નવી દિલ્હીઃ અફઘાનિસ્તાન સામે રમાનારી ટેસ્ટ પહેલા ભારતીય ટીમના વિકેટકિપર બેટ્સમેન કેએસ ભરતે સંન્યાસની જાહેરાત કરી હતી. ગઈકાલે તેણે ઈન્ટરનેશનલની સાથે ઘરેલું ક્રિકેટમાંથી પણ સંન્યાસની જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા હતા. કેએસ ભરતની ગણતરી ભારતીય ક્રિકેટના શ્રેષ્ઠ વિકેટકિપર બેટ્સમેનમાં થતી હતી, પરંતુ ટીમ ઈન્ડિયાની ટેસ્ટ ટીમમાં પંતના કારણે તેને વધારે મેચ રમવાનો મોકો મળ્યો નહોતો.

પંત જ્યારે કાર અકસ્માતનો ભોગ બન્યો તે બાદ કેએસ ભરતને ટેસ્ટમાં ડેબ્યૂ કરવાનો મોકો મળ્યો હતો. પંત કાર દુર્ઘટનામાં ઘાયલ થયા બાદ કેએસ ભરતે ટેસ્ટ ક્રિકેટમાં રોહિત શર્માની કેપ્ટનશિપમાં ડેબ્યૂ કરવાનો મોકો મળ્યો હતો. જોકે તે આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં મોકો મળ્યો બાદ પોતાની બેટિંગથી ખાસ પ્રભાવિત કરી શક્યો નહોતો. તેને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની બીજી એડિશનમાં ઑસ્ટ્રેલિયા સામે રમાયેલી ફાઈનલમાં પણ રમવાનો મોકો મળ્યો હતો પરંતુ ફાયદો ઉઠાવી શક્યો નહોતો. કેએસ ભરતે કુલ 7 ટેસ્ટ મેચ રમી હતી. જેમાં 12 ઈનિંગમાં તેણે 20.09ની સરેરાશથી 221 રન બનાવ્યા હતા.
કેએસ ભરતે આંતરાષ્ટ્રીયની સાથે ઘરેલું ક્રિકેટમાંથી પણ સંન્યાસની જાહેરાત કરી હતી. ઘરેલું ક્રિકેટમાં તે આંધ્ર તરફથી રમતો હતો. તેણે 113 ફર્સ્ટ ક્લાસ મેચમાં 36.53ની સરેરાશથી 6102 રન બનાવ્યા હતા. જેમાં 11 સદી અને 34 અડધી ફટકારી હતી. લિસ્ટ-એ ક્રિકેટમાં કેએસ ભરતે 83 મેચમાં 36.37ની સરેરાશથી 2692 રન બનાવ્યા હતા. આ ઉપરાંત 91 ટી20 મેચમાં તેણે 182 રન બનાવ્યા હતા.
તેણે પોતાનો પ્રથમ મુકાબલો ઑસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે રમ્યો હતો. ભારત તરફથી તે અંતિમ આંતરરાષ્ટ્રીય મેચ 2024માં ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ સીરિઝમાં રમ્યો હતો, જે બાદ તેને મોકો મળ્યો નહોતો.