Sat Aug 29 2026

Logo

કોળી સમાજને તોડનારાઓને સાંખી લેવાશે નહીં: કુંવરજી બાવળિયા

2026-03-01 21:25:57
Author: Devayat Khatana
કોળી સમાજને તોડનારાઓને સાંખી લેવાશે નહીં: કુંવરજી બાવળિયા

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ: સુરતમાં અખિલ ભારતીય કોળી સમાજની એક અત્યંત મહત્વપૂર્ણ સંગઠન વિચાર વિમર્શ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સમાજના અગ્રણી નેતા અને કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયા ઉપસ્થિત રહ્યા હતા અને સમાજના ઉત્થાન તથા સંગઠનની મજબૂતી પર ભાર મૂક્યો હતો. બેઠક દરમિયાન બાવળિયાએ સમાજમાં ચાલી રહેલી આંતરિક ખેંચતાણ અને સંગઠનને તોડવાનો પ્રયાસ કરનારા તત્વો સામે આકરા પ્રહારો કર્યા હતા.

કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે, કેટલાક લોકો મનસ્વી અને ગેરબંધારણીય રીતે પોતાની જાતને પ્રમુખ જાહેર કરી આખા કોળી સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે સમાજની એકતા ખંડિત કરનારા અને ગરિમા સાથે રમત કરનારાઓને સાંખી લેવામાં નહીં આવે. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય સંગઠનને મજબૂત બનાવી આવા સ્વાર્થી તત્વોથી સમાજને સાવચેત કરવાનો અને ભ્રમણાઓ દૂર કરવાનો હતો.

આ ચિંતન બેઠકમાં રાજકીય ચર્ચાઓને બાજુ પર રાખીને માત્ર સામાજિક હિત અને શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. બાવળિયાએ જણાવ્યું કે, આગામી દિવસોમાં સમાજના દીકરા-દીકરીઓને શિક્ષણ ક્ષેત્રે કઈ રીતે મદદરૂપ થઈ શકાય તે અંગે વરિષ્ઠ આગેવાનો સાથે ગહન ચર્ચા કરવામાં આવી હતી.