ચોરેલા મોબાઇલ આરોપીઓ નેપાળ-બાંગ્લાદેશમાં વેચી મારતા હતા
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ધાર્મિક કાર્યક્રમ, રાજકીય સભા તેમ જ અન્ય સ્થળોએ ગિરદીનો લાભ લઇને મોબાઇલ ચોરનારી આંતરરાજ્ય ટોળકીના છ સભ્યને જે. જે. માર્ગ પોલીસે પકડી પાડ્યા હતા. આરોપીઓની ધરપકડ કરી પોલીસે 16 ગુના ઉકેલી કાઢ્યા હતા અને ચોરીના બાવન મોબાઇલ જપ્ત કર્યા હતા. આરોપીઓ મોબાઇલ ચોર્યા બાદ પોતાના સાથીદારો મારફત તેને નેપાળ અને બાંગ્લાગેશમાં વેચી મારતા હોવાનું તપાસમાં જણાયું હતું.
જે.જે. માર્ગ પોલીસે ધરપકડ કરેલા આરોપીઓની ઓળખ સાકીબ અશફાક ખાન, સરતાજ શેખ, આમીર આબિદ ખાન, ઇસ્તિયાક સાદિક ખાન, ગોહર ગુલામ જિલાની અને અફઝલ ઉસ્માન નાઇ તરીકે થઇ હતી. પાંચ આરોપીઓ મૂળ ઉત્તર પ્રદેશના વતની છે, જ્યારે ઇસ્તિયાક ખાન થાણે જિલ્લાના કૌસાનો રહેવાસી છે.
જે. જે. માર્ગ વિસ્તારમાં રહેતો અબ્દુલ રહેમાન સૈયદ (21) રમજાન મહિનો ચાલી રહ્યો હોવાથી 26 ફેબ્રુઆરીએ ખરીદી કરવા ગયો ત્યારે તેનો મોબાઇલ ચોરાયો હતો. આથી તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવતાં ગુનો દાખલ કરાયો હતો.
તપાસ દરમિયાન પોલીસ ટીમે મળેલી માહિતીને આધારે નળ બજાર વિસ્તાર તથા અન્ય ગિરદીના સ્થળે સતત ત્રણ દિવસ સાદાવેશમાં છટકું ગોઠવ્યું હતું અને શકમંદને તાબામાં લીધો હતો. તેની પૂછપરછમાં છ જણની ટોળકી વિશે પોલીસને જાણવા મળ્યું હતું, એમ અધિકારીએ જણાવ્યું હતું.
દરમિયાન આ ટોળકીના સભ્યો ઉત્તર પ્રદેશ ભાગી છૂટવાની તૈયારીમાં હોવાની માહિતી મળ્યા બાદ પોલીસ ટીમે કુર્લા સ્ટેશને જઇને પાંચ આરોપીને ઝડપી પાડ્યા હતા, જેઓ મુંબઈમાં અલગ અલગ સ્થળે રહેતા હતા.
આરોપીઓ ધાર્મિક કાર્યક્રમ, રાજકીય સભા તથા અન્ય સ્થળોએ ગિરદીનો લાભ લઇને લોકોના મોબાઇલ ચોરતા હતા અને બાદમાં પોતાના અન્ય સાથીદારોની મદદથી તેને નેપાળ અને બાંગ્લાદેશમાં વેચી મારતા હતા.