Fri May 08 2026

Logo

લગ્નની લાલચે મહિલા પર બળાત્કાર ગુજારી તેને ગર્ભવતી બનાવી: કલ્યાણના રહેવાસીની ધરપકડ

2026-05-08 18:15:28
Author: Yogesh D. Patel
Article Image

વિરેન પટેલે પીડિતા, તેનાં માતા-પિતાનું અપમાન કરીને મારપીટ કર્યાનો આક્ષેપ

થાણે: થાણે જિલ્લામાં લગ્નની લાલચે 27 વર્ષની મહિલા પર લગભગ બે વર્ષ સુધી બળાત્કાર ગુજારવા, તેને ગર્ભવતી બનાવવા અને તેને ગર્ભપાત માટે દબાણ કરવાના આરોપસર કલ્યાણના રહેવાસી વિરેન હસમુખ પટેલ (40)ની ધરપકડ કરવામાં આવી હતી. વિરેન પટેલે પીડિતા અને તેનાં માતા-પિતાનું અપમાન કરી તેમને ગાળો ભાંડી અને તેમની મારપીટ કરી હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો. 

ઉત્તર પ્રદેશની વતની અને હાલ કલ્યાણમાં રહેતી પીડિતાએ નોંધાવેલી ફરિયાદ બાદ વિરેન પટેલ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. એફઆઇઆર અનુસાર સપ્ટેમ્બર, 2024થી એપ્રિલ, 2026 દરમિયાન આ ગુનો આચરવામાં આવ્યો હતો. 

ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે વિરેન પટેલે પીડિતાને લગ્નનું ખોટું વચન આપ્યું હતું અને દાવો કર્યો હતો કે તે તેની પત્નીને કાયદેસર રીતે છૂટાછેડા આપી દેશે. પટેલ બાદમાં પીડિતાને ભાડાની અલગ અલગ રૂમ તથા લોજમાં લઇ ગયો હતો, જ્યાં ભવિષ્યના લગ્નને નામે તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. 

દરમિયાન પીડિતા ગર્ભવતી બનતાં પટેલે તેને ગર્ભપાતની ગોળીઓ લેવા માટે દબાણ કર્યું હતું, જેને કારણે તેની સંમતિ વિના તેનો ગર્ભપાત થયો હતો. પીડિતા અને તેનાં માતા-પિતા તાજેતરમાં પટેલના કોલસેવાડી વિસ્તારમાં આવેલા નિવાસસ્થાને ગયા હતા અને પટેલના છૂટાછેડાની સ્થિતિ તથા લગ્નના વચન અંગે પૃચ્છા કરી હતી.

જોકે પટેલે પીડિતા અને તેનાં માતા-પિતાનું અપમાન કર્યું હતું, તેમને ગાળો ભાંડી હતી તેમ જ તેમની મારપીટ પણ કરી હતી, એવો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો હતો. પીડિતાની ફરિયાદને આધારે પોલીસે પટેલ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. કોનગાંવ પોલીસે પટેલને કસ્ટડીમાં લીધો હતો અને વધુ તપાસ આદરી હતી. (પીટીઆઇ)