Wed Aug 19 2026

Logo

સેક્સ્ટોર્શનથી કંટાળી કલ્યાણના રહેવાસીનો આપઘાત: ગુનો નોંધાયો...

2026-03-15 17:43:00
Author: Yogesh C. Patel
Article Image

થાણે: મોર્ફ કરેલી વાંધાજનક તસવીરો સોશ્યલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી બ્લૅકમેઈલિંગ કરનારા સાયબર ઠગોથી કંટાળીને કલ્યાણના 45 વર્ષના રહેવાસીએ આપઘાત કર્યો હતો. મોબાઈલ ફોન અને ઈ-મેઈલની તપાસ બાદ પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

પોલીસના જણાવ્યા મુજબ કલ્યાણ પૂર્વમાં રહેતા હેમંત દયાશંકર પાંડેએ 7 જાન્યુઆરીએ નિવાસસ્થાને ગળાફાંસો ખાધો હતો. મોટી રકમ ટ્રાન્સફર કરવા માટે સાયબર ઠગ દ્વારા કરાતા દબાણને કારણે પાંડેએ જીવન ટૂંકાવ્યું હોવાનું તપાસમાં જણાયું હતું.

આ પ્રકરણેે પાંડેના મોટા ભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવાયું હતું કે અજાણ્યા શખસ દ્વારા પાંડેને ધમકી આપવામાં આવતી હતી. પાંડેની અશ્ર્લીલ તસવીરો પોતાની પાસે હોવાનું કહીને શખસ ધમકાવતો હતો.

પાંડેના મોબાઈલ ફોનનું વિશ્ર્લેષણ કરવામાં આવતાં સાયબર ઠગ બે લાખ રૂપિયાની માગણી સાથે દબાણ કરતો હોવાનું જણાયું હતું. આ માટે પાંડેએ પોતાના ભાઈ પાસેથી 1.6 લાખ રૂપિયા માગ્યા હતા.

પાંડેના ઈ-મેઈલની પણ તપાસ કરવામાં આવી હતી. તેને મોર્ફ કરેલી તસવીરો મેઈલથી મોકલવામાં આવી હોવાનું જણાયું હતું. મેઈલ મોકલનારે નાણાંની માગણી કરી હતી અને માગણી પૂરી ન કરે તો સોશ્યલ મીડિયા પર બદનામી કરવાની ધમકી આપી હતી, એવું પોલીસે જણાવ્યું હતું.

એપ્રિલ, 2025થી જાન્યુઆરી, 2026 દરમિયાન પાંડેએ ખાસ્સીએવી રકમ ટ્રાન્સફર કરી હતી. વારંવાર નાણાંની માગણીથી કંટાળીને પાંડેએ આપઘાત કર્યો હોવાનો દાવો તેના પરિવારજનોએ કર્યો હતો. આ પ્રકરણે પોલીસે ભારતીય ન્યાય સંહિતાની સુસંગત કલમો અને ઇન્ફર્મેશન ટેક્નોલૉજી ઍક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. (પીટીઆઈ)