મુંબઈ: નાશિકમાં આગામી કુંભમેળાને લગતાં કામ માટેના આકર્ષક કોન્ટ્રેક્ટ અપાવવાને બહાને એક વ્યક્તિ સાથે 2.17 કરોડ રૂપિયાની ઠગાઇ આચરવા પ્રકરણે રાજ્યના પ્રધાન ગિરીશ મહાજનના સંબંધી સહિત બે જણની ધરપકડ કરવામાં આવી હતી.
ભાજપના નેતા મહાજને આરોપીને તેમનો દૂરનો સંબંધી અને ‘વંઠેલ વ્યક્તિ’ ગણાવ્યો છે અને જો તે કસૂરવાર ઠરે તો કઠોર પગલાં લેવાનું જણાવ્યું છે.
કુંભમેળા માટેના બનાવટી વર્ક ઑર્ડર સંબંધી 305 કરોડ રૂપિયાના કથિત કૌભાંડનો પર્દાફાશ થયા બાદ આ ધરપકડ કરવામાં આવી છે.
ધરપકડ કરાયેલા બે જણની ઓળખ 32 વર્ષના તનય મહાજન (મહાજનના સંબંધી) અને નરેન્દ્ર તોતારામ મહાજન (51) તરીકે થઇ હતી, જેમણે કુંભમેળાનાં કામ માટે હાઉસકીપિંગ ઑર્ડર મેળવી આપવામાં મદદ કરવાને બહાને એક વ્યક્તિ સાથે 2.17 કરોડ રૂપિયાની ઠગાઇ આચરી હોવાનો આરોપ છે.
બંને આરોપી અને તેમના સાથીદારોએ ભારત સરકારની મુદ્રા અને નાશિક ત્ર્યંબકેશ્ર્વર કુંભમેળા પ્રશાસનનો સમાવેશ ધરાવતા કુંભમેળાનાં કામોની યાદી સાથેનો ફૅક ઑર્ડર બતાવીને ફરિયાદીનો વિશ્ર્વાસ સંપાદન કર્યો હતો. ગિરીશ મહાજને જણાવ્યું હતું કે તનય દૂરનો સંબંધી છે અને તેની વિરુદ્ધ ફોજદારી ગુના નોંધાયેલા છે.
‘તે વંઠેલ વ્યક્તિ છે અને અગાઉ પણ તેની વિરુદ્ધ ફોજદારી ગુના નોંધાયેલા છે. મેં નાશિકના પોલીસ કમિશનર સંદીપ કર્ણિક સાથે આ અંગે વાત કરી છે. આ ગુનામાં ત્રણથી ચાર નામ સામે આવ્યાં છે. આ ગુનામાં છથી સાત જણ સંડોવાયેલા હોવાનું લાગે છે અને તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.’ એમ મહાજને કહ્યું હતું.
નાશિના ડીસીપી કિરણકુમાર ચવાણે જણાવ્યું હતું કે કુંભમેળાના વર્ક ઑર્ડરને નામે ટોળકી દ્વારા છેતરપિંડી કરવામાં આવી રહી છે એ બાબતે ખુદ ગિરીશ મહાજને જ કર્ણિકને સર્તક કર્યા હતા. તપાસમાં એવું સામે આવ્યું છે કે આરોપીઓએ બોગસ દસ્તાવેજો બતાવ્યા હતા અને અત્યાર સુધી આગળ આવેલા ફરિયાદીઓને 591 કરોડ રૂપિયાના વર્ક ઑર્ડર ફાળવ્યા હતા. આ સામે તેમણે ફરિયાદીઓ પાસેથી 305 કરોડ રૂપિયા લઇને છેતરપિંડી આચરી છે.
11 ઑગસ્ટે નાશિક રોડ પોલીસ સ્ટેશનમાં ત્રણ કેસ દાખલ કરવામાં આવ્યા છે અને અત્યાર સુધી બે જણની ધરપકડ કરાઇ છે, એમ ચવાણે કહ્યું હતું.
ગિરીશ મહાજને જણાવ્યું હતું કે કુંભમેળાની ટેન્ડર પ્રક્રિયા ઓનલાઇન હાથ ધરાઇ છે. જોકે આ કૌભાંડ ઓફલાઇન પદ્ધતિથી કરીને અમુક લોકોને છેતરવામાં આવ્યા છે. પ્રધાને સ્પષ્ટતા કરી છે કે વર્ક ઑર્ડર અધિકારીઓને નામે જારી કરાતા નથી અને તેમાં અધિકૃત ક્યુઆર કૉડ પણ હોતો નથી. આવી 12 છેતરપિંડીની ઘટના સામે આવી છે, જેમાં નાશિક પોલીસ દ્વારા ત્રણ કેદ દાખલ કરવામાં આવ્યા છે.
(પીટીઆઇ)