Mon May 25 2026

Logo

કોલકાતામાં ભારે પવનને લીધે મેસીનું તોતિંગ સ્ટૅચ્યૂ ઝોલા ખાવા લાગ્યું!

2026-05-25 19:45:36
Author: Ajay Motiwala
Article Image

કોલકાતાઃ અહીં લેક ટાઉન વિસ્તારમાં સોમવારે ભારે પવનને કારણે ફૂટબૉલના સુપરસ્ટાર લિયોનેલ મેસી (Messi)નું વિશાળ સ્ટૅચ્યૂ (Statue) ઝોલા ખાવા લાગતાં લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. જાણ થતાં જ પોલીસ અને મહાનગરપાલિકાના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા તાબડતોબ આ પ્રતિમાને ચકાસી હતી અને જરૂરી સમારકામ કર્યું હતું.

તાજેતરમાં જ મેસીની વિશ્વની સૌથી ઊંચી 70 ફૂટ ઊંચી પ્રતિમાના કેટલાક સ્ક્રૂ (Screw) ઢીલા પડી ગયા હતા જેને ફરી ફિટ કરવામાં આવ્યા હતા. ગયા વર્ષે ડિસેમ્બરમાં મેસીએ કોલકાતાની મુલાકાત લીધી હતી ત્યારે આ સ્ટૅચ્યૂ વીઆઇપી રોડ નજીકના ક્રોસિંગ ખાતે સ્થાપિત કરવામાં આવ્યું હતું. આ સ્ટૅચ્યૂ સ્થાપિત કરવા સંબંધમાં જરૂરી મંજૂરીઓ મેળવવામાં આવી હતી કે નહીં એ વિશે ત્યારે (ડિસેમ્બરમાં) વિવાદ જાગ્યો હતો.

સોમવારે બપોરે શહેરમાં ભારે પવન ફૂંકાયો હતો અને ત્યારે મેસીનું સ્ટૅચ્યૂ થોડું ઝોલા ખાવા લાગ્યું હોવાનું કેટલાક સ્થાનિક રહેવાસીઓના તથા રસ્તે ચાલનારાં લોકોના ધ્યાનમાં આવ્યું હતું. તેમણે લેક ટાઉન પોલીસનું ધ્યાન ખેંચ્યું હતું જેમણે જાહેર બાંધકામ વિભાગના અધિકારીઓને બોલાવીને સમારકામ કરાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર, 2025માં મેસીને જોવા હજારો ફૂટબૉલપ્રેમીઓ સૉલ્ટ લેક સ્ટેડિયમમાં ઊમટી પડ્યા હતા. જોકે ગેરવ્યવસ્થાને કારણે તેમ જ રાજકીય વગ ધરાવતા લોકો મેદાન પર મેસીને ઘેરી વળ્યા ત્યાર બાદ મેસીએ થોડી જ વારમાં મેદાન પરથી વિદાય લઈને તેની એ ઇવેન્ટ ટૂંકાવી નાખવામાં આવી હતી.