Thu Jul 02 2026

Logo

ભૂતપૂર્વ જજ ગૌતમ પટેલને ધમકી: હાઇ કોર્ટનો તપાસનો અહેવાલ ગોપનીય રાખવાનો કેન્દ્ર, મુંબઇ પોલીસને આદેશ

2026-07-02 18:22:18
Author: Yogesh D. Patel
Article Image

મુંબઈ: દાઉદી વોહરા સમુદાયના ઉત્તરાધિકારીના વિવાદ પર 2024માં આપેલા ચુકાદાના સંદર્ભમાં  ભૂતપૂર્વ ભૂતપૂર્વ જજ ગૌતમ પટેલને મળેલી જાનથી મારી નાખવાની ધમકીના કેસની તપાસનો અહેવાલ ગુરુવારે કેન્દ્ર અને મુંબઈ પોલીસે બોમ્બે હાઇ કોર્ટમાં સુપરત કર્યો હતો. બાદમાં હાઇ કોર્ટે આ અહેવાલ ગોપનીય રાખવાનો આદેશ આપ્યો હતો.

તપાસની વિગતો જાહેર નહીં કરવાનું યોગ્ય રહેશે, એમ એક્ટિંગ ચીફ જસ્ટિસ રવીન્દ્ર ઘુગે અને જસ્ટિસ ગૌતમ અંખડે જણાવ્યું હતું. 26 નવેમ્બર, 2008ના રોજ આતંકવાદી હુમલા દરમિયાન શું થયું હતું તે આપણે બધાએ જોયું છે. આખો મામલો ટેલિવિઝન પર છવાયો હતો અને તપાસ તથા અન્ય કાર્યવાહીમાં અવરોધ આવ્યો હતો. હવે તેનું પુનરાવર્તન થાય એવું અમે ઇચ્છતા નથી, એમ કોર્ટે ટિપ્પણી કરી હતી.

મુંબઈ પોલીસ કમિશનર દ્વારા સુપરત કરાયેલા અહેવાલમાં જસ્ટિસ પટેલ અને તેમના પરિવારને મળેલી ધમકી અંગે બે બિનદખલપાત્ર કરાયા હોવાનું જણાવાયું છે. તપાસ ચાલુ છે અને આગામી સુનાવણીમાં સ્ટેટસ રિપોર્ટ સુપરત કરવામાં આવશે, એમ એડવોકેટ જનરલ મિલિંદ સાઠેએ કોર્ટને જણાવ્યું હતું.

વિદેશ મંત્રાલયે પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે જસ્ટિસ પટેલ અને તેમના પરિવારને ધમકી તથા તેમની પુત્રી પર હુમલા સંબંધમાં પોલીસ સુરક્ષા આપવા પગલાં લેવાયાં છે. ડિવિઝન બેન્ચે અહેવાલ સ્વીકાર્યા હતા અને આગામી સુનાવણી 7 ઑગસ્ટ પર રાખી છે. 

ઉલ્લેખનીય છે કે જસ્ટિસ પટેલ અને તેમના પરિવારને છેલ્લા 10 મહિનાથી ધમકીભર્યા પત્ર મળી રહ્યા છે. હાલમાં જ તેમને ચેતવણી અપાઇ કે તેમના પરિવારને ખતમ કરવા માટે કોન્ટ્રેક્ટ અપાયો છે. તેમાં ડિજિટલ સ્ટોરોજ ડિવાઇસ પણ હતું, જે લંડન પોલીસને સોંપ્યું છે.

ધમકી આપનારાઓએ એવી માગણી કરી છે કે જજે પોતાના ચુકાદા માટે યુટ્યુબ વીડિયોમાં માફી માગવી જોઇએ અને એવું કહીંને ચુકાદો પાછો ખેંચી લેવો જોઇએ કે તે બળજબરીથી અને દબાણ હેઠળ આપવામાં આવ્યો હતો. જસ્ટિસ પટેલના પત્નીને પણ તેમના દક્ષિણ મુંબઈના ગામદેવીમાં આવેલા ઘરે આવી જ ધમકી પ્રાપ્ત થઇ છે. (પીટીઆઇ)