ભારત એ મંદિરોનો દેશ છે અને અહીં હજારોની સંખ્યામાં મંદિરો આવેલા છે. પણ વાત કરીએ હિંદુ ધર્મની માન્યતા, પરંપરાની તો હિન્દુ ધર્મમાં મંદિરોમાં વગાડવામાં આવતી ઘંટડીની ધ્વનિને અત્યંત પવિત્ર માનવામાં આવે છે, પરંતુ શું તમે ક્યારેય ભારતનો સૌથી મોટો ઘંટ જોયો છે? મધ્યપ્રદેશના મંદસૌરમાં આવેલા ભગવાન પશુપતિનાથ મંદિર પરિસર નજીક સહસ્ત્ર લિંગમ મંદિરમાં એક એવો મહા-ઘંટો સ્થાપિત છે, જે પોતાના વિશાળ કદ અને ગુંજારવ માટે સમગ્ર દેશમાં જાણીતો છે. ચાલો જાણીએ શું છે આખી સ્ટોરી...
મધ્યપ્રદેશના મંદસૌરમાં આવેલા ભગવાન પશુપતિનાથ મંદિર પરિસર નજીક સહસ્ત્ર લિંગમ મંદિરમાં સ્થાપિત કરવામાં આવેલા મહા-ઘંટના વજનની વાત કરીએ તો આ ઘંટ આશરે 3700 કિલોગ્રામ એટલે કે 37 ક્વિન્ટલનો હોવાનું કહેવાય છે. ઘંટની લંબાઈ લગભગ સાડાસાત ફૂટ અને વ્યાસ સાડાછ ફૂટ જેટલો છે. આટલા વિશાળ કદને કારણે તે મંદિરે આવતા શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યું છે.
આ વિશાળકાય ઘંટાના નિર્માણ પાછળની સ્ટોરી પણ ખૂબ પ્રેરણાદાયી છે. 'શ્રી કૃષ્ણ કામધેનુ સામાજિક અને ધાર્મિક સંસ્થા'એ આ ભગીરથ કાર્યનો સંકલ્પ લીધો હતો. આ માટે સંસ્થાના સભ્યોએ વર્ષો સુધી ગામડે-ગામડે ફરીને લોકો પાસેથી જૂના પીતળ અને તાંબાના વાસણો એકત્ર કર્યા હતા. લગભગ 3 વર્ષના અભિયાન બાદ એકત્ર થયેલી ધાતુને અમદાવાદ મોકલવામાં આવી હતી, જ્યાં વિશેષ કારીગરોએ 6 મહિનાની મહેનત બાદ આ અદભૂત કલાકૃતિ તૈયાર કરી હતી.
રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર આ મહા-ઘંટને તૈયાર કરવા માટે અંદાજે 36 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. તેને સુરક્ષિત રીતે સ્થાપિત કરવું એ એક મોટી પડકાર સમાન હતો. આ માટે મંદિર પરિસરમાં 3 મીટર ઊંડો પાયો ખોદીને મજબૂત લોખંડનું સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું હતું, અને ત્યારબાદ ક્રેનની મદદથી તેને સ્થાપિત કરવામાં આવ્યો હતો.
મંદસૌરના મંદિરમાં લગાવવામાં આવેલા આ વિશાળકાય ઘંટની સૌથી મોટી વિશેષતા તેની ધ્વનિ છે. સ્થાનિકોની એવી માન્યતા છે કે જ્યારે પણ આ ઘંટ વગાડવામાં આવે છે, ત્યારે તેનો ગુંજારવ અનેક કિલોમીટર દૂર સુધી સંભળાય છે. શ્રદ્ધાળુઓની સુવિધા માટે દોરડાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે સુરક્ષાના કારણોસર આ ઘંટની બરાબર નીચે ઊભા રહેવા પર પ્રતિબંધ છે.
ટૂંકમાં કહેવાનું થાય તો મંદિરમાં લગાવવામાં આવેલો આ મહા-ઘંટ એ માત્ર એક સ્થાપત્ય કે કળાનું પ્રદર્શન નથી, પરંતુ ભક્તોની આસ્થા અને સમર્પણનું પ્રતીક છે.