ભુજ:ભાદરવા સુદ ત્રીજ એટલે કે કેવડા ત્રીજના પર્વની કચ્છભરમાં આજે ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. સૌભાગ્યવતી મહિલાઓએ પતિના દીર્ઘાયુ માટે, જ્યારે કુંવારી કન્યાઓએ મનગમતો વર મળે તેવી મનોકામના સાથે નિર્જળા વ્રત રાખી ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીનું પૂજન કર્યું હતું.
ભુજના 'રાજમાર્ગ' તરીકે ઓળખાતા ઉપલીપાડ રોડ પર આવેલા હાટકેશ્વર મંદિરના પૂજારી કનુભાઈ વ્યાસે જણાવ્યું હતું કે સામાન્ય રીતે ભગવાન શિવને કેવડો અર્પણ કરવામાં આવતો નથી, પરંતુ વર્ષમાં માત્ર કેવડા ત્રીજના દિવસે શિવલિંગ પર કેવડો ચડાવવાનું વિશેષ મહાત્મ્ય છે.ધાર્મિક માન્યતા મુજબ માતા પાર્વતીએ ભગવાન શિવને પતિ તરીકે મેળવવા માટે જંગલમાં માટીનું શિવલિંગ બનાવી કેવડાના ફૂલથી પૂજા કરી હતી. તેમની ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાન શિવે વરદાન આપ્યું હતું કે ભાદરવા સુદ ત્રીજના દિવસે તેમને કેવડો અર્પણ કરનારની મનોકામના પૂર્ણ થશે.
આ માન્યતાને પગલે વ્રતધારી મહિલાઓ કેવડાનું પાન સૂંઘીને નિર્જળા ઉપવાસ કરે છે. સાંજે શિવ-પાર્વતીની કથા સાંભળ્યા બાદ રાત્રિ જાગરણ કરવાની પણ પરંપરા છે.
દરમિયાન, ભુજ સહિત કચ્છના વિવિધ શિવમંદિરોમાં આજે મહિલાઓ અને કન્યાઓ પૂજા-અર્ચનામાં જોડાઈ હતી. આદિપુરના નિર્વાસિતેશ્વર મહાદેવ, માંડવી અને મુંદ્રાના હાટકેશ્વર મંદિરો તેમજ અંજારના ભરેશ્વર મહાદેવ ખાતે પણ ભક્તિભાવપૂર્વક કેવડા ત્રીજની ઉજવણી કરવામાં આવી હતી.
ઉત્સવ વૈદ્ય