મુંબઈ: મહારાષ્ટ્રના લોનાવાલા નજીક આવેલો અને ટ્રેકર્સનો લોકપ્રિય ગણાતો ઐતિહાસિક લોહગઢ કિલ્લો તાજેતરમાં બનેલા 'કેતન અગ્રવાલ હત્યાકાંડ'ને કારણે ફરી એકવાર દેશભરમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. શરૂઆતમાં કિલ્લાની ઊંડી ખીણમાં પડી જવાથી થયેલું આ એક સામાન્ય અકસ્માત મૃત્યુ લાગતું હતું, પરંતુ પોલીસે ઝીણવટભરી અને કડક તપાસ કરીને આ ભયાનક હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે.
કેતનના પિતાના જણાવ્યા અનુસાર, 'સિયા' નામની યુવતીએ આ આખી હત્યાનું ખૌફનાક પ્લાનિંગ કર્યું હતું, જેમાં પહેલાં પાસપોર્ટ ચોરી કરવામાં આવ્યો અને પછી કેતનને લોહગઢ કિલ્લા પર લઈ જઈને મોતના ઘાટ ઉતારી દેવાયો. આ ગુનાહિત ઘટનાને કિલ્લાની રહસ્યમય વાર્તાઓ સાથે કોઈ સીધો સંબંધ નથી, પરંતુ આ કમનસીબ કેસને કારણે લોહગઢ કિલ્લાની આસપાસ વીંટળાયેલો 200 વર્ષ જૂનો ગૂઢ ઇતિહાસ ફરી એકવાર લાઈમલાઈટમાં આવી ગયો છે. સહ્યાદ્રિની પર્વતમાળાઓમાં આવેલા આ કિલ્લા પાછળ અનેક રોમાંચક લોકવાયકાઓ, ભૂતિયા કિસ્સાના દાવા અને ન ઉકેલાયેલા રહસ્યો છુપાયેલા છે.
લોહગઢ કિલ્લાનો ઇતિહાસ અંદાજે 2000 વર્ષ જેટલો જૂનો છે. એવું માનવામાં આવે છે કે આ કિલ્લાનો પાયો 'સાતવાહન કાળ' દરમિયાન નખાયો હતો. ત્યારબાદ 10મી 14મી સદી વચ્ચે તેનું મજબૂતીકરણ કરવામાં આવ્યું હતું. છત્રપતિ શિવાજી મહારાજના શાસનકાળમાં આ કિલ્લાને ખૂબ જ મહત્વનું અને અનન્ય લશ્કરી સ્થાન મળ્યું હતું.
મરાઠાઓએ આ કિલ્લો જીતીને તેને વધુ અભેદ્ય બનાવ્યો હતો અને તેનો ઉપયોગ મુખ્ય વહીવટી કેન્દ્ર તેમજ 'શાહી ખજાનો' સુરક્ષિત રાખવા માટે કર્યો હતો. પાછળથી આ કિલ્લો અંગ્રેજોના તાબે થયો. આજે ભલે તેનું લશ્કરી મહત્વ પૂરું થઈ ગયું હોય, પરંતુ તેના ચાર ભવ્ય દરવાજા, પ્રાચીન પાણીની ટાંકીઓ અને વિંછીના ડંખ જેવા આકારની પહાડી 'વિંછુ કાંટા' જોવા માટે પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડે છે.
લોહગઢ કિલ્લા સાથે જોડાયેલી વાર્તાઓમાં સૌથી વધુ ચર્ચિત વાર્તા તેના પહેલા મુખ્ય દરવાજા એટલે કે 'ગણેશ દરવાજા'ની છે. સ્થાનિક લોકવાયકા મુજબ, તે સમયે એક વરિષ્ઠ અધિકારીને સપનું આવ્યું હતું કે આ દરવાજાનો પાયો નબળો છે અને તેને કોઈ શ્રાપ મળેલો છે. આ પાયાને મજબૂત કરવા માટે એક પુરુષ અને એક સ્ત્રીનો જીવતો 'નરબલિ' આપવામાં આવ્યો હતો અને તેમને દીવાલના પાયા નીચે જીવતા દાટી દેવામાં આવ્યા હતા!
જોકે, ઇતિહાસકારો કે પુરાતત્વ વિભાગ પાસે આનો કોઈ લેખિત પુરાવો નથી, પરંતુ સ્થાનિક ગાઈડ્સ અને સોશિયલ મીડિયા પરના ટ્રાવેલ ઈન્ફ્લુએન્સર્સ આજે પણ આ સ્ટોરી અચૂક સંભળાવે છે. એવી પણ એક લોકવાયકા છે કે સાવળે પરિવારના એક સભ્યએ ગામના હક અને ભલા માટે અહીં પોતાની સ્વેચ્છાએ બલિદાન આપ્યું હતું.
લોહગઢ પર માત્ર સદીઓ જૂની વાર્તાઓ જ નથી, પરંતુ ઘણા ટ્રેકર્સ અને પ્રવાસીઓએ અહીં વિચિત્ર અનુભવો થયા હોવાના દાવા પણ કર્યા છે. કેટલાક ટ્રેકર્સના જણાવ્યા અનુસાર, વહેલી સવારે કિલ્લાની કિલ્લેબંધી પર કેટલાક અજાણ્યા પડછાયા ફરતા દેખાય છે. એકલા ફરતાં અનેક પ્રવાસીઓને દૂર એક પહેરેદાર ઊભેલો દેખાય છે, જે નજીક જતાં જ અચાનક ગાયબ થઈ જાય છે.
સોશિયલ મીડિયા અને ટ્રાવેલ બ્લોગ્સ પર એવી ચર્ચા પણ જોવા મળે છે કે સૂર્યાસ્ત પછી કિલ્લાના શાંત અને અવાવરૂ ભાગોમાં કોઈના ચાલવાનો અથવા સીટી વગાડવાનો અવાજ સંભળાય છે. ખાસ કરીને ચોમાસામાં જ્યારે ગાઢ ધુમ્મસ અને તેજ પવન ફૂંકાય છે, ત્યારે આ અવાજો વધુ સ્પષ્ટ બને છે. જોકે, વિજ્ઞાનવાદી લોકોના મતે કિલ્લાની વિશિષ્ટ રચના અને પહાડો પરના તેજ પવનના ઘર્ષણને કારણે આવા અવાજો પેદા થાય છે.
સિક્રેટ ટનલ અને છુપાયેલો શાહી ખજાનો
ભારતના અન્ય પ્રાચીન કિલ્લાઓની જેમ લોહગઢ સાથે પણ ગુપ્ત રસ્તાઓ અને લપાયેલા ખજાનાની અફવાઓ જોડાયેલી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે યુદ્ધ દરમિયાન દુશ્મનોના ઘેરાબંધીમાંથી બચવા અને ગુપ્ત રીતે નીચે ઉતરવા માટે અહીં કેટલીક ગુપ્ત ટનલ (બોગદા) બનાવવામાં આવી હતી. આ ઉપરાંત, યુદ્ધ દરમિયાન મેળવેલો કિંમતી ખજાનો પણ આ જ કિલ્લાની પથ્થરની દીવાલોમાં ક્યાંક છુપાવી દેવાયો છે. ભલે આ વાતોનો કોઈ નક્કર પુરાવો નથી, પરંતુ તે પ્રવાસીઓની ઉત્સુકતા અને કિલ્લાનું રહસ્ય વધારવાનું કામ ચોક્કસ કરે છે.