Tue Oct 06 2026

Logo

વિપક્ષોના વિરોધ આગળ ઝૂક્યા સીએમ થલપતિ વિજય: RTI પર લીધેલો વિવાદાસ્પદ નિર્ણય કર્યો રદ

2026-09-27 20:05:47
Author: Devayat Khatana
વિપક્ષોના વિરોધ આગળ ઝૂક્યા સીએમ થલપતિ વિજય: RTI પર લીધેલો વિવાદાસ્પદ નિર્ણય કર્યો રદ

C. Joseph Vijay


નવી દિલ્હી: ફિલ્મી પડદેથી રાજનીતિના પડદે ચમકેલા તમિલનાડુના મુખ્ય પ્રધાન થલપતિ વિજયે પોતાના એક નિર્ણય પર યુ ટર્ન લીધો છે. તેમણે રવિવારે પબ્લિક (લૉ એન્ડ ઓર્ડર) વિભાગને આરટીઆઈ (RTI) એક્ટથી મુક્તિ આપતો પોતાનો જૂનો આદેશ પાછો ખેંચી લીધો છે. તેમના આ નિર્ણયની અગાઉ ટીવીકે (TVK) ની સહયોગી સીપીએમ (CPM) અને કોંગ્રેસે કડક ટીકા કરી હતી. હવે રાજ્ય સરકારના હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટે નવો આદેશ જારી કરીને જણાવ્યું છે કે આરટીઆઈ એક્ટની સેક્શન 24(4) હેઠળ 21 સપ્ટેમ્બરે આપવામાં આવેલી છૂટ રદ કરવામાં આવી છે.

આ વિભાગનું મુખ્ય કામ સામ્પ્રદાયિક અને જાતીય ઝઘડાઓ, રાજકીય આંદોલનો, પ્રિવેન્ટિવ ડિટેન્શન, કસ્ટોડિયલ ડેથ અને પોલીસ ટોર્ચરના આરોપો જેવા ગંભીર મામલાઓની તપાસ કરવાનું અને તેના પર યોગ્ય એક્શન લેવાનું છે. અગાઉના આદેશમાં આ વિભાગને એક ઇન્ટેલિજન્સ અને સુરક્ષા સંગઠન તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યો હતો, જેના કારણે તે આરટીઆઈના દાયરામાંથી બહાર થઈ ગયો હતો. જો કે, પારદર્શક શાસનને લઈને ઉઠેલા સવાલો બાદ સરકારે આ નિર્ણય પાછો ખેંચી લીધો છે.

કોંગ્રેસ નેતા કાર્તિ પી. ચિદમ્બરમે આ પગલાની આકરી ટીકા કરતા સોશિયલ મીડિયા પર સવાલ ઉઠાવ્યા હતા કે જનતા સાથે જોડાયેલી આટલી મહત્વપૂર્ણ જાણકારી છુપાવવી એ યોગ્ય નથી અને આરટીઆઈ એક્ટનો વ્યાપ વધારવો જોઈએ, ઘટાડવો નહીં. જો કે, આદેશ રદ થયા બાદ તેમણે આ નિર્ણયનું સ્વાગત પણ કર્યું હતું. ભાજપ નેતા તમિલીસાઈ સુંદરરાજન સહિતના અન્ય વિપક્ષી નેતાઓએ પણ અગાઉના આદેશ સામે વાંધો વ્યક્ત કર્યો હતો.

વિજય સરકારના શિક્ષણ મંત્રી રાજ મોહને આ મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે સરકાર અભિવ્યક્તિની સ્વતંત્રતા પર કોઈ જ રોક લગાવવા માગતી નથી અને તમામ પક્ષોની ચિંતાઓ પર યોગ્ય વિચારણા કરવામાં આવી રહી છે. સરકારના આ યુ ટર્નથી લોકશાહીમાં પારદર્શિતા જળવાઈ રહેવા અંગે સંતોષ વ્યક્ત થઈ રહ્યો છે.