હેન્રી શાસ્ત્રી
ઢોરઢાંખર 500, માણસો ગણીને આઠ
આ અજબ દુનિયાની કેટલીક ગજબનાક વાતોની જાણકારી આ કોલમમાં વાચકોને નિયમિત આપવામાં આવે છે. નોર્વે અને આઈસલેન્ડ વચ્ચે આવેલા સ્ટોરા ડિમોન નામના દ્વીપમાં માનવ વસતિની ગણતરી કરવા બેસીએ તો બે હાથના આંગળા પણ વધી પડે. બીજી તરફ, અહીં ઢોરઢાંખર જેમાં મુખ્યત્વે ઘેટાંનો સમાવેશ છે એની સંખ્યા 500થી વધારે છે. આ ઘેટાં તેમની આજીવિકાનું સાધન પણ છે. 2.64 ચોરસ કિલોમીટરમાં પથરાયેલા આ દ્વીપમાં એક પરિવારના આઠ સભ્ય રહે છે. અહીં કોઈ સડક નથી, છે તો ફક્ત ઘાસના મેદાન. અહીં પહોંચવું આસાન નથી.
દરિયો શાંત હોય ત્યારે બોટમાં બેસી આવી શકાય, પણ જોખમ ખરું. અહીં પહોંચવાનો સરળ માર્ગ છે હેલિકૉપ્ટર મુસાફરી. સપ્તાહમાં બે-ત્રણ વાર આવતા હેલિકૉપ્ટરમાં ખાણીપીણીની સામગ્રી, દૂધ, દવા અને લેટર્સ પણ આવે છે. આજની તારીખમાં એક પરિવારની આઠમી પેઢી અહીં રહે છે. આ પરિવારમાં ત્રણ બાળક પણ છે. જે ભણવા માટે બીજા દ્વીપ પર હેલિકૉપ્ટરમાં બેસીને જાય છે.
ઈલેક્ટ્રીસિટી સૌર ઊર્જા અને જનરેટરથી પ્રાપ્ત થાય છે. અને હા, અહીં ઈન્ટરનેટ સર્વિસ પણ છે, જે સેટેલાઈટની મદદથી ઉપલબ્ધ થાય છે. જોકે, આ પ્રકૃતિના ખોળામાં આનંદ આપતું આ જીવન શહેરની ટેંશનવાળી ભાગદોડ સાથેની લાઈફ કરતાં હજાર દરજ્જે સારું છે એવું પરિવારનું યુગલ જોન અને ઈવા માને છે. ઊંચે આકાશમાંથી નજર નાખતા આ દ્વીપ સ્વર્ગ જેવો સુંદર લાગે છે અને એટલે જ દુર્ગમ હોવા છતાં સહેલાણીઓ ત્યાં જવાનું પસંદ કરે છે.
જન્મ પહેલા જ અનાથ
મનુષ્યની બુદ્ધિ અને એના કર્તવ્ય-કરતૂતો હેરત પમાડનારા હોય છે. હકીકત એ પણ છે કે માનવ સિવાયનું પ્રાણીજગત પણ અચંબામાં મૂકી દેનારું હોય છે. પૃથ્વીના વિશાળ પટ પર વસતાં અને વિચરતાં પ્રાણીઓની જીવન ઝરમર જોયા અને જાણ્યા પછી આશ્ર્ચર્યચકિત થઈ જવાય છે. મેફ્લાય નામનો જીવ મુખ્યત્વે કેનેડા, યુએસ અને યુકેમાં જોવા મળે છે. હવામાં ઊડી શકતા આ જંતુનું જીવનચક્ર જાણવા જેવું છે. જીવનચક્રના સૌથી મહત્ત્વના તબક્કામાં પહેલા તો નરનું એક ઝુંડ પાણી પર આવીને બેસી જાય છે.
થોડી જ વારમાં માદાનું ઝુંડ ત્યાં આવે છે અને નર એને જકડી સંવનન કરે છે. આ સંવનન પાણીમાં નહીં, પણ હવામાં થાય છે. સંવનન પૂરું થયા પછી નર માદાને મુક્ત કરે છે અને માદા પાણીની સપાટી પર આવીને ઈંડાં મૂકે છે. ત્યારબાદ નિસ્તેજ થઈને પાણીની સપાટી પર પડી રહે છે જ્યાં માછલીઓ આવીને માદાનું ભક્ષણ કરી જાય છે. સંવનન પૂરું થયા પછી માદા માંડ પાંચેક મિનિટ સુધી જીવતી રહેતી હોવાનું કહેવાય છે.
નર પાણીની સપાટી પર ભાગ્યે જ પાછો ફરે છે. જીવનસાથીના દેહત્યાગની વેદના હોય કે અન્ય કોઈ વૈજ્ઞાનિક કારણ હોય, નર નજીકની જમીન પર જાય છે અને ત્યાં મૃત્યુ પામે છે. દેહત્યાગ કરે છે એમ કહેવું વધુ યોગ્ય કહેવાશે. આમ જન્મ પહેલા જ અનાથ થઇ ગયેલી મેફ્લાયની નવી પેઢીને અવતરવાને થોડો સમય બાકી હોય છે. સંવનન બાદ માદાએ પાણીની સપાટી પર મૂકેલા ઈંડાં હળવેકથી તળિયે જતા રહે છે અને કોઈ વનસ્પતિ કે ખડક પર ચોંટી જાય છે. યોગ્ય સમયે નવા જીવનું નવી દુનિયામાં આગમન થાય છે. ફરી પાછું એ જ જીવનચક્ર શરૂ થઇ જાય છે: જન્મ આપીને જીવત્યાગ અને જન્મ પહેલા અનાથ. સાચે જ કુદરતની લીલા અજબગજબની હોય છે.
સૂર ના સજે, ક્યા ગાઉં મૈં...?
પંખીઓ અને એમની બોલી કાયમ અચરજનો વિષય રહ્યો છે અને એ દિશામાં અનેક સંશોધકોએ ઘણું કામ કર્યું છે. ઓસ્ટ્રેલિયાનું રિજન્ટ હનીઈટર પંખી સોન્ગ બર્ડ તરીકે પણ ઓળખાય છે. માદાને આકર્ષવા કે પછી પ્રેમ થઈ ગયા પછી એને રીઝવવા માટે નરપંખી પ્રેમ ગીત ગાય છે. જોકે, નવા સંશોધન મુજબ આ રિજન્ટ હનીઈટર પ્રેમ ગીતના સૂર વિસરી રહ્યું છે. આ પંખીની જાત લુપ્ત થઈ જવાનો ભય રહેલો છે અને ઑસ્ટ્રેલિયાના જંગલમાં એની સંખ્યા ઘટવાનું કારણ વૈજ્ઞાનિકોને મળી ગયું છે.
પ્રેમ ગીત ગાઈને માદાને રીઝવવાની કળા વિસરાતી જતી હોવાથી નર-માદા વચ્ચે સંવનન ઓછું થઈ રહ્યું છે જે વસતિ ઘટવાનું કારણ માનવામાં આવે છે. આશ્ર્ચર્યજનક વાત એ છે કે નર પંખી અન્ય પક્ષીઓના ગીતની નકલ કરી રહ્યા છે, પણ સંશોધકોના કહેવા પ્રમાણે આ કોપી કળા ઓરિજિનલની આગ્રહી માદાને પસંદ નથી આવી. મનુષ્ય જેમ બીજાને સાંભળીને ભાષા શીખે એ જ રીતે ઘણા પક્ષી અન્ય પંખીને સાંભળી ગીત શીખતા હોય છે, પણ જો આ સાંભળવા ની પ્રક્રિયા જ બંધ થઈ જાય તો શીખવાનું આપમેળે અટકી જાય.
મોટાભાગના નર રિજન્ટ હનીઈટર એક વર્ષનું થાય ત્યાં સુધી સાંભળીને ગીત શીખતાં હોય છે અને એ ગાયન કળા જીવનભર તેમને સાથ આપે છે. કેટલાક પિતા પાસેથી શીખી લે છે પણ અમુક નર પંખી તો ગીત શીખવા પહેલા જ માળો છોડીને ઊડી જાય છે. આ ઊડી જતા પંખી બીજી જાતના પંખીનું સંગીત સાંભળીને શીખે છે, પણ આ બદલાયેલું સંગીત માદાને નથી ગમી રહ્યું. આવા જુદા ગીત ગાતા નર સાથે સંવનન કરવાનું માદા ટાળી રહી છે અને એટલે આ પંખીઓની (અને એમનાં સંતાનોની) સંખ્યા ઘટી રહી છે.
દુનિયાના કેટલા ટકા લોકો દાંતિયો રાખે છે?
શિક્ષણ મેળવી ડોક્ટર-એન્જિનિયર બનવાનું સપનું સેવતા લોકો ઉપરાંત અનેક યંગસ્ટર્સ IAS - IPS - IFS ઓફિસર બનવાની તમન્ના પણ રાખતા હોય છે. આ પદ પ્રાપ્તિ માટે ઈચ્છુક વિદ્યાર્થીઓએ આપણા દેશની મુશ્કેલ માનવામાં આવતી યુનિયન પબ્લિક સર્વિસ કમિશન-UPSC પરીક્ષા પાસ કરવી જરૂરી હોય છે. આ કસોટીમાં લેખિત પરીક્ષા ઉપરાંત ઈન્ટરવ્યૂ રાઉન્ડ પણ હોય છે, જેની ખાસ્સી ચર્ચા સોશ્યલ મીડિયામાં થતી હોય છે.
આ રાઉન્ડમાં પૂછવામાં આવતા પ્રશ્નો ઉમેદવારના જ્ઞાન ઉપરાંત એની તર્કશક્તિ પણ ચકાસે છે. ઘણી વાર આ સવાલ અત્યંત દિલચસ્પ હોય છે અને જવાબ આપનારા ઉમેદવારના ‘પ્રેઝન્સ ઓફ માઈન્ડ’-હાજરજવાબીપણાની કસોટી થાય છે.
તાજેતરમાં યુપીએસસી ઈન્ટરવ્યૂ સંબંધિત એક સવાલ વાઇરલ થયો છે, જેણે અનેક લોકોને ચકરાવે ચડાવી દીધા છે. સવાલ છે કે ‘100 રૂપિયાની નોટને વાળ્યા વિના કે ફાડ્યા વગર અડધી કેવી રીતે કરી શકાય?’
પ્રથમ તો મૂંઝવણ પેદા થાય કે માળું બેટુ ગજબનું લાયવા. સીધી રીતે વિચારીએ તો નોટ વાળ્યા કે ફાડ્યા વિના અડધી કરવી શક્ય જ નથી એવો વિચાર આવે. પણ ‘આઉટ ઓફ બોક્સ’ વિચારો તો એવું સ્ફૂરી શકે કે નોટને અડધી માત્ર ફાડીને જ નહીં એની કિંમતથી પણ અડધી કરી શકાય. મતલબ કે 100 રૂપિયાની નોટ બદલી 50 રૂપિયાની નોટ હાથમાં રાખવાથી એનું મૂલ્ય અડધું થઈ ગયું ને, દ્યો તાળી. આવા ઉત્તર વિદ્યાર્થીની વ્યવહાર કુશળતા દર્શાવે છે. એ જ રીતે ઇન્ટરવ્યૂમાં સવાલ કરવામાં આવે કે ‘દુનિયામાં કેટલા ટકા લોકો ખિસ્સામાં દાંતિયો રાખતા હશે?’
જવાબમાં 60 ટકા, 75 ટકા કે અન્ય કોઈ ટકાવારી આવી શકે છે. જોકે, એનો ‘આઉટ ઓફ બોક્સ’ ઉત્તર છે શૂન્ય... કારણ કે ટકા ધરાવતા એટલે કે માથું સફાચટ ધરાવતા લોકો ખિસ્સામાં દાંતિયો રાખે જ નહીં. મજા પડી ગઈ ને?!.
લ્યો કરો વાત
દહેજ એક સામાજિક દૂષણ છે. દીકરીના લગ્નપ્રસંગે ત્રેવડ હોય કે નહીં, પિતા પ્રેમથી રોકડા પૈસાથી માંડીને કાર જેવી વસ્તુ આપતો હોય છે જેને ક્યારેક કરિયાવર જેવું રૂપાળું નામ પણ આપવામાં આવે છે. આ દહેજ ભેગું કરવા પિતા ક્યારેક પરસેવે રેબઝેબ થઈ જતો હોય છે. જોકે, મધ્ય પ્રદેશની એક કોમમાં દહેજમાં જે આપવામાં આવે છે એ જોઈને કદાચ જાનૈયાને પરસેવો વળી જતો હશે. એમપીની એક વિશિષ્ટ જાતિમાં ક્ધયાનાં લગ્નપ્રસંગે દહેજ તરીકે 21 સાપ આપવાનો રિવાજ છે. બધા સાપ ઝેરીલા હોવાથી દહેજમાં દંશ એવું મજાકમાં કહેવાય છે.
વિચિત્ર માન્યતા એ છે કે જો લગ્નમાં દહેજપેટે સાપ ન આપે તો એ લગ્ન બહુ જલદી તૂટી જાય છે. આ સિવાય એક કારણ એ છે કે આવકના સાધન તરીકે એ ઉપયોગમાં આવી શકે છે. આ કોમના ઘણા પુરુષો સાપના ખેલ કરીને પેટિયું રળતા હોય છે. તો વળી અમુક ભણેલાઓ સાપના દંશની સારવાર પણ કરતા હોય છે. આમ દહેજના સાપ બે પૈસા કમાણી કરાવી આપે છે. આમ સંઘરેલા સાપની જેમ દહેજનો સાપને પણ કામે લગાડી શકાય છે...