થાણે: થાણે જિલ્લાના કલ્યાણમાં રહેનારી 82 વર્ષની વૃદ્ધાને ડિજિટલ અરેસ્ટનો ડર દેખાડીને સાયબર ગુનેગારોએ 73.3 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી હતી. પોલીસ અધિકારીના સ્વાંગમાં આરોપીઓએ વૃદ્ધાને આતંકવાદના બોગસ કેસમાં ફસાવવાની ધમકી આપી રૂપિયા પડાવ્યા હતા, જેને પગલે પોલીસ ફરિયાદ નોંધાવાઇ હતી.ફરિયાદી વૃદ્ધાને આરોપીઓએ કૉલ કરીને કહ્યું હતું કે તેનો મોબાઇલ નંબર પહલગામ આતંકવાદી હુમલામાં સંડોવાયેલા પાકિસ્તાની સૈનિક સાથે જોડાયેલો છે.
આ કેસમાંથી તેનું નામ કાઢી નાખવાને બહાને તેમણે વૃદ્ધા પર રૂપિયા ટ્રાન્સફર કરવા માટે દબાણ કર્યું હતું. આરોપીઓએ 6 એપ્રિલથી 10 એપ્રિલ દરમિયાન વૃદ્ધાને અલગ અલગ મોબાઇલ નંબર પરથી કૉલ કર્યા હતા. કથિત આતંકવાદના કેસમાંથી નામ કાઢી નાખવા માટે બૅંકના વ્યવહારોની ચકાસણી કરવાને બહાને વૃદ્ધાને રૂપિયા ઑનલાઇન ટ્રાન્સફર કરવાનું જણાવાયું હતું.
વૃદ્ધાએ વ્હૉટ્સઍપ પર આવેલી સૂચનાને અનુસરીને આરોપીઓ દ્વારા પૂરા પાડવામાં આવેલા બૅંક ખાતાંઓમાં કુલ 73.3 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા.
દરમિયાન પોતે છેતરાઇ હોવાનું ધ્યાનમાં આવતાં વૃદ્ધાએ મહાત્મા ફૂલે ચોક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે ગુનો દાખલ કરાયો હતો. ગુનો આચરવા ઉપયોગમાં લેવાયેલા પાંચ મોબાઇલ નંબર પોલીસે ઓળખી કાઢ્યા હોઇ તેને આધારે આરોપીઓની શોધ ચલાવવામાં આવી રહી છે, એમ પોલીસ અધિકારીએ કહ્યું હતું. (પીટીઆઇ)