Sat Aug 29 2026

Logo

કચ્છના મુંદરામાં નશામાં ધૂત પોલીસકર્મીની દાદાગીરી, અકસ્માત સર્જતા તપાસના આદેશ...

2026-03-06 19:35:37
Author: Chandrakant Kanoja
કચ્છના મુંદરામાં નશામાં ધૂત પોલીસકર્મીની દાદાગીરી, અકસ્માત સર્જતા તપાસના આદેશ...

AI Generated Images


મુંદરા: ગુજરાતના કચ્છના શહેર મુંદરાની એક રહેણાંક સોસાયટીમાં કાયદાના રક્ષક જ ભક્ષક બન્યા હોય તેવી શરમજનક ઘટના પ્રકાશમાં  આવી છે. જેમાં  નશામાં ચૂર એક પોલીસકર્મીએ પોતાની કારથી અકસ્માત સર્જ્યા બાદ સોસાયટીના રહીશો સાથે ઉગ્ર બોલાચાલી અને મારામારી કરતા  પોલીસ વિભાગની છબી ખરડાઈ છે. 

 સ્થાનિક લોકો સાથે દાદાગીરી શરૂ કરી હતી

આ ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર, મુંદરાની એક સોસાયટીમાં એક પોલીસકર્મી પોતાની કાર લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તેણે અકસ્માત સર્જ્યો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, પોલીસકર્મી  નશામાં એટલો ધૂત હતો કે તે પોતાનું સંતુલન પણ જાળવી શકતો નહોતો. અકસ્માત બાદ પોતાની ભૂલ સ્વીકારવાને બદલે  નશામાં તેણે સ્થાનિક લોકો સાથે દાદાગીરી શરૂ કરી હતી.

જાહેરમાં હાથાપાઈ કરી હતી

આ અંગે સ્થાનિક રહીશોએ ગંભીર આક્ષેપ કર્યો છે કે પોલીસકર્મીની કારમાંથી દારૂનો જથ્થો પણ મળી આવ્યો હતો. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં, કાયદો અમલી કરાવનાર વ્યક્તિ જ દારૂના જથ્થા સાથે નશાની હાલતમાં ઝડપાતા અનેક સવાલો ઉભા થયા છે. આ દરમિયાન પોલીસકર્મી અને તેની સાથેના અન્ય શખ્સોએ રહીશો સાથે જાહેરમાં હાથાપાઈ કરી હતી. જેના દ્રશ્યો મોબાઈલ કેમેરામાં કેદ થયા હતા.

તપાસના આદેશો આપવામાં આવ્યા 

ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રહીશોનો આક્ષેપ છે કે આરોપી પોલીસ વિભાગનો જ માણસ હોવાથી શરૂઆતમાં આ મામલાને દબાવવાના અને ભીનું સંકેલવાના પૂરતા પ્રયાસો કરવામાં આવ્યા હતા. જોકે, સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડતા થયા છે અને તપાસના આદેશો આપવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.