Tue Aug 25 2026

Logo

Everest Man: કામી રીતા શેરપાએ રચ્યો અદ્ભુત ઈતિહાસ! ૩૨મી વખત માઉન્ટ એવરેસ્ટ સર કરીને બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ...

2026-05-18 20:47:17
Author: Darshana Visaria
Everest Man: કામી રીતા શેરપાએ રચ્યો અદ્ભુત ઈતિહાસ! ૩૨મી વખત માઉન્ટ એવરેસ્ટ સર કરીને બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ...

માઉન્ટ એવરેસ્ટના ઈતિહાસમાં ફરી એકવાર સુવર્ણ અક્ષરે નવો રેકોર્ડ નોંધાયો છે. નેપાળના દિગ્ગજ પર્વતારોહક કામી રીતા શેરપા (Kami Rita Sherpa)એ પોતાનો જ વર્લ્ડ રેકોર્ડ તોડીને એક અકલ્પનીય સિદ્ધિ હાંસલ કરી છે. તેમણે 18મી મે 2026ના રોજ સવારે 32મી વખત દુનિયાના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટ (8,848.86 મીટર) પર સફળતાપૂર્વક ચઢાણ કરીને નવો ઈતિહાસ રચી દીધો છે. ચાલો જાણીએ આખી સ્ટોરી વિસ્તારથી...

મળતી માહિતી અનુસાર 56 વર્ષીય કામી રીતા શેરપાએ ગત વર્ષે 31મી વખત એવરેસ્ટ સર કર્યો હતો. આ વર્ષે એટલે કે 2026ની સ્પ્રિંગ સીઝનમાં તેઓ સેવન સમિટ ટ્રેક્સ (Seven Summit Treks)ના માર્ગદર્શન હેઠળ એક પર્વતારોહક દળ સાથે નીકળ્યા હતા અને 18મી મેના રોજ સવારે સાડા છ વાગ્યે (સ્થાનિક સમય મુજબ) સફળતાપૂર્વક એવરેસ્ટની ટોચ પર પહોંચી ગયા હતા. આ સાથે જ કામી રીતા શેરપા દુનિયામાં સૌથી વધુ વખત એવરેસ્ટ સર કરનારા એકમાત્ર વ્યક્તિ બની રહ્યા છે.

કામી રીતા શેરપાનો જન્મ એવરેસ્ટના ખોળામાં વસેલા થામે ગામમાં થયો હતો. તેમના પિતા નેપાળના પ્રારંભિક વ્યાવસાયિક શેરપા ગાઈડ્સમાંથી એક હતા. કામી રીતાએ મે 1994માં માત્ર 24 વર્ષની ઉંમરે પ્રથમ વખત એવરેસ્ટ સર કર્યો હતો. ત્યારથી લઈને અત્યાર સુધીના 32 વર્ષમાં તેઓ સતત પર્વતોના રાજાને સફળતાપૂર્વક સર કરતા આવ્યા છે. 

માઉન્ટ એવરેસ્ટ સિવાય કામી રીતા શેરપાએ દુનિયાના અન્ય ક્લાઈમ્બ માટે મુશ્કેલ ગણાતી પિક જેમ કે કે-ટુ (K2), ચો ઓયુ (Cho Oyu), મનાસ્લુ (Manaslu) અને લ્હોત્સે (Lhotse) પણ સફળતાપૂર્વક ક્લાઈમ્બ કરી ચૂકયા છે. 

માઉન્ટેનિયરિંગની દુનિયામાં શેરપાઓને 'બૅકબોન' (કરોડરજ્જુ) માનવામાં આવે છે. વિદેશી પર્વતારોહકો માટે રસ્તા બનાવવા, દોરડા બાંધવા અને સામાન ઊંચકવા જેવા જીવના જોખમે કરાતા કામો શેરપા સમુદાય જ કરે છે. કામી રીતાની આ સિદ્ધિએ વૈશ્વિક સ્તરે શેરપા સમુદાયના હુનર અને તાકાતને ફરી એકવાર સાબિત કરી દીધી છે.