ભુજ: રાજ્ય સરકારના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા વિદ્યાર્થીઓના આરોગ્ય અને ભોજનની ગુણવત્તાને ધ્યાને રાખીને કચ્છ જિલ્લાની 12 જેટલી જાણીતી શૈક્ષણિક હોસ્ટેલોમાં વ્યાપક આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી છે. ફૂડ સેફ્ટી ઓફિસરની ટુકડીએ અચાનક દરોડા પાડી રસોડાંની સ્વચ્છતાની સમીક્ષા કરી 10 જેટલા ખાદ્ય પદાર્થોના સેમ્પલ મેળવી પૃથક્કરણ અર્થે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. ફૂડ સેફ્ટી ઓફિસર એમ. એમ. પટેલના નેતૃત્વમાં રચાયેલી ટુકડીએ કચ્છ યુનિવર્સિટી પરિસર સ્થિત ‘અન્નપૂર્ણા ભવન’, ભુજની સરકારી બોયઝ હોસ્ટેલ, જી.કે. જનરલ સંલગ્ન અદાણી મેડિકલ કોલેજ હોસ્ટેલ, લેવા પટેલ બોર્ડિંગ (ભચાઉ) તેમજ માંડવી સ્થિત વીરાયતન વિદ્યાપીઠ સહિત કુલ 12 છાત્રાલયોની મેસ અને કિચનમાં સઘન સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું.
દસ સેમ્પલ લેવામાં આવ્યા
આ દરમિયાન વપરાતા તેલ, મસાલા, અનાજ તેમજ તૈયાર ભોજન સહિતના 10 જેટલા શંકાસ્પદ નમૂના સીલ કરવામાં આવ્યા હતા. આ તપાસ દરમિયાન મેસના રસોઇયા તેમજ ભોજન પીરસતા તમામ કર્મચારીઓ માટે માથા પર કેપ/ટોપી, હાથમાં સર્જિકલ ગ્લોવ્ઝ અને સ્વચ્છ એપ્રોન પહેરવા સહિતના ફૂડ સેફ્ટીના અનિવાર્ય નિયમોના પાલનની ચકાસણી કરવામાં આવી હતી. અધિકારીઓએ છાત્રાલય સંચાલકોને પીવાના કે રસોઈના શુદ્ધ પાણીનો જ ઉપયોગ કરવા, રાસાયણિક કે કૃત્રિમ રંગોનો ઉપયોગ સંપૂર્ણપણે ટાળવા તેમજ વાસી, સડેલાં શાકભાજી કે ખુલ્લી ચટણીઓ ન પીરસવા સ્પષ્ટ અને કડક તાકીદ કરી હતી. તંત્ર દ્વારા જારી કરાયેલી સત્તાવાર યાદીમાં સ્પષ્ટ જણાવાયું છે કે, વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા કોઈપણ તત્વોને બક્ષવામાં નહીં આવે.
સરપ્રાઈઝ ચેકિંગ કરાશે
આગામી દિવસોમાં પણ આ પ્રકારની આકસ્મિક તપાસ ડ્રાઇવ સમગ્ર જિલ્લામાં ચાલુ રહેશે અને જો પ્રયોગશાળાના અહેવાલમાં કોઈ ક્ષતિ જણાશે કે નિયમોનો ઉલાળિયો થયેલો માલૂમ પડશે, તો સંબંધિત છાત્રાલય મેસ સંચાલકો સામે ‘ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ’ હેઠળ કડક ફોજદારી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. માત્ર ભૂજમાં જ નહીં રાજકોટમાં પણ આ પ્રકારની ફૂડ ચેકિંગડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. જેમાં સરકાર વિભાગની કેન્ટિન સુધી તપાસ શરૂ થઈ છે. ખાસ કરીને હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ અને ઘરથી દૂર રહીને અભ્યાસ કરતા આવા વિદ્યાર્થીઓનું આરોગ્ય જોખમાય નહીં એ માટે તંત્ર તરફથી ચેકિંગ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે.
ઉત્સવ વૈદ્ય