Fri Jun 19 2026

Logo

જોગેશ્વરીમાં બીયર લાવી આપવાનો ઇનકાર કરનારા યુવકની હત્યા: આરોપીને જનમટીપ

2026-06-19 18:41:41
Author: Yogesh D Patel
Article Image

મુંબઈ: જોગેશ્વરીમાં બીયર લાવી આપવાનો ઇનકાર કરનારા યુવકની શસ્ત્રના ઘા ઝીંકી હત્યા કરવા બદલ આરોપીને કોર્ટે જનમટીપ ફટકારી હતી.

દિંડોશી સેશન્સ કોર્ટે આરોપી શનમુગન રાજેન્દ્રન ઉર્ફે સૅમ ઉર્ફે સોનુને દોષી ઠેરવીને સજા ઉપરાંત પાંચ હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો અને દંડની રકમ ન ભરે તો વધારાની ત્રણ મહિના જેલ ભોગવવાનો આદેશ આપ્યો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર જોગેશ્વરી પૂર્વમાં પ્રેમનગર ખાતે 26 મે, 2020ના રોજ આ ઘટના બની હતી. એ વિસ્તારમાં આરોપીની દહેશત હતી અને તેણે ફરિયાદી વિજય કુપ્પુસ્વામી દ્રવિડના ભાઇ અજયને બીયર લાવવા માટે કહ્યું હતું. જોકે અજયે ઇનકાર કરતાં તેમની વચ્ચે બોલાચાલી થઇ હતી અને આરોપીએ તેને જોઇ લેવાની ધમકી આપી હતી.

દરમિયાન આરોપીએ અજયને મંદિર નજીક આંતર્યો હતો. એ સમયે અજયનો ભાઇ તેને છોડાવવા માટે વચ્ચે પડતાં આરોપીએ તેના પર શસ્ત્રથી હુમલો કર્યો હતો. આથી ભાઇને બચાવવા માટે વચ્ચે પડેલા અજય પર આરોપીએ શસ્ત્રના ઘા ઝીંકી દેતાં તે ગંભીર રીતે ઘવાયો હતો. અજયને ત્વરિત હોસ્પિટલમાં લઇ જવાતાં તેને મૃત જાહેર કરાયો હતો.

મેઘવાડી પોલીસે આ પ્રકરણે હત્યા અને હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરીને આરોપીની ધરપકડ કરી હતી અને બાદમાં તેની વિરુદ્ધ દિંડોશી કોર્ટમાં આરોપનામું દાખલ કરાયું હતું.