Fri Apr 17 2026

Logo

કેરળનું આઇસક્રીમ પાર્લર-સેક્સ સ્કેન્ડલ પ્રધાનની ખુરશી ખાઈ ગયું

2026-04-08 10:08:00
Author: Praful Shah
Article Image

 

પ્રફુલ શાહ

બહુ ચર્ચિત અને અતિ બદનામ એપ્સટિન ફાઈલ જેવી દખ્ખણી રાજ્યની એક ફાઈલના પાના આજે ઉથલાવીએ. એ છે કેરળનું આઇસક્રીમ પાર્લર સેક્સ સ્કેન્ડલ. એમાં ધારીના શોષણ તો થયા જ પણ મોટા માથાની સંડોવણી નીકળતા બધું દબાવી દેવા ખૂબ ધમપછાડા થયા હતા. 

આ સ્કેન્ડલ અન્વેષી નામક બિન-સરકારી સંગઠનની પહેલથી પર્દાફાશ થયું હતું. 
1997ના ઓગસ્ટમાં કોઝિકોડ આધારિત એનજીઓ અન્વેષીએ કેરળના તત્કાલીન મુખ્ય પ્રધાન ઈ. કે. નયનારને અરજી આપી હતી કે આ પાર્લર યૌન શોષણ માટે વપરાય છે. કોઝિકોડમાં આવેલા આરકેએસ આઇસક્રીમ પાર્લરનો વેશ્યાગૃહ તરીકે દુરુપયોગ થતો હતો અને ત્યાં અનેક યુવતીઓનું યૌન શોષણ થતું હોવાનો દાવો કરાયો હતો. આ અરજી મેળવનારા ઈરમ્બાલા ક્રૃષ્ણન નયનાર (9 ડિસેમ્બર,1919થી 19 મે, 2004) ડાબેરી લોકતાંત્રિક મોરચા (લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ-એલડીએફ) સરકારના મુખ્ય પ્રધાન હતા જે સામ્યવાદી-માર્કસવાદી પક્ષના આગેવાન નેતા હતા. 

પોલીસમાં ચોથી ઓગસ્ટે એફઆઇઆર નોંધાયા બાદ આ કેસની તપાસ સત્તાવાર રીતે શરૂ થઈ હતી. પરંતુ રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વેલીક્કાકાથુ શંકરન અચ્યુતનંદને (20 ઓક્ટોબર, 1923થી 21 જુલાઈ, 2025) મોટો ધડાકો કર્યો હતો. વી. એ. અચ્યુતનંદને આરોપ મૂક્યો હતો કે તત્કાલીન રાજ્ય સરકાર આરોપીઓને કાયદાની પકડમાં લાવવા માટે કોઈ ગંભીર પ્રયાસ કરી રહી નથી, કારણ કે આરોપીઓમાં વગદાર લોકોનાં નામો હતાં. મોટો આંચકો એ હતો કે આ સેક્સકાંડમાં રાજ્યના ઉદ્યોગ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી પ્રધાન પી. કે. કુન્હાલિકુટ્ટીનું નામ બહાર આવ્યું હતું. 

અચ્યુતનંદને કોર્ટ પિટિશનમાં દાવો કર્યો હતો કે ખુદ કુન્હાલિકુટ્ટીના સંબંધી કે. એ. રઉફે પ્રેસ કોન્ફરન્સમાં સ્વીકાર્યું હતું કે આ પ્રધાને આ કેસના મુખ્ય સાક્ષીઓને આર્થિક લાભ આપી તેમના નિવેદન બદલી નાખવા પ્રભાવિત કર્યા હતા.

આ સનસનીખેજ વિસ્ફોટને આધારે કેરળ પોલીસે 2011ની 30મી જાન્યુઆરીએ 30 નવો કેસ નોંધ્યો હતો. એટલું જ નહિ બીજી ફેબ્રુઆરીએ વિશેષ તપાસ દળ (સ્પેશ્યલ ઈન્વેસ્ટિગેશન ટીમ - એસ.આઇ.ટી.) રચવાની જાહેરાત કરી હતી. 

આઇસક્રીમ પાર્લર સેક્સ સ્કેન્ડલથી રાજ્યમાં શાસક અને વિપક્ષો તો સામસામે આવી જ ગયા હતા. આ સાથે શાસક યુતિ ડાબેરી લોકતાંત્રિક મોરચામાં ય ખટપટ થવા માંડી હતી. વિવાદથી ખરડાયેલા પ્રધાન કુન્હાલિકુટ્ટી સાથી પક્ષ ઈન્ડિયન મુસ્લિમ લીગના નેતા હતા. પોલીસની કેસ ડાયરી મુજબ કુન્હાલિકુટ્ટીએ સાક્ષીઓને પોતાના પક્ષમાં કરવા માટે પ્રયાસ કર્યા હતા. ખુદ સાક્ષીઓએ જણાવ્યું હતું કે અમને પોતાના અગાઉનાં નિવેદનો બદલવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા અને તેના બદલામાં આર્થિક લાભ પણ મળ્યો હતો. 

જોકે સત્તાવાર રીતે કુન્હાલિકુટ્ટી ક્યારેય આરોપી બન્યા નહોતા પણ આ સેક્સ સ્કેન્ડલને કારણે તેમને પ્રધાનપદ છોડવું પડ્યું હતું.સ્પષ્ટ શબ્દોમાં આક્ષેપો થયા હતા કે ડાબેરી લોકતાંત્રિક મોરચા સરકારે તપાસમાં ઈચ્છાપૂર્વક અવરોધ ઊભા કર્યા હતા જેથી તેઓ પોતાને, તેમના સંબંધીઓને અથવા મિત્રોને બચાવી શકે.

આ મામલો મીડિયામાં ખૂબ ગાજે એ સ્વાભાવિક હતું. એવી બદનામી ત્યારે ખૂબ ગંભીર અને બહુ મોટી બાબત ગણાતી હતી. સદનસીબે હજી એપ્સટિન ફાઈલ યુગની નફ્ફટાઈ જોજનો દૂર પણ દેખાતી નહોતી. 

આ સમગ્ર મામલો કોઝિકોડસ્થિત આરકેએસ આઇસક્રીમ પાર્લરમાં 1990ના પ્રારંભમાં એક સંભવિત વેશ્યાવૃત્તિના જાળ સાથે સંબંધિત છે. છેક 1997માં એક સ્થાનિક એનજીઓની ફરિયાદ પછી આ કેસ જાહેર ધ્યાનમાં આવ્યો હતો.

આ વિવાદાસ્પદ પાર્લરની માલિક શ્રીદેવી(ના, ફેમસ અભિનેત્રી નહિ) હતી. તેમાં યુવતીઓને નોકરીનાં વચનો અથવા મફત આઇસક્રીમના લોભથી આકર્ષવામાં આવતી હતી. ત્યારબાદ નશીલી દવાઓ આપીને તેમનું યૌન શોષણ કરવામાં આવતું હતું. એટલું જ નહિ, અશ્લીલ ફોટોગ્રાફ પાડવામાં આવતા અને એ જાહેર કરી દેવાની ધમકી દ્વારા લાચાર શોષિતોને બ્લેકમેલ કરવામાં આવતી હતી. 

આ આઇસક્રીમ પાર્લર સેક્સ સ્કેન્ડલથી હજી રાજ્યના રાજકારણ, પોલીસ તંત્ર અને ન્યાય વ્યવસ્થામાં ભારે ગરમાટો આવવાનો હતો.   (ક્રમશ:)