Yogesh C. Patel
લિફ્ટને બહાને વૃદ્ધાને કારમાં બેસાડી લૂંટ ચલાવી: સુરતની ટોળકી પકડાઈ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લિફ્ટને બહાને કારમાં બેસાડીને વૃદ્ધાની મારપીટ કર્યા પછી લૂંટ ચલાવીને તેને કારમાંથી બહાર ફેંકી દેવામાં આવી હોવાની ઘટના પાલઘર જિલ્લાના વાડા ખાતે બની હતી. પોલીસે કરેલી તાત્કાલિક કાર્યવાહીને પગલે કારને વલસાડ નજીક આંતરી સુરતની ટોળકીને પકડી પાડવામાં આવી હતી.ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ આસિફા ઉર્ફે હીના અમજદ પઠાણ (28), સુફિયાન નાઝીમ શેખ (22), મુજમ્મિલ અશફાક સવાની (29), અશફાકઅલી ઉર્પે બબ્બુક મેહબૂબઅલી સય્યદ (30) તરીકે થઈ હતી. ચારેય આરોપી સુરત નજીકના ભેસ્તાનના રહેવાસી હોવાનું પોલીસે જણાવ્યું હતું. તેમની વિરુદ્ધ વાડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.

પોલીસ ફરિયાદ અનુસાર ઘટના સોમવારની સવારે 9.30 વાગ્યાની આસપાસ વાડા તાલુકાના કેળીચાપાડા નજીક બની હતી. ફરિયાદી ભારતી પષ્ટે (72) ગામની ત્રણ મહિલા સાથે કેળીપાડાથી કંચાડ જવા નીકળી હતી. ચારેય જણ વાહન માટે મુખ્ય રસ્તા પર ઊભી હતી ત્યારે આરોપીઓ ઈકો કારમાં ત્યાં આવ્યા હતા.લિફ્ટ આપવાને બહાને ચારેય મહિલાને કારમાં બેસાડી હતી. પછી થોડે આગળ સૂમસામ વિસ્તારમાં કાર ઊભી રાખી વૃદ્ધાની મારપીટ કરવામાં આવી હતી. પછી ગળામાંની 1.70 લાખ રૂપિયાની સોનાની માળા જબરદસ્તી લૂંટી વૃદ્ધાને કારમાંથી બહાર ધકેલી દેવામાં આવી હતી. ડરી ગયેલી અન્ય ત્રણ મહિલા પણ કારમાંથી ઊતરી ગઈ હતી. બાદમાં આરોપી ગુજરાત તરફ ફરાર થઈ ગયા હતા.

બનાવની જાણ થતાં વાડા પોલીસ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચના ઇન્ચાર્જ ઈન્સ્પેક્ટર પ્રદીપ પાટીલની ટીમ તપાસમાં લાગી હતી. સીસીટીવી કૅમેરાનાં ફૂટેજને આધારે કારનો નંબર મેળવવામાં આવ્યો હતો. કાર ગુજરાતની દિશામાં ગઈ હોવાનું જાણવા મળતાં વલસાડ પોલીસને જાણ કરાઈ હતી. વલસાડ પોલીસે તરત જ નાકાબંધી કરી ગુન્દલાવુ બ્રિજ નજીક કારને રોકી હતી. કારમાંથી ચારેય આરોપીને તાબામાં લઈ પાલઘર પોલીસને સોંપાયા હતા. પોલીસે લૂંટેલી માળા અને કાર જપ્ત કરી હતી.