Fri May 29 2026

Logo

CID માંથી કેમ કાઢી મૂકવામાં આવી? જસવીર કૌરે 14 વર્ષ પછી તોડ્યું મૌન

2026-03-12 14:49:00
Author: Mumbaisamachar Team
Article Image

મુંબઈ: ટેલિવિઝન જગતમાં વર્ષોથી એક્ટવ અને હાલમાં 'અનુપમા' સીરિયલમાં જોવા મળતી અભિનેત્રી જસવીર કૌરે વર્ષો પછી એક એવો ખુલાસો કર્યો છે જેણે મનોરંજન જગતમાં ખળભળાટ મચાવી દીધો છે. સોની ટીવીના આઇકોનિક શો 'CID'માં ઇન્સ્પેક્ટર કાજલની ભૂમિકા ભજવનાર જસવીરે જણાવ્યું કે તેને આ શો પોતાની મરજીથી નહીં, પરંતુ દબાણ હેઠળ છોડવો પડ્યો હતો. 14 વર્ષ સુધી આ પીડા મનમાં દબાવી રાખ્યા બાદ હવે તેણે તે સમયે અનુભવેલા માનસિક સંતાપ અને અન્યાય વિશે ખુલીને વાત કરી છે.

એક યુટ્યુબ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં જસવીરે જણાવ્યું કે તેને ઓફિસમાં બોલાવીને સીધું જ શો છોડી દેવા કહેવામાં આવ્યું હતું. તેના પર સેટ પર ખરાબ વર્તન કરવાના, સ્ક્રિપ્ટ ફેંકી દેવાના અને અભદ્ર ભાષા વાપરવાના ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા. જસવીરના જણાવ્યા અનુસાર, આ આરોપો તદ્દન પાયાવિહોણા હતા. જે શો માટે તે રજા વગર સતત 31 દિવસ શૂટિંગ કરતી હતી, ત્યાંથી અચાનક આ રીતે કાઢી મૂકવામાં આવતા તેને જોરદાર આંચકો લાગ્યો હતો.

આ ઘટના બાદ જસવીરની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. તેણે જણાવ્યું કે તે સતત 45 દિવસ સુધી રડતી રહી હતી અને લગભગ 3 મહિના સુધી ડિપ્રેશનનો શિકાર બની હતી. જ્યારે પ્રોડક્શન હાઉસ સાથે 'રાઉન્ડ ટેબલ મીટિંગ' થઈ, ત્યારે તે માત્ર રડી શકતી હતી, કારણ કે તેને સમજાતું નહોતું કે તેની સાથે આવું કેમ થઈ રહ્યું છે. જસવીરે આરોપ લગાવ્યો કે તેની સાથે થયેલા આ અન્યાય સામે લડવાની શક્તિ પણ તે સમયે તેની પાસે નહોતી.

સૌથી વધુ દુઃખની વાત એ હતી કે 'CID' ના અન્ય કોઈ પણ કલાકાર તેની વહારે આવ્યા નહોતા. શિવાજી સાટમ (એસીપી પ્રદ્યુમન), દયા કે આદિત્ય શ્રીવાસ્તવ (અભિજીત) જેવા સિનિયર કલાકારોમાંથી કોઈએ પણ તેની તરફેણમાં અવાજ ઉઠાવ્યો નહોતો. જસવીરે નિરાશા સાથે જણાવ્યું કે સેટ પર આટલો સમય સાથે કામ કરવા છતાં મુશ્કેલ સમયમાં કોઈ તેની પડખે ઉભું રહ્યું નહોતું. ગ્લેમરની દુનિયા પાછળ છુપાયેલા આ કડવા સત્યએ ફરી એકવાર ટીવી ઇન્ડસ્ટ્રીની કાર્યશૈલી પર સવાલો ઉભા કર્યા છે.