Thu Apr 30 2026

Logo

અંજારમાં તસ્કરો બેફામ! બંધ મકાનને નિશાન બનાવી રૂપિયા 2.95 લાખની ચોરી

2026-04-30 18:19:11
Author: Vimal Prajapati
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)

ભુજઃ અંજાર: પૂર્વ કચ્છના અંજાર શહેરમાં તસ્કરોએ ફરી એકવાર તરખાટ મચાવ્યો છે. અંજારની સ્વામી વિવેકાનંદ સોસાયટીમાં આવેલા એક બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિત કુલ રૂ. 2.95 લાખની મત્તા ચોરી કરી ફરાર થઈ ગયા હતા. વેપારી પરિવાર સામાજિક પ્રસંગે બહારગામ ગયો હતો ત્યારે તસ્કરોએ આ ખાતર પાડ્યું હતું.

આરોપીઓએ મકાન બંધને બનાવ્યું નિશાન

ગાયત્રી ચાર રસ્તા પાસે આવેલી સ્વામી વિવેકાનંદ સોસાયટીમાં રહેતા અને છરી-ચપ્પાના વ્યવસાય સાથે સંકળાયેલા રાજેશભાઈ જયરામભાઈ પ્રજાપતિ ગત તારીખ 26મી એપ્રિલના રોજ પરિવાર સાથે આણંદ ખાતે એક સામાજિક પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા. આ દરમિયાન તેમનું મકાન બંધ હતું, જેનો લાભ તસ્કરોએ ઉઠાવ્યો અને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. આ સમગ્ર મામલે પાડોશીએ ફોન કરી જાણ કરી હતી કે તેમના ઘરનો મુખ્ય દરવાજો ખુલ્લો છે. જેથી પરિવાર સત્વરે ઘરે આવી ગયો હતો.

સોના સહિતી રોકડ રકમ લઈ તસ્કરો ફરાર

ફરિયાદ પ્રમાણે ધારદાર હથિયાર વડે નકુચો તોડીને ઘરમાં પ્રવેશ કરનારા તસ્કરોએ લોખંડની તિજોરીમાં રાખેલા ત્રણ તોલાનું સોનાનું મંગળસૂત્ર, ત્રણ જોડી સોનાની બુટ્ટી, સોનાની ચેઈન, બે વીંટી અને વ્યવસાયના કામ માટે રાખેલા રૂપિયા ૨ લાખ રોકડા મળી કુલ રૂપિયા ૨,૯૫,૦૦૦ની મત્તાની ચોરી કરી હોવાનું પ્રકાશમાં આવ્યું હતું.

આ ઘટના અંગે અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધીને સોસાયટી અને આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ મેળવવાની તજવીજ હાથ ધરી હતી. આ સાથે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસે તસ્કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.