Sat Aug 29 2026

Logo

જયપુરમાં પેરામેડિકલ પરીક્ષા દરમિયાન છેતરપિંડી; 45 વિદ્યાર્થીઓને નકલ કરાવવા 5.50 લાખની ડીલ, ચારની ધરપકડ

2026-06-29 21:47:35
Author: Vimal Prajapati
જયપુરમાં પેરામેડિકલ પરીક્ષા દરમિયાન છેતરપિંડી; 45 વિદ્યાર્થીઓને નકલ કરાવવા 5.50 લાખની ડીલ, ચારની ધરપકડ

જયપુરઃ રાજસ્થાનના જયપુરમાંથી પરીક્ષા પ્રણાલીને હચમચાવી દે તેવા મોટા સમાચાર સામે આવ્યા છે. જયપુરના કાલવાડ (મુંડોતા) સ્થિત પ્રભા દેવી મેમોરિયલ પીજી કોલેજ (Prabha Devi Memorial PG College) માં ચાલી રહેલી પેરામેડિકલ ડિપ્લોમા પરીક્ષા દરમિયાન સામૂહિક નકલ કરાવવાનું એક ખૂબ જ મોટું ષડયંત્ર ખુલ્લું પડ્યું છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, ઝુંઝુનૂની એક કોલેજના 45 વિદ્યાર્થીઓને એક જ રૂમમાં બેસાડીને નકલ કરાવવાની પૂરેપૂરી તૈયારી કરી લેવામાં આવી હતી.

રૂપિયા 5.50 લાખ રૂપિયામાં નક્કી થયો હતો સોદો

આ સમગ્ર નકલના ખેલ પાછળ લાખો રૂપિયાની લેવડદેવડ થઈ હોવાનો ખુલાસો થયો છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે ઝુંઝુનૂની એક કોલેજના પેરામેડિકલ ફર્સ્ટ યરના 45 વિદ્યાર્થીઓને કોઈપણ ભોગે પાસ કરાવવા માટે પ્રભા દેવી મેમોરિયલ કોલેજના મેનેજમેન્ટ સાથે સાંઠગાંઠ કરવામાં આવી હતી. આ સમગ્ર સેટિંગ માટે અંદાજે 5.50 લાખ રૂપિયાનો સોદો નક્કી કરવામાં આવ્યો હતો.

કોલેજ સંચાલક સહિત 4 લોકોની ધરપકડ

પોલીસ દ્વારા સમયસર અને સચોટ કાર્યવાહી કરીને આ કૌભાંડને નિષ્ફળ બનાવ્યું છે. પોલીસે ઘટનાસ્થળેથી વિદ્યાર્થીઓના નામ લખેલી કાપલીઓ અને અન્ય મહત્વના દસ્તાવેજો જપ્ત કર્યા છે. આ મામલે પોલીસે ત્વરિત એક્શન લેતા નીચેના આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં કોલેજ સંચાલક રામકૃષ્ણ મંડીવાલ, સંચાલકનો ભત્રીજો દેવકૃષ્ણ અને પરીક્ષા કેન્દ્રના બે સુપરવાઈઝરની ધરપકડ કરવામાં આવી છે. 

નારાજ વિદ્યાર્થીઓનો હોબાળો અને તોડફોડ

પરીક્ષા કેન્દ્ર પર હાજર અન્ય પ્રામાણિક ઉમેદવારોને જેવી જ આ સામૂહિક નકલ અને કૌભાંડની જતા તેમનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો. નારાજ વિદ્યાર્થીઓએ કોલેજ કેમ્પસની બહાર ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા અને હોબાળો મચાવ્યો હતો. પ્રદર્શન દરમિયાન ગુસ્સે ભરાયેલા વિદ્યાર્થીઓએ ખુરશીઓ હવામાં ફેરવી તોડફોડ કરી હતી અને તાત્કાલિક ધોરણે પરીક્ષા રદ કરવાની માંગ કરી હતી. આ ગેરરીતિની ગંભીરતાને ધ્યાનમાં લેતા રાજસ્થાન પેરામેડિકલ કાઉન્સિલે (Rajasthan Paramedical Council) મોટો નિર્ણય લીધો છે અને પરીક્ષા રદ્દ કરી દીધી છે. એટલું જ નહીં પરંતુ પ્રભા દેવી મેમોરિયલ પીજી કોલેજની પરીક્ષા કેન્દ્ર તરીકેની માન્યતા પણ કાયમ માટે રદ કરી દેવામાં આવી છે.