Thu May 28 2026

Logo

હેલ્મેટ, એમ્બ્યુલન્સ, આવશ્યક મેડિકલ ઈક્વિપમેન્ટ પરનાં જીએસટી દર ઘટાડવા આઈઆરએફનો અનુરોધ

2026-05-27 20:10:22
Author: Ramesh Gohil
Article Image

નવી દિલ્હીઃ માર્ગ સલામતીના વૈશ્વિક અગ્રણી સંગઠન ઈન્ટરનેશનલ રોડ ફેડરેશન (આઈઆરએફ)એ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને જીએસટી કાઉન્સિલને હેલ્મેટ, એમ્બ્યુલન્સ અને આવશ્યક મેડિકલ ઈક્વિપમેન્ટ (ઉપકરણો) પરનાં જીએસટી દરમાં નોંધપાત્ર ઘટાડો કરવા અથવા તો સંપૂર્ણપણે જીએસટીમાંથી માફી આપવા અનુરોધ કર્યો છે. 

વડા પ્રધાનને આપેલા આવેદનપત્રમાં આઈઆરએફનાં પ્રમુખ કે કે કપિલાએ તાજેતરમાં સરકારે કરેલા જીએસટીનાં તાર્કીકરણનાં અને જાહેર કલ્યાણ માટે લીધેલા પગલાંને આવકારતા જણાવ્યું હતું કે હજુ ઘણાં આવશ્યક સલામતી અને સ્વાસ્થ્યનાં ઉત્પાદનો પર ટૅરિફનાં ઊંચા દર હોવાથી સામાન્ય નાગરિકો પર નાણાકીય ભારણ વધુ છે. 

તેમણે જણાવ્યું હતું કે દ્વીચક્રી વાહન ચાલકો માટે હેલ્મેટ ફરજિયાત છે અને ભારતીય માર્ગ પર જીવનની સલામતી માટે હેલ્મેટની ભૂમિકા મહત્ત્વની હોવા છતાં તેનાં પર હાલ જીએસટીનાં દર 18 ટકા જેટલાં ઊંચા છે. તે જ પ્રમાણે એમ્બ્યુલન્સ અને ઓક્સિજન કોન્સન્ટ્રેટર, મોનિટર્સ, વ્હીલચેર, ઈમ્પ્લાન્ટ્સ અને અન્ય આવશ્યક અને કટોકટીના પ્રતિસાદમાં જરૂરી એવાં સ્વાસ્થ્યને લગતાં ઉપકરણો પર ભારે વેરાભારણ છે. 

ફેડરેશનનાં મતાનુસાર જો આ આવશ્યક ચીજો પરનાં જીએસટી દરમાં ઘટાડો કરવામાં આવે તો વાહનચાલકોની ઉપલબ્ધિતામાં અને પોસાણક્ષમતામાં વધારો થશે, માર્ગ સલામતી માટેનાં પગલાં સઘન બનશે, આકસ્મિક સ્વાસ્થ્ય યંત્રણા મજબૂત બનશે અને મહામૂલા જીવનું રક્ષણ થશે, એમ કપિલાએ ઉમેર્યું હતું. 

વધુમાં ફેડરેશને ખાસ કરીને દ્વીચક્રી વાહનચાલકો માટે હેલ્મેટ પરનાં જીએસટીની સદંતર નાબૂદી અથવા તો દરમાં નોંધપાત્ર ઘટાડો કરવા અંગે સક્રિય વિચારણા કરવા અનુરોધ કર્યો હતો. તેમ જ એમ્બ્યુલન્સ અને ઈમર્જન્સી મેડિકલ ટ્રાન્સપોર્ટ સર્વિસીસ પરનાં જીએસટીના દરમાં ઘટાડો અને આવશ્યક તથા જીવનરક્ષક તબીબી ઉપકરણો પરનાં જીએસટીના દરમાં ઘટાડો કરવાનો અનુરોધ કરતાં કહ્યું હતું કે હેલ્મેટ કોઈ વૈભવી ચીજવસ્તુ નથી, પરંતુ જીવનનું રક્ષણ કરતું અથવા તો સલામતી આપતું એક ઈક્વિપમેન્ટ છે. 

કટોકટીના સમયગાળામાં એમ્બ્યુલન્સ સેવાઓ મોબાઈલ લાઈફલાઈન તરીકે કાર્ય કરે છે, જ્યારે મેડિકલ ડિવાઈસીસ દર્દીઓ, હોસ્પિટલ અને સ્વાસ્થ્ય સેવાઓ આપનાર માટે પણ અત્યંત આવશ્યક હોવાનું તેમણે ઉમેર્યું હતું.