Tue Jun 23 2026

Logo

એકસ્ટ્રા અફેરઃ કાશ્મીરમાં સ્થિતિ સુધરી પણ સામાન્ય નથી થઈ

2026-06-23 08:41:00
Author: Bharat Bharadwaj
Article Image

 

ભરત ભારદ્વાજ

કૉંગ્રેસના સાંસદ શશિ થરૂરે ફરી એક વાર કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારનાં વખાણ કરતા કૉંગ્રેસીઓને મરચાં લાગી ગયાં છે. શ્રીનગર ગયેલા થરૂરે લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાને મળ્યા પછી સોશ્યલ મીડિયા પર પોસ્ટ મૂકેલી કે, જમ્મુ અને કાશ્મીરમાં સ્થિતિ ધીરે ધીરે સામાન્ય થવા તરફ આગળ વધી રહી છે અને કાશ્મીરમાં પ્રવાસીઓની સંખ્યા નોંધપાત્ર રીતે વધી છે. 

શશિ થરૂરે કાશ્મીરી લેખકોના સંગઠન જમ્મુ એન્ડ કાશ્મીર રાઈટર્સ એસોસિએશન તથા મહિલા સંગઠનના પ્રતિનિધીઓ સાથેની મનોજ સિંહાની વાતચીતનો ઉલ્લેખ કરીને લખ્યું છે કે, લેફ્ટનન્ટ ગવર્નર એક હકારાત્મક પહેલ કરી રહ્યા છે કે જેને હું આવકારું છું. હજુ ઘણા બધા પડકારો છે અને હજુ ઘણું બધું કરવાનું બાકી છે પણ આ મુલાકાત પછી હું પહેલાંની મુલાકાતો કરતાં વધારે હકારાત્મક થઈને બહાર આવ્યો છું. 

થરૂરની વાતથી કૉંગ્રેસના નેતા ભડકી ગયા છે. જમ્મુ અને કાશ્મીરના કૉંગ્રેસના મુખ્ય પ્રવક્તા રવિન્દ્ર શર્માએ કહ્યું છે કે, થરૂરે કાશ્મીર આવ્યા ત્યારે સામાન્ય લોકોને પણ મળવાની જરૂર હતી કે જેથી ખરેખર વાસ્તવિકતા શું છે તેની ખબર પડે. શર્માએ કટાક્ષ પણ કર્યો છે કે, બીજું કંઈ નહીં તો થરૂરે છેલ્લાં સાત વર્ષથી જમ્મુ અને કાશ્મીરને ફરી પૂર્ણ રાજ્યનો દરજજો અપાવવા માટે લડી રહેલા કૉંગ્રેસીઓને મળવાનો સમય કાઢ્યો હોત તો પણ ઘણું હોત. 

કૉંગ્રેસની ટીકા સામે ભાજપે પણ ઝૂકાવતાં ત્રિપાંખિયો જંગ જામી ગયો છે. ભાજપના પ્રવક્તા અભિજીત જસરોટિયાએ દાવો કર્યો છે કે, કૉંગ્રેસ કેન્દ્ર સરકારની કાશ્મીર નીતિ પર હુમલા કર્યા કરે છે પણ વાસ્તવિકતા એટલે કે ગ્રાઉન્ડ રીયાલિટી અલગ જ ચિત્ર રજૂ કરે છે. જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજજો આપતી બંધારણની કલમ 370 રદ થયા પછી પથ્થરમારો લગભગ બંધ થઈ ગયો છે અને  સત્તાવાર આંકડા દર્શાવે છે કે છેલ્લા 18 મહિનામાં એક પણ કાશ્મીરી યુવાન આતંકવાદી સંગઠનોમાં જોડાયો નથી. કૉંગ્રેસ આ વાસ્તવિકતાને જોવા જ નથી માગતી એ કમનસીબી કહેવાય. 

જમ્મુ અને કાશ્મીર કૉંગ્રેસ અને ભાજપ બંને માટે બહુ મહત્ત્વનો મુદ્દો છે તેથી આ મુદ્દે બંને પોતપોતાનો પક્ષ રજૂ કરે તેમાં કશું ખોટું નથી. થરૂર કૉંગ્રેસી છે ને કૉંગ્રેસના સત્તાવાર વલણથી અલગ વાજું વગાડે તેથી કૉંગ્રેસને લાગી આવે એ પણ સમજી શકાય એવી વાત છે તેથી કૉંગ્રેસ થરૂરને ઝાટકે તેમાં પણ કશું ખોટું નથી. રાજકારણીઓ આ રીતે જ વર્તવાના પણ સામાન્ય લોકોએ કાશ્મીરમાં ખરેખર સ્થિતિ શું છે એ જાણવું જરૂરી છે કેમ કે ભાજપ કે કૉંગ્રેસ કે બીજો કોઈ પણ પક્ષ વાસ્તવિકતા લોકો સામે મૂકતો નથી.
 
વાસ્તવિક રીતે જોઈએ તો જમ્મુ અને કાશ્મીરમાં પરિસ્થિતિ પહેલાં કરતાં સારી છે પણ ભાજપ દાવો કરે છે તેમ એકદમ સારી પણ નથી. સામે કૉંગ્રેસ કહે છે એ રીતે સ્થિતિ એકદમ હાથથી ગયેલી પણ નથી. આઈસીયુમાં રહેલા દર્દીની સ્થિતિ બે-પાંચ ટકા સુધરે તેના કારણે દર્દી સારો ના થઈ જાય ને તબિયત વધારે લથડી છે એવું પણ ના કહેવાય. જમ્મુ અને કાશ્મીરની સ્થિતિ એવી જ છે. 

કાશ્મીરની સ્થિતિમાં થયેલા સુધારા માટે પણ આપણા લશ્કરની કામગીરી અને સતર્કતા જવાબદાર છે, કેન્દ્ર સરકારની નીતિઓ કે ભાજપના નેતાઓની ભાષણબાજી નહીં. દર્દીને બચાવવા માટે ડોક્ટરો મથ્યા કરે એ રીતે આપણું આર્મી કાશ્મીરને ભારત સાથે રાખવા મહેનત કરે છે તેના કારણે કાશ્મીર ભારત સાથે છે, બાકી આપણા શાસકો પાસે એવું કોઈ વિઝન નથી કે કાશ્મીરમાં સ્થિતિને એકદમ સામાન્ય કરી શકે. 

ભારતીય લશ્કરે એકદમ આક્રમક બનીને જમ્મુ અને કાશ્મીરમાં ટેરર ફંડિંગ કરનારાં અને આતંકીઓને આશ્રય આપનારાં પર તવાઈ બોલાવી તેના કારણે આતંકવાદીઓ ભાગતા થઈ ગયા છે અને હુમલા ઘટ્યા છે પણ સાવ બંધ થયા નથી. સીક્યુરિટી ફોર્સીસ પરના હુમલા ચાલુ જ છે અને આપણા જવાનો પણ મરી રહ્યા છે પણ કાશ્મીરને ભારત સાથે રાખવા માટે લડી પણ રહ્યા છે. 

થરૂરે કહ્યું એ રીતે સ્થિતિ ધીરે ધીરે સુધરી રહી છે પણ સ્થિતિ સુધારવાની ગતિ બહુ જ ધીમી છે એ પણ સ્વીકારવું પડે. ભાજપે દાવો કર્યો છે કે, પથ્થરમારાના બનાવો સાવ નહિવત થઈ ગયા છે ને એ વાત સાચી છે પણ કાશ્મીરમાં પથ્થરમારો સાવ નાની સમસ્યા હતી. મુખ્ય સમસ્યા તો પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ છે ને આતંકવાદ સાવ નાબૂદ થયો જ નથી. 

ગયા વરસે પહલગામમાં આતંકવાદી હુમલો થયો ને 30 પ્રવાસીઓને રહેંસી નખાયા પછી આપણે પાકિસ્તાનને પાઠ ભણાવવા ને આતંકવાદીઓના સફાયા માટે ઓપરેશન સિંદૂર હાથ ધરેલું. એ પછી પહલગામ જેવો મોટો હુમલો દિલ્હીમાં 10 નવેમ્બર, 2025ના રોજ થયેલો કે જેમાં 15 લોકો મરાયેલાં. એ સિવાય મોટો હુમલો થયો નથી પણ નાના નાના હુમલા તો ચાલુ જ છે. આ હુમલા સદંતર બંધ થઈ જાય તો સ્થિતિ સામાન્ય કહેવાય, બાકી ગમે ત્યારે હુમલો થવાની ભીતિ હોય એ સ્થિતિ સામાન્ય ના કહેવાય. 

જમ્મુ અને કાશ્મીરની સ્થિતિ એકદમ સામાન્ય ત્યારે જ કહેવાય કે ત્યારે આ દેશની કોઈ પણ વ્યક્તિ જમ્મુ અને કાશ્મીર જઈને રહી શકે. અત્યારે એવી સ્થિતિ બિલકુલ નથી અને બંધારણની કલમ 370ની નાબૂદીનાં 7 વર્ષ પછી પણ કેન્દ્રની ભાજપ સરકાર તો આ દેશનો સામાન્ય માણસ કાશ્મીર જઈને વસી શકે એવા સંજોગો પેદા કરવામાં ધરાર નિષ્ફળ જ ગઈ છે એ વાસ્તવિકતા છે.  

અંધભક્તો સામે આ દલીલ મુકાય ત્યારે એવો વાહિયાત બચાવ કરે કે, ટાઈમ તો લાગે ને ? આ જ લોકો 7 વર્ષ પહેલાં કલમ 370 નાબૂદ થઈ ત્યારે શ્રીનગરમાં વડાપાઉં ને દાબેલીની લારીઓ શરૂ કરવાની પોસ્ટ મૂકતા હતા ને પહલગામમાં પ્લોટ ખરીદીને રહેવાના ડંફાશો મારતા હતા, 

જો કે માત્ર સરકાર પર દોષારોપણ ના કરી શકાય. કાશ્મીરની સ્થિતિ સુધરતી નથી તેના માટે હિંદુઓની કાયરતા પણ એટલી જ જવાબદાર છે. હિંદુઓ સોશ્યલ મીડિયા પર કાશ્મીરી પંડિતો બેવતન થઈને રઝળે છે એ માટે આંસુ સારે છે, કાશ્મીરી મુસ્લિમોને ગાળો ભાંડે છે પણ કાશ્મીરી પંડિતોને ફરી વતનમાં વસાવવા માટે તેમની સાથે જઈને કાશ્મીરમાં રહેવા કોઈ હિંદુ તૈયાર નથી. 

ઈઝરાયલ બન્યું પછી દુનિયાભરમાંથી યહૂદીઓ આવીને ત્યાં વસ્યા કે જેથી એક થઈને પેલેસ્ટાઈનના નામે ચાલતા આતંકવાદનો મુકાબલો કરી શકાય. ભારતનું કોઈ હિંદુવાદી સંગઠન એવું કહે છે કે, અમારા 10 હજાર કાર્યકરો પંડિતોની સાથે, તેમના માટે બનાવેલી કોલોનીઓમાં જઈને રહેશે ને તેમની રક્ષા માટે એક થઈને લડશે ? ખાલી વાતો કરવાથી ઈઝરાયલ ના બનાય, ભાઈ.