વિઠ્ઠલ વઘાસિયા
ભારત પ્રાચીન કાળથી જ આધ્યાત્મિકતા, સંસ્કાર, નૈતિકતા અને માનવતાનાં મૂલ્યો માટે વિશ્વમાં પ્રસિદ્ધ રહ્યું છે. ભારતીય સંસ્કૃતિને ‘દિવ્ય’ અને ‘ભવ્ય’ કહેવાનું કારણ એ છે કે તેમાં માત્ર જીવન જીવવાની રીત જ નહીં, પરંતુ જીવનને અર્થપૂર્ણ અને સુખમય બનાવવાની પ્રણાલિકા પણ સમાયેલ છે. ‘વસુધૈવ કુટુમ્બકમ્’, ‘સર્વે ભવન્તુ સુખિન:’ અને ‘અહિંસા પરમો ધર્મ:’ જેવાં સૂત્ર ભારતીય સંસ્કૃતિનાં મૂળ તત્ત્વોને વ્યક્ત કરે છે.
આજના આધુનિક અને ભૌતિકવાદી યુગમાં એક પ્રશ્ન વારંવાર ઊભો થાય છે કે શું આ દિવ્ય અને ભવ્ય સંસ્કૃતિના આદર્શો ફરી સમાજમાં સ્થાપિત કરી શકાય?
ભારતીય સંસ્કૃતિનો આધાર સદીઓથી ધર્મ, કર્તવ્ય, નૈતિકતા અને સહ અસ્તિત્વના સિદ્ધાંતો પર રહ્યો છે. પ્રાચીન સમયમાં સમાજની વ્યવસ્થા એવી હતી કે દરેક વ્યક્તિ પોતાના કર્તવ્યને શ્રેષ્ઠ રીતે નભાવતી. ગુરુકુલ પ્રણાલીમાં શિક્ષણ ઉપરાંત નૈતિકતા અને જીવન મૂલ્યોના પણ સંસ્કાર આપવામાં આવતા, પરિણામે વ્યક્તિ માત્ર વિદ્વાન જ નહીં, પરંતુ ઉત્તમ ચરિત્ર વાળો નાગરિક બનતો.
સમયના વહેણ સાથે સમાજમાં અનેક પરિવર્તનો આવ્યાં. ટેક્નોલોજીનો વધતો ઉપયોગ અને ભૌતિક સુખ-સાધનોની દોડને કારણે લોકો ધીમે ધીમે મૂળ મૂલ્યોને ભૂલતાં ગયાં.
જોકે આ માહોલમાં પણ ભારતીય સંસ્કૃતિના આદર્શો ફરી સ્થાપિત થઈ શકે. યોગ્ય પ્રયાસ કરવામાં આવે તો આ દિવ્ય પરંપરા ફરી જીવંત બની શકે છે. દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં સત્ય, અહિંસા, સહનશીલતા અને કરુણા જેવા ગુણોને સ્થાન આપવું જોઈએ. માતા-પિતા પણ જો બાળકોને બાળપણથી જ સારા સંસ્કાર આપે, વડીલોનો આદર કરવાનું શીખવે અને ભારતીય પરંપરાઓ વિશે સમજાવે, તો નવી પેઢી પણ આ મૂલ્યોને સ્વીકારશે.
શિક્ષણ ક્ષેત્રમાં પણ સંસ્કૃતિનાં મૂલ્યોને પ્રાથમિકતા આપવાની જરૂર છે. શાળાઓ અને મહા વિદ્યાલયોમાં માત્ર રોજગારલક્ષી શિક્ષણ પૂરતું નથી, પરંતુ નૈતિક શિક્ષણ, આધ્યાત્મિક વિચારધારા અને ભારતીય પરંપરાઓ વિશે પણ માર્ગદર્શન આપવામાં આવવું જોઈએ. આ રીતે શિક્ષિત યુવાનો માત્ર બુદ્ધિશાળી જ નહીં પરંતુ સંસ્કારી નાગરિક બની શકે.
આજના સમયમાં મીડિયા અને ટેક્નોલોજી પણ મહત્ત્વપૂર્ણ સાધન બની શકે છે. જો ફિલ્મો, ટીવી કાર્યક્રમો અને સામાજિક માધ્યમો દ્વારા ભારતીય સંસ્કૃતિના આદર્શો અને મૂલ્યોનો પ્રચાર કરવામાં આવે, તો તેનો સમાજ ઉપર સકારાત્મક પ્રભાવ પડી શકે છે. આધુનિક સાધનોનો ઉપયોગ કરીને પ્રાચીન મૂલ્યોને નવી પેઢી સુધી પહોંચાડવાની જરૂર છે.
આ ઉપરાંત, આધ્યાત્મિકતા પણ ભારતીય સંસ્કૃતિનો આધારસ્તંભ છે. યોગ, ધ્યાન અને સત્યના માર્ગ પર ચાલવાની પ્રેરણા આપતી પરંપરાઓ આજે વિશ્વભરમાં સ્વીકારવામાં આવી રહી છે.
ટૂંકમાં કહી શકાય કે ભારતીય સંસ્કૃતિના દિવ્ય અને ભવ્ય આદર્શો ક્યારેય નષ્ટ થશે નહીં. તે ક્યારેક સમયના ધુમ્મસમાં ઝાંખા થઈ જાય છે, પરંતુ યોગ્ય પ્રયત્નોથી ફરી પ્રકાશિત થઈ શકે છે. વ્યક્તિ, પરિવાર, શિક્ષણ અને સમાજ - આ ચાર સ્તરે જો સંકલિત પ્રયાસ કરવામાં આવે, તો ભારતીય સંસ્કૃતિની મહાન પરંપરા અચૂક ફરી જીવંત બની શકે છે...