માર્ચના અંત સુધીમાં ઉદ્ઘાટન
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દક્ષિણ મુંબઈનો પ્રખ્યાત અને પર્યટકોનું માનીતું સ્થળ ગણાતા કાલા ઘોડાનો કાયાપલટ કરવાનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટનું કામ અંતિમ તબક્કામાં હોઈ માર્ચ મહિના અંત સુધીમાં કામ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
મુંબઈની કલા રાજધાનીનો કાયાપલટ કરવાનો પ્રોજેક્ટ પાલિકાએ હાથ ધર્યો છે, જેનું અંતિમ તબક્કાનું કામ ચાલી રહ્યું છે. કાલા ધોડા પરિસરમાં સાંસ્કૃતિક આકર્ષણ વધારવા માટે દીવાલો પર પેઈન્ટિંગ કરવાની સાથે જ સ્ટ્રીટ આર્ટિફેક્ટસ બેસાડવામાં આવ્યા છે.
આ પ્રોજેક્ટ અંતર્ગત કાલાઘોડા પરિસરાં વી.બી.માર્ગ રોડ(ફોર્બ્સ સ્ટ્રીટ), રોપવૉક લેન, સાઈબાબા રોડ, રુધરફિલ્ડ સ્ટ્રીટ અને બી. ભરુચા રોડ જેવા અંદર આવેલા રસ્તાનું નૂતનીકરણ કરવામાં આવ્યું છે. આ રસ્તા શનિવારે અને રવિવારે પેડેસ્ટ્રિયલ ઝોન રહેશે. તે માટે અહીં હાઈડ્રોલિક બોલાર્ડ બેસાડવામાં આવ્યા છે.
સ્થાનિક નગરસેવક મકરંદ નાર્વેકરે જણાવ્યું હતું કે ગ્લાસગોમના બુકૅનન સ્ટ્રીટ અને લંડનની કાર્નબી સ્ટ્રીટ પરથી પ્રેરણા લઈને પાલિકાએ કાલા ઘોડા પરિસરના ચાર રસ્તા ફક્ત રાહદારીઓને ચાલવા માટે રહેશે. શરૂઆતમાં અઠવાડિયામાં શનિવાર અને રવિવાર આ પરિસરમાં વાહનોને પ્રવેશ નહીં હોય અને આ વિસ્તાર પેડેસ્ટ્રીયલ ઝોન રહેશે અને ભવિષ્યમાં તમામ દિવસો માટે આ નિર્ણય લાગુ પડશે. જેથી આ પરિસર વધુ સુરક્ષિત અને પર્યટકોમાં આકર્ષણરૂપ બની રહે.
પાલિકાના અધિકારીના જણાવ્યા મુજબ વિકાસના બીજા તબક્કામાં અંડર ગ્રાઉન્ડ પાર્કિંગની સુવિધા ઊભી કરવામાં આવવાની છે. અહીં આવનારા પર્યટકો અહીં વાહનોની ભીડ નહીં પણ ફક્ત કલાનો અનુભવ કરી શકે. પ્રસ્તાવિત પાર્કિંગ સુવિધામાં ૧૫૦થી ૨૦૦ ગાડીની ક્ષમતા હશે.
આ પ્રોજેક્ટમાં વિશેષ આકર્ષણ એટલે સર જે.જે. સ્કૂલ ઓફ આર્ટસના કલાકારોએ તૈયાર કરેલા ચાર સુંદર શિલ્પ છે. તેને કારણે આ પરિસરની કલાત્મકતામાં વધુ નિખાર આવ્યો છે. બહુ જલદી અહીં ‘અલફ્રેસ્કો’ ડાયનિંગની સુવિધા શરૂ કરવામાં આવશે, તેને કારણે પાર્યટકો ખુલ્લા વાતાવરણમાં જમવાનો આનંદ લઈ શકશે.