શ્રીનગરઃ કાશ્મીરના પહાડી પ્રદેશના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. શનિવારે કાશ્મીરના ઊંચાઈ ધરાવતા વિસ્તારોમાં આવનારા શિયાળું સીઝનની પહેલી હિમવર્ષા થઈ છે. મેદાની પ્રદેશમાં ભારે વરસાદ અને કરા પડવાની ઘટના સામે આવી છે. જ્યારે કાશ્મીરના જાણીતા પ્રવાસન સ્થળ ગુલમર્ગ, સોનમર્ગ અને ગુમરીમાં હિમવર્ષાને કારણે બરફની ચાદર પથરાઈ ગઈ હતી. બરફ પડતા સમગ્ર પહાડી પ્રદેશનો વિસ્તાર અદભૂત લાગી રહ્યો હતો. સુંદરતા એવી જાણ સફેદ બરફની રંગોળી પહાડ પર રચાઈ હોય. શ્રીનગર સિટી અને આસપાસના વિસ્તારમાં સવારથી બપોર સુધી છૂટા છવાયા ઝાપટા પડ્યા હતા. આ કારણે અહીંયાનું તાપમાન એકદમ નીચું ઊતરી ગયું હતું.
તાપમાન નીચું ઊતર્યું
કાઓબલ ગલી, તુલૈલ ઘાટી, બાંદીપોરાના પહાડી વિસ્તારમાં હિમવર્ષાનો વીડિયો પણ સામે આવ્યો છે. આ વિસ્તારમાં લોકોને અત્યારથી શિયાળુ માહોલનો અહેસાસ થઈ રહ્યો છે. શ્રીનગરની આસપાસના વિસ્તારમાં તથા જિલ્લાઓમાં બપોરના સમયે વરસાદ થયો હતો. આ કારણે જિલ્લાઓમાં પણ તાપમાન નોંધપાત્ર રીતે નીચે ઊતરી ગયું હતું. આ સમગ્ર મામલે અધિકારીઓએ જણાવ્યું હતું કે,શહેરના કેટલાક વિસ્તારમાં કરા પડવાથી તાપમાન નીચું ગયું છે. ભારે પવન ફૂંકાયો હતો. જમ્મુના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રવિવારે પણ હળવો વરસાદ થાય એવી પૂરી શક્યતાઓ સેવાઈ રહી છે. આવનારા દિવસોમાં હવમાન સુકૂ રહેવાની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. પહાડી વિસ્તારમાં જ્યાં 3900 મીટરથી વધારે ઊંચાઈ છે ત્યાં હિમવર્ષા થઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં હિમવર્ષા થશે એવી આગાહી અગાઉ પણ કરવામાં આવી હતી.
વરસાદી સીઝન ખતમ થશે
પહાડી વિસ્તારમાં થોડા સમય માટે સતત હિમવર્ષા થવી એ એક ઈશારો છે જેનો સીધો અર્થ એ થાય છે કે, હવે વરસાદી સીઝન ખતમ થવાની છે અને ઠંડક શરૂ થવાની છે. તાપમાનમાં એકાએક ઘટાડો થતા વાતાવરણ એકદમ ઠંડુ બની ગયું હતું. શિયાળુ સીઝન શરૂ થાય એ પહેલા જ હિમવર્ષા થતા હવે વાતાવરણ ઠંડુ રહેવાના એંધાણ છે. ખાસ કરીને પહાડી વિસ્તારમાં વાતાવરણ ઠંડુ રહે એવી પૂરી શક્યતાઓ છે. બીજી તરફ શ્રીનગર જેવા શહેરી વિસ્તારમાં અને બડગામ જેવા ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારે વધારે ઠંડક મહેસુસ થશે. ખાસ કરીને જમ્મુ કાશ્મીરને જોડતા હાઈવે અને આસપાસના ગ્રામ્ય વિસ્તામાં આ વખતે અગાઉ કરતા વધારે ઠંડી પડે એવી પૂરી શક્યતાઓ છે.