મોર્નિંગ મ્યૂસિંગ - રાજ ગોસ્વામી
ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતોલ્લાહ અલી ખામનેઈની અમેરિકન-ઇઝરાયલના આક્રમણમાં શહાદત સાથે મધ્યપૂર્વના ક્ષેત્રમાં ફરી એકવાર અસ્થિરતા પેદા થઇ છે. 86 વર્ષીય ખામનેઈ એક ધર્મગુરુ હતા. 1989થી ઈરાનના ‘સુપ્રીમ લીડર’ પદ પર હતા. તેમણે ઈરાનમાં ઇસ્લામી ગણરાજ્યના સ્થાપક આયાતોલ્લાહ રુહોલ્લાહ ખોમેનીના અવસાન પછી આ પદ સંભાળ્યું હતું. ખોમેનીએ 1979માં ઇસ્લામી ક્રાંતિનું નેતૃત્વ કર્યું હતું, જેમાં અમેરિકાની ‘કઠપૂતળી’ મનાતા મોહમ્મદ રેજા પહલાવીને સત્તામાંથી બહાર કરી દીધા હતા.
ઈરાનના ઈતિહાસમાં બે જ સુપ્રીમ લીડર થયા છે : આયાતોલ્લાહ ખોમેની અને આયાતોલ્લાહ ખામનેઈ...દોઢસો વર્ષ પહેલાં ઈરાની લોકો અટક રાખતા નહોતા. એટલે એકબીજાથી અલગ ઓળખ માટે તેઓ જ્યાં જન્મ્યા હોય એ સ્થળ તેનું નામ તેમના નામ પાછળ લગાવતા હતા. એટલે આયાતોલ્લાહ રુહોલ્લાહએ મધ્ય ઈરાનના તેમના જન્મના ગામ ‘ખોમેની’ને તેમના નામ પાછળ જોડ્યું હતું, જ્યારે આયાતોલ્લાહ અલીએ અઝરબૈજાનના ઉત્તરપશ્ર્ચિમી પ્રાંતના તેમના વતન ‘ખામનેઈ’ની અટક સ્વીકારી હતી.
જોકે એક સરખા નામવાળા આ નેતાઓની કહાનીમાં ભારતનો એક સંબંધ રોચક છે. અને તેમાં એક ત્રીજા નેતાની પણ ભૂમિકા છે એ છે સૈયદ અહેમદ મુસવી હિન્દી.
આ કહાની આપણને લગભગ બસો વર્ષ પાછળ લઇ જાય છે, ઓગણીસમી સદીના શરૂઆતી ભારતમાં. તે સમયે ઉત્તર ભારતમાં અવધનો ઇલાકો શિયા મુસ્લિમ વિદ્વાનોનું એક મોટું કેન્દ્ર હતો. લખનઊ અને તેની આસપાસના ઇલાકાઓ શિયા સંસ્કૃતિ અને ફારસી પરંપરાથી સમૃદ્ધ હતા એટલે ઈરાન અને ભારત વચ્ચે વિદ્વાનોની અવરજવર સામાન્ય હતી. બંને ક્ષેત્રોની ભાષાઓ- સંસ્કૃત અને અવેસ્તા- એક જ ઈન્ડો-ઈરાની ભાષા પરિવારમાંથી નીકળી હોવાનું મનાય છે. ઋગ્વેદ અને અવેસ્તા અનેક સાંસ્કૃતિક તેમ જ ભાષાઈ સમાનતાઓ તરફ સંકેત કરે છે.
આજે જે બારાબંકી જિલ્લો કહેવાય છે, તેના એક નાનકડા કસ્બા ક્ધિતુરમાં એક પ્રતિષ્ઠિત શિયા પરિવાર રહેતો હતો. આ પરિવારના પૂર્વજ 18મી સદીમાં ઈરાનના નિશાપુરમાંથી સ્થળાંતર કરીને અહીં આવ્યા હતા. ત્યાં તેઓ નિશાપુરી સૈયદ કહેવાતા હતા. આ ક્ધિતુરમાં ઝયાન અલ-અબિદીન અલ-મુસવીનો જન્મ થયો હતો, જે પછીથી ક્ધિતુરના સૈયદ તરીકે ઓળખાયા. તેમની ત્રીજી પેઢીમાં સૈયદ અહેમદનો જન્મ થયો.
યુવાન સૈયદ અહેમદ પણ અહીં આ ધાર્મિક અને બૌદ્ધિક વાતાવરણમાં મોટો થયો હતો, પરંતુ 19મી સદીના શરૂઆતી દાયકાઓમાં ભારતની રાજનૈતિક પરિસ્થિતિઓ તેજીથી બદલાઈ રહી હતી. અહીં બ્રિટિશ હકૂમત મજબૂત થઇ રહી હતી અને જૂની રિયાસતો કમજોર પડી રહી હતી. એ દૌરમાં, ગુલામીના શાસનમાંથી છટકવા માટે, મુસવી પરિવારના ફરઝંદે એક લાંબી ધાર્મિક યાત્રા કરવાનો નિર્ણય કર્યો.
લગભગ 1830ની આસપાસ તેણે ભારત છોડ્યું. સૌથી પહેલાં આ યુવાન ઈરાકના પવિત્ર શહેર નજફ પહોંચ્યો, જે શિયા ઇસ્લામનાં સૌથી મોટાં કેન્દ્રોમાંથી એક હતું. ત્યાં ઈમામ અલીના મકબરાની જિયારત કરીને તે આગળ વધ્યો અને અંતત: ઈરાનના એક નાનકડા ગામ ખોમેનીમાં જઈ વસ્યો. 1834ની આસપાસ અહીં તેણે એક ઘર ખરીદ્યું અને પછી ખેતીની જમીન ખરીદી. આ સંપત્તિ આજે પણ તે પરિવાર પાસે છે.
અહીંથી ઈતિહાસનો એક નવો અધ્યાય શરૂ થાય છે. ઈરાનમાં સ્થિર થયા પછી તેણે તેના મૂળ વતન હિન્દુસ્તાનની ઓળખ જાળવી રાખવા માટે તેના નામની સાથે ‘હિન્દી’ શબ્દ જોડ્યો (અથવા બીજા લોકોએ તેને એ નામથી બોલાવાનું શરૂ કર્યું). આ કોઈ ભાષાનો સંકેત નહોતો, ભૌગોલિક ઓળખનું પ્રતીક હતું. તે સમયે ફારસી પરંપરામાં એ વાત સામાન્ય હતી કે લોકો નામની સાથે મૂળ સ્થળનું નામ જોડે એટલે ‘હિન્દી’નો અર્થ ‘હિન્દુસ્તાન આવેલો માણસ.’
વાસ્તવમાં, એવું કહેવાય છે કે સૈયદ અહમદ મુસવીને તેના ભારતીય અતીત માટે ગર્વ હતો. એટલા માટે તેણે તેના નામમાં ‘હિન્દી’ને હંમેશાં બનાવી રાખ્યું, જેથી એ યાદ રહે કે તેનાં મૂળિયાં હિન્દુસ્તાનની ભૂમિમાં હતાં.
ઈરાનના ગામ ખોમેનીમાં સ્થાયી થયા પછી તેનો પરિવાર ધીરે-ધીરે ત્યાંના ધાર્મિક સમાજનો હિસ્સો બની ગયો. 1841માં, તેણે એ જ ગામની ત્રણ સ્ત્રી : શિરીન ખાનુમ, બિબી ખાનુમ અને સકીનાને બીબી બનાવી. તેનાથી તેને પાંચ બાળક થયાં. સકીનાએ દીકરાને જન્મ આપ્યો હતો; સૈયદ મુસ્તફા મુસવી નામનો આ દીકરો મોટો થઈને એક સન્માનીય ધાર્મિક વિદ્વાન બન્યો. ત્યારે કોને ખબર હતી કે આ મુસ્તફાને જે દીકરો થશે, તે આગળ જઈને ઈરાનમાં રાજાશાહીનો અંત લાવશે, ઇસ્લામિક ક્રાંતિ કરશે, અને ઈરાનનો પહેલો સુપ્રીમ લીડર બનશે- આયાતોલ્લાહ રુહોલ્લાહ ખોમેની.
કહેવાય છે કે આયાતોલ્લાહ ખોમેની ગઝલો પણ લખતા હતા અને તેમની અમુક ગઝલોમાં તેઓ ‘હિન્દી’ તખલ્લુસ વાપરતા હતા. તેમનો એક ભાઈ નુરૂદ્દીન હિન્દી નામથી જાણીતો હતો. એટલે એ કેટલી રોચક વાત છે કે 1979થી 1989 સુધી ઈરાનમાં રાજ કરનારા ખોમેનીના પૂર્વજોનાં મૂળિયાં ભારતની જમીનમાં હતાં. આજે બારાબંકીના એ ક્ધિતુર કસ્બામાં કેવળ પાંચ જ શિયા પરિવારો રહ્યા છે. તેમાંથી એક, કાઝમી પરિવારને ગૌરવ છે કે તેમના પૂર્વજોનું લોહી ઈરાનના સર્વોચ્ચ ધર્મગુરુ ખોમેનીની રગોમાં દોડતું હતું.
તમને સવાલ થાય કે આ કહાનીમાં અલી ખામનેઈની (જેમણે હમણાં શહાદત વહોરી) ક્યાંથી આવે છે?
આ ખામનેઈનો સીધો સંબંધ મુસવી હિન્દી વંશ સાથે નથી, પરંતુ તેઓ એ જ ક્રાંતિકારી પરંપરા સાથે જોડાયેલા હતા જેને ખોમેનીએ સ્થાપિત કરી હતી. ખોમેનીનું જ્યારે અવસાન થયું, ત્યારે ખામનેઈ તેમના ધાર્મિક અને રાજકીય ઉત્તરાધિકારી બન્યા હતા.
ઈતિહાસ ક્યારેક આવી રીતે કામ કરતો હોય છે. ભારતના એક નાનકડા ગામમાંથી નીકળેલો એક માણસ, ધાર્મિક યાત્રા પૂરી કરીને એક એવા અંદોલનનો હિસ્સો બની જાય છે જે પૂરા દેશની રાજનીતિને બદલી નાખે છે. અમેરિકા-ઇઝરાયલના આક્રમણમાં આ હિસ્સો કાયમ માટે કપાઈ ગયો છે.
આ રીતે, ‘હિન્દી’ શબ્દ કેવળ એક ઉપનામ નથી, પણ એક લાંબી યાત્રાની નિશાની છે, જે ક્ધિતુરથી ખોમેન અને ભારતથી ઈરાન સુધી ફેલાયેલી છે અને કદાચ આ કારણથી જ સૈયદ અહમદ મુસવી હિન્દીનું નામ આજે પણ બે દેશોના સહિયારા ઈતિહાસની સ્મૃતિમાં દર્જ છે.