Thu Jun 18 2026

Logo

સુપર ઓવરમાં જીત પછી KKRના પ્લેઓફ્સમાં પહોંચવાના ચાન્સ કેટલા ? બીજી કઈ ટીમો પહોંચી શકે ?

2026-04-27 08:44:00
Author: MayurKumar Patel
Article Image

 

નવી દિલ્હીઃ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ રવિવારે લખનઊ સુપર જાયન્ટ્સ સામે સુપર ઓવરમાં શાનદાર જીત નોંધાવી હતી. રવિવારે ઈકાના સ્ટેડિયમમાં રમાયેલા મુકાબલામાં રોમાંચ ચરમસીમાએ રહ્યો હતો. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી KKR એ રિંકુ સિંહની અણનમ અડધી સદીની મદદથી 20 ઓવરમાં સાત વિકેટે 155 રન બનાવ્યા હતા. જવાબમાં લખનઊની ટીમે પણ નિર્ધારિત ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને 155 રન બનાવ્યા અને મુકાબલો સુપર ઓવરમાં પહોંચ્યો હતો. સુપરમાં લખનઊની ટીમ એક જ રન બનાવી શકી હતી અને કોલકાતાએ બે રન બનાવી જીત હાંસલ કરી હતી. પંતની ટીમ સતત પાંચમી મેચ હારી હતી. સુપર ઓવરમાં જીત પછી KKRના પ્લેઓફ્સમાં પહોંચવાના ચાન્સ કેટલા છે તેની ચર્ચા શરૂ થઈ છે. 

KKRના પ્લેઓફ્સમાં પહોંચવાના ચાન્સ કેટલા

રવિવારે KKR ની જીત એ ચાલુ સીઝનની તેમની બીજી જીત છે, જ્યારે LSG હવે આઠમાંથી છ મેચ હારી ગયું છે. KKRએ પ્લેઓફમાં પહોંચવા માટે તેની બાકીની તમામ મેચ સારા નેટ રન રેટ સાથે જીતવી પડશે. જો તે તમામ મેચ જીતી જશે તો 17 પોઈન્ટ થશે પ્લેઓફમાં પહોંચી શકે છે. એક પણ હાર તેના પ્લઓફમાં પહોંચવાના ચાન્સને અસર કરી શકે છે. 

લખનઊનું પ્લેઓફમાં પહોંચવાનું સમીકરણ

લખનઊ સુપર જાયન્ટ્સે પ્લેઓફમાં પહોંચવા માટે તેની બાકીની તમામ છ લીગ મેચો મોટા અંતરથી જીતવી પડશે. જો લખનઊ તેની બાકીની તમામ છ મેચ જીતી જશે, તો તેના 16 પોઈન્ટ થઈ જશે અને તે ટોપ-4માં સ્થાન મેળવી શકે છે. પરંતુ જો લખનઊ તેની બાકીની છ મેચોમાંથી એક પણ મેચ હારી જશે, તો તેના વધુમાં વધુ 14 પોઈન્ટ જ થશે અને તે પ્લેઓફની રેસમાંથી બહાર થઈ જશે. આઈપીએલ 2025ની સીઝનમાં દિલ્હી કેપિટલ્સે 15 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં પાંચમું સ્થાન મેળવ્યું હતું અને પ્લેઓફમાં જગ્યા બનાવી શક્યા નહોતા.

લખનઊ સુપર જાયન્ટ્સની આગામી મેચો

લખનઊ સુપર જાયન્ટ્સ તેની નવમી મેચ સોમવાર, 4 મેના રોજ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે રમશે. તેમની દસમી મેચ 7 મેના રોજ લખનઊના ઈકાના સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે થશે. લખનઊ આ સીઝનમાં અગાઉ જ RCB સામે એક મેચ હારી ચૂક્યું છે. લખનઊની 11મી અને 12મી લીગ મેચો ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 10 મેના રોજ ચેન્નાઈમાં અને 15 મેના રોજ લખનઊમાં રમાશે. તેઓ 19 મેના રોજ જયપુરમાં રાજસ્થાન રોયલ્સ સામે ટકરાશે, જ્યારે 23 મેના રોજ લખનઊમાં પંજાબ કિંગ્સ સામે તેમની 14મી મેચ યોજાશે.

પોઈન્ટ ટેબલ

આઈપીએલ પોઈન્ટ ટેબલ પર નજર કરીએ તો પંજાબ કિંગ્સ 13 પોઈન્ટ સાથે પ્રથમ ક્રમે છે. જ્યારે આરસીબી +1.101 નેટ રન રેટ અને 10 પોઈન્ટ સાથે બીજા, સરાઈઝર્સ +0.815 નેટ રન રેટ અને 10 પોઈન્ટ સાથે ત્રીજા, રાજસ્થાન રોયલ્સ +0.602 નેટ રન રેટ અને 10 પોઈન્ટ સાથે ચોથા, ગુજરાત ટાઈટન્સ -0.475 નેટ રન રેટ અને 8 પોઈન્ટ સાથે પાંચમા, સીએસકે -0.121 નેટ રન રેટ અને 6 પોઈન્ટ સાથે છઠ્ઠા, દિલ્હી કેપિટલ્સ -0.184 નેટ રન રેટ અને 6 પોઈન્ટ સાથે સાતમા, કોલકાતા  -0.751 નેટ રન રેટ અને 5 પોઈન્ટ સાથે આઠમા, મુંબઈ ઈન્ડિયન્સ -0.736 નેટ રન રેટ અને 4 પોઈન્ટ સાથે નવમા તથા લખનઊ સુપર જાયન્ટ્સ -1.106 નેટ રન રેટ અને 4 પોઈન્ટ સાથે દસમા ક્રમે છે.