Wed Jun 10 2026

Logo

કલ્યાણની આધારવાડી જેલના બે કર્મચારીની લાંચના કેસમાં ધરપકડ

2026-03-03 15:57:37
Author: Yogesh D Patel
Article Image

થાણે: થાણે જિલ્લામાં કેદીને મળવા દેવા માટે તેના મિત્ર પાસેથી 1,500 રૂપિયાની લાંચ માગવા બદલ એન્ટિ-કરપ્શન બ્યૂરો (એસીબી)એ કલ્યાણની આધારવાડી જેલના બે કર્મચારીની ધરપકડ કરી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

એસીબીના અધિકારીઓએ સોમવારે આધારવાડી જેલમાં કાર્યરત સુબેદાર સતીષ તાનાજી ભોસલે (55) અને કોન્સ્ટેબલ શરદ નાના પાનપાટીલ (39)ને ફરિયાદી પાસેથી લાંચ સ્વીકારતી વખતે પકડી પાડવામાં આવ્યા હતા, એમ ઇન્સ્પેક્ટર સુનીલ કરોટેએ કહ્યું હતું.

ફરિયાદી પચીસમી ફેબ્રુઆરીએ જેલમાં બંધ તેના મિત્ર એવા કેદીને મળવા ગયો હતો. એ સમયે ઇન્ટરવ્યૂ રૂમમાં ફરજ પર હાજર સ્ટાફે ફરિયાદી પાસે એક હજાર રૂપિયાની લાંચ માગી હતી, કારણ કે જેલમાં બંધ કેદી તેનો સંબંધી નહોતો.

સુબેદાર સતીષ ભોસલેએ ફરિયાદીની તેના મિત્ર સાથે મુલાકાત કરાવવા માટે ચાર હજારથી પાંચ હજાર રૂપિયાની માગણી કરી હતી અને તડજોડને અંતે 1,500 રૂપિયા સ્વીકારવાની તૈયારી તેમણે દર્શાવી હતી. ફરિયાદીએ ત્યાર બાદ એસીબીનો સંપર્ક સાધ્યો હતો. ભોસલે અને પાનપાટીલ સામે પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. (પીટીઆઇ)