સંજય છેલ
આપણા દેશમાં દવાઓનું ઉત્પાદન ભલે પૂરતી માત્રામાં ન થતું હોય, પણ ડોક્ટરોનું ઉત્પાદન બહુ ભારે માત્રામાં થાય છે. ઉત્પાદન વૃદ્ધિના સામાન્ય નિયમ અહીં પણ લાગુ પડે છે એટલે કે સમાજમાં ડોક્ટર પેદા થવા માંડ્યા તો પછી ખૂબ થવા માંડ્યા. રોગ અને દર્દીઓની આ ગરીબ દેશની જમીન ડોક્ટરો પેદા કરવા માટે ખૂબ ઉપજાઉ છે!
કયો માણસ ક્યારે ડોક્ટર બની જાય, તમે કંઇ ન કહી શકો... પોતાનાં બીમાર મા-બાપ, દર્દી, સગાંસંબંધી અને પાગલ દોસ્તને જોઈને માણસનું દિલ એક વાર અચાનક ડોક્ટર બની જાય પછી દર્દીઓની અહીં કમી નથી. એકપણ ન શોધો તોયે હજાર મળી આવે. બલકે મોટા ભાગના લોકો ડોક્ટરને જોતાં વેંત જ પેશંટ બની જાય છે! અંદર ને અંદર પેશંટત્વ ઊભું થવા લાગે છે! કેટલાય લોકો બીમાર નથી પણ એ આશામાં હાયકારા લેવા માંડે છે કે ડોક્ટર ત્યાંથી પસાર થાય તો એમનું ધ્યાન ખેંચાય.
આ દેશ, ચીખતા-ખાંસતા-ફૂંકતા-ઓડકારતા-ટળવળતા લાખો, કરોડો લોકોનો ધ્વનિ-પ્રધાન દેશ છે. ડોક્ટરોના વિકાસ માટે જે સંગીત અને તાલ જોઈએ એ અહીંયાં પૂરતી માત્રામાં અવેલેબલ છે! ક્યારે ક્યાં કઈ દર્દના વિવિધ ધ્વનિ છોડવા માંડશે એનું કંઇ નક્કી ન કહેવાય. આવા રાષ્ટ્રીય ધ્વનિ જ તો લોકોને ડોક્ટર બનવા પ્રેરણા આપે છે.
આજે આપણે ડોક્ટરોની નિકાસ કરી શકીએ એવી સ્થિતિમાં છીએ. સરકાર ચાહે તો ડોક્ટરોનો બફર સ્ટોક અર્થાત્ વધારાનો સંગ્રહ કરી શકે એમ છે. ડોક્ટરોના સેલ પણ લગાડી શકે છે. વિદેશથી આવનારા મહેમાનોને પેકેટબંધ ડોકટરની ભેટ પણ આપી શકે એમ છે ‘આ લો, આમારા તરફથી બે આંખ-કાન સ્પેશિયાલિસ્ટ!’
જેમ રોમેંટિક વાર્તાઓના લેખકો લખતા હોય છે કે ‘તે રાત્રે એ હતી, પણ ચંદ્ર નહોતો. પછી એક રાતે ચંદ્ર હતો, હું હતો, પણ તે નહોતી. પછી ક્યારેક તે હતી, ચંદ્ર હતો ને હું નહોતો!’ એવી જ રીતે આપણા દેશમાં રોમેંટિક સ્થિતિઓ ઠેર ઠેર છે જેમ કે પેશંટ છે, દવા છે, પણ ડોક્ટર નથી! યા તો ડોક્ટર છે, પેશંટ છે, પણ દવા નથી! અથવા તો દવા છે, ડોક્ટર છે પણ પેશંટ નથી! અને ત્રણેય એક જ જગ્યાએ હોય તો શું કહેવું જી? તો તો નર્સિંગ હોમ થઈ જાયને?
આપણા દેશમાં ડોક્ટરો પેશંટો સાથે વોલીબોલની જેમ રમે છે. એક સ્પેશિયાલિસ્ટ ઉછાળીને બીજા સ્પેશિયાલિસ્ટને ત્યાં મોકલે છે. બીજો, ત્રીજાને ત્યાં ને ત્રીજો પાછો પહેલાને ત્યાં ફંગોળે છે. બીમારી હવામાં જ લટકી જાય છે અને એની સાથે પેશંટ પણ! ડોક્ટરોના હાથ એ બેઉની સાથે રમ્યા જ કરે છે!
આજકાલ સરકારને ફિકર સતાવે છે કે મેડિકલ કોલેજોમાં ડોક્ટરોનું વાર્ષિક ઉત્પાદન ઓછું કરવામાં આવે.
જુઓ ભાઈ, બજારભાવ નીચે જાય અને સરકારી મંડીમાં માલની પૂછપરછ ઓછી થવા લાગે તો થોડો સમય ઉત્પાદન રોકવું પડેને? ભાવ ઉપર ઊઠશે તો પાછું મશીન ચાલુ કરી દેશું! આ દેશમાં અસલીનકલી ડોક્ટરોને તૈયાર કરવામાં વાર ક્યાં લાગે છે?
તમે બોલો, કેટલા આલીએ તમને? તાજ્જો જેમ રોમેંટિક વાર્તાઓના લેખકો લખતા હોય માલ, ડોક્ટરોનો! હોવ્વ!