ભુજ: કંડલા સ્પેશિયલ ઈકોનોમિક ઝોન ખાતે કથિત રીતે મોટા પાયે ચાલી રહેલા ઓવર વેલ્યુએશનના મોટા આર્થિક કૌભાંડ સામે કંડલા કસ્ટમ વિભાગે લાલ આંખ કરી છે. કસ્ટમ્સની સ્પેશિયલ ઈન્ટેલિજન્સ એન્ડ ઈન્વેસ્ટિગેશન બ્રાન્ચની ટીમે વહેલી સવારે આકસ્મિક દરોડો પાડી કાસેઝ સ્થિત એક એકમમાં ધામા નાખતાં ગેરરીતિ આચરતા કૌભાંડીઓ અને દાણચોરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. સમગ્ર કેસમાં ડમી યુનિટની આશંકાથી ખળભળાટ મચી ગયો છે.
ચોક્કસ ઈનપુટના આધારે કાર્યવાહી
કાસેઝના ચોક્કસ યુનિટ દ્વારા માલ-સામાનના નિકાસ કે આયાતમાં ઓવર વેલ્યુએશન કરવામાં આવી રહ્યું હોવાની સચોટ બાતમી SIIB ટીમને મળી હતી. આ બાતમીના આધારે અધિકારીઓની ટુકડીએ વહેલી સવારથી જ કંપની પરિસરમાં તપાસ હાથ ધરી હતી અને યુનિટના તમામ મહત્વપૂર્ણ દસ્તાવેજો, હિસાબી ચોપડાઓ, કોમ્પ્યુટર ડેટા અને બિલિંગ વ્યવહારોની ઊંડાણપૂર્વક છાનબીન શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં આ કૌભાંડના તાર ગુજરાત બહાર સુધી લંબાયેલા હોવાના ચોંકાવનારા સંકેતો મળી રહ્યા છે. અમદાવાદ સ્થિત યુનિટધારક માત્ર કાગળ પર જ હોવાની, એટલે કે ‘ડમી’ હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે, જ્યારે આ સમગ્ર રેકેટનું અસલ સંચાલન મુંબઈ સ્થિત માથાંઓ દ્વારા કરવામાં આવી રહ્યું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
તપાસ પૂરી થયા બાદ કૌભાંડની આશંકા
આ ઉપરાંત, સ્થાનિક સ્તરે ક્લિયરન્સ અને અન્ય ગોઠવણો કરી આપતા વચેટીયાઓ તેમજ ગોઠવણીકારોની ભૂમિકા પણ કસ્ટમ્સની શંકાના દાયરામાં આવી ગઈ છે. તપાસ પૂર્ણ થયા બાદ આ બહુચર્ચિત કૌભાંડમાં મોટા ખુલાસાઓ અને નાણાકીય ગોટાળાઓ બહાર આવવાની પૂરી સંભાવના છે. જોકે, આ દરોડા અંગે કાસેઝના જનસંપર્ક અધિકારીએ તેને નિયમિત (રૂટીન) તપાસ ગણાવી હતી. છતાં એસઆઈઆઈબીની સઘન તપાસને પગલે સ્થાનિક નેટવર્ક પૂરું પાડનારા મદદગારો સામે કાયદાનો ગાળિયો ક્યારે કસાશે તેના પર સૌની નજર ટકેલી છે.
(ઉત્સવ વૈદ્ય)