આજે બોલીવૂડ અને ટેલિવિઝન ઈન્ડસ્ટ્રી હોળીની ઉજવણીમાં વ્યસ્ત હતી ત્યારે ટીવીના જાણીતા અભિનેતા કરણવીર બોહરાના પરિવાર માટે આ દિવસ કાળમુખો સાબિત થયો છે. એક્ટર કરણવીરના પિતા અને જાણીતા ફિલ્મ નિર્માતા મહેન્દ્ર બોહરાનું હોળીના પવિત્ર દિવસે નિધન થયું છે. આ સમાચાર સામે આવતા જ મનોરંજન જગતમાં શોકની લહેર છવાઈ ગઈ છે.
આજે તોથી માર્ચના જ્યાં દેશભરમાં રંગોના તહેવાર હોળીની ધામધૂમથી ઉજવણી કરાઈ રહી ત્યારે ટીવી એક્ટર અને કરણવીર બોહરા પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો છે. મળતી માહિતી મુજબ આજે મહેન્દ્ર બોહરાએ અંતિમ શ્વાસ લીધા હતા. પિતાના નિધન બાદ કરણવીર બોહરા સંપૂર્ણપણે ભાંગી પડ્યો હતો.
પિતાના નિધન બાદ કરણવીરે સોશિયલ મીડિયા પર એક ખૂબ જ ઈમોશનલ પોસ્ટ પણ શેર કરી છે. કરણવીરે પોતાની પોસ્ટમાં પિતા સાથેની તેની યાદો અને જીવનમાં તેમના મહત્વ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે મારા જીવનમાં મારા પિતાનો ખૂબ જ મોટો રોલ રહ્યો છે. તેમણે હંમેશા મારો સાથ આપ્યો છે. તેમણે જ મને હિંમત અને જોશ સાથે આગળ વધવાની પ્રેરણા આપી છે.
વાત કરીએ મહેન્દ્ર બોહરા કોણ હતા એની તો મહેન્દ્ર બોહરાએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું એક ખૂબ જ પ્રતિષ્ઠિત નામ હતું. તેઓ માત્ર કરણવીરના પિતા જ નહીં, પણ એક સફળ ફિલ્મ નિર્માતા પણ હતા. તેમણે વર્ષો સુધી ઈન્ડસ્ટ્રીમાં કામ કર્યું હતું અને 'કાસ','તેજા' જેવી ફિલ્મો સાથે તેમનું નામ જોડાયેલું હતું. કરણવીર અનેક વખત ઈન્ટરવ્યુમાં પણ કબૂલી ચૂક્યો છે કે તેના કરિયર અને સંસ્કારો પાછળ તેના પિતાનો મોટો હાથ હતો.
કરણવીર બોહરાના પિતાના નિધનના સમાચાર મળતા જ ટેલિવિઝન અને બોલિવૂડના અનેક સ્ટાર્સે કરણવીરના ઘરે પહોંચીને તેમ જસોશિયલ મીડિયા પર મેસેજ કરીને કે સ્ટોરી શેર કરીને શોક વ્યક્ત કર્યો છે. એકતા કપૂર, હિના ખાન અને કરણ કુંદ્રા જેવા કલાકારોએ શ્રદ્ધાંજલિ અર્પી છે અને આ મુશ્કેલ સમયમાં કરણવીર અને તેના પરિવારને સધિયારો આપતાં સંદેશો પાઠવ્યો છે.
એક્ટર કરણવીર બોહરાએ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પિતાનો ફોટો શેર કરીને એક ઈમોશનલ નોટ શેર કરી હતી. કરણવીરે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, આજથી હોળીના રંગો મારા માટે ક્યારેય પહેલાં જેવા નહીં રહે. તમે મારા ગુરુ, મારા મિત્ર અને મારા માર્ગદર્શક હતા. તમારી ખોટ ક્યારેય પૂરી શકાય તેમ નથી. ફેન્સ કરણવીરની આ પોસ્ટ પર સાંત્વના આપતી કમેન્ટ્સ કરી રહ્યા છે.