Sat May 23 2026

Logo

કાનપુરમાં 100 ITBP જવાનોએ પોલીસ કમિશનર કચેરીને ઘેરી લીધી! જાણો શું છે સમગ્ર મામલો

2026-05-23 19:42:23
Author: Vimal Prajapati
Article Image

કાનપુર: ઉત્તર પ્રદેશના કાનપુરમાંથી એક ચોંકાવનારો અને ભારેલા અગ્નિ જેવો કિસ્સો સામે આવ્યો છે. હોસ્પિટલ અને ડોક્ટરોની કથિત બેદરકારીના કારણે પોતાની માતાનો હાથ ગુમાવવો પડ્યો હોવાનો આરોપ લગાવીને આઈટીબીપીના એક જવાને ન્યાય માટે મોરચો માંડ્યો છે. આજે ITBP ના 100 જેટલા જવાનો 15 થી વધુ ગાડીઓ અને ટ્રક સાથે કાનપુર પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યા હતા અને સમગ્ર પરિસરનો ઘેરાવો કરીને ભારે હંગામો મચાવ્યો હતો.

ક્રિષ્ના હોસ્પિટલના ડોક્ટરો પર ગંભીર આરોપ

સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે ITBP જવાન વિકાસ સિંહે આરોપ લગાવ્યો છે કે, કાનપુરની ક્રિષ્ના હોસ્પિટલના ડોક્ટરોની ઘોર બેદરકારીના કારણે તેમની માતા નિર્મલા દેવીનો જમણો હાથ કાપવો પડ્યો છે. વિકાસ સિંહે 13 મેના રોજ સાંજે શ્વાસ લેવામાં તકલીફ થતાં તેમની માતાને આ નર્સિંગ હોમમાં દાખલ કર્યા હતા. જોકે, સારવારના આશરે 12 વાગ્યા પછી, એટલે કે 14 મેના રોજ તેમની માતાના જમણા હાથમાં અચાનક ભારે સોજો આવી ગયો હતો.

ડૉક્ટરોની બેદરકારીના કારણે આ સમસ્યા સર્જાઈ

જ્યારે જવાને આ અંગે ડોક્ટરો સાથે વાત કરી, ત્યારે હોસ્પિટલ પ્રશાસને આ સોજો ધીમે-ધીમે ઉતરી જશે તેમ કહીને વાત ટાળી દીધી હતી. શંકા જતાં જવાન વિકાસ સિંહે તેના સાથી જવાનોની સલાહ પર 14 મેની સાંજે જ માતાને પારસ હોસ્પિટલ માં શિફ્ટ કર્યા હતા. પારસ હોસ્પિટલના ડૉક્ટરોએ તપાસ કરીને જણાવ્યું કે ખોટી સારવાર અથવા બેદરકારીના કારણે હાથમાં ગંભીર ઇન્ફેક્શન ફેલાઈ ગયું છે. ઝેર આખા શરીરમાં ન ફેલાય તે માટે અંતે 17 મેના રોજ ડૉક્ટરોએ મહિલાનો હાથ કાપવો પડ્યો હતો.

પોલીસે પણ કાર્યવાહી કરવામાં મોડું કર્યું હતું

જવાનનો આરોપ છે કે આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવા માટે તેઓ સતત બે દિવસ સુધી રેલબજાર પોલીસ સ્ટેશન અને એસીપી ઓફિસના ચક્કર કાપતા રહ્યા, પરંતુ પોલીસે કોઈ એફઆઈઆર નોંધી નહોતી. ન્યાય ન મળતાં આક્રોશમાં આવેલા ITBP જવાન પોતાની માતાનો કપાયેલો હાથ લઈને સીધા પોલીસ કમિશનરની ઓફિસે પહોંચી ગયા હતા. આ ઘટનાથી પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ હતી.

સીએમઓએ ડોક્ટરોને બચાવવાનો પ્રયાસ કર્યો

જવાનના આક્રોશને જોઈને પોલીસ કમિશનર રઘુબીર લાલે ચીફ મેડિકલ ઓફિસરને આ મામલે તપાસ કરીને તબીબી અહેવાલ સોંપવા આદેશ કર્યો હતો. શુક્રવારે સીએમઓ ઓફિસનો રિપોર્ટ આવ્યો હતો, પરંતુ તેમાં ડોક્ટરોને બચાવવાનો પ્રયાસ કરતા માત્ર 'સંભાવનાઓ' દર્શાવવામાં આવી હતી. આ અસ્પષ્ટ રિપોર્ટ પર નારાજગી વ્યક્ત કરતા પોલીસ કમિશનર રઘુબીર લાલે સીએમઓ ને સ્પષ્ટ આદેશ આપ્યો છે કે, ‘સ્પષ્ટ રિપોર્ટ આપો, સંભાવનાઓ પર નહીં!’. બીજી તરફ, સીએમઓ દ્વારા ડોક્ટરોને બચાવવાનો આરોપ લગાવીને શનિવારે ફરી ITBP ના જવાનોએ કમિશનર કચેરી ઘેરી લીધી હતી. કમિશનર સાથેની મુલાકાત બાદ જવાનોની 5 થી 6 ગાડીઓ સીએમઓ ઓફિસ તરફ રવાના થઈ છે અને હાલ ત્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.