કૌશિક મહેતા
ડિયર હની,
મને 20-25 વર્ષ પહેલાંની એક ઘટના યાદ આવે છે. યાદ એટલે આવે છે કે ત્યારે મને હાર્ટ એટેક આવેલો અને એન્જ્યોપ્લાસ્ટી કરાવવી પડેલી અને સારો એવો ખર્ચ થાય એ સ્વાભાવિક છે. ત્યારે મારો પગાર પણ ઓછો હતો અને મારી બધી બચત ખાલી થઈ ગઈ. મેં તને આ વાત કરેલી અને ત્યારે તેં મને કહેલું કે ચિંતા ના કર. બધું બરાબર થઈ જશે. તારો આ સધિયારો મારા માટે બહુ મહત્ત્વનો હતો. એ પછીના જીવનમાં તેં જે રીતે બચત અને કરકસર કરેલી એ કારણે નવો ફ્લૅટ લીધો હોય કે દીકરીનાં લગ્ન હોય ત્યારે એ બધું કામ લાગ્યું હતું.
મારી બાની વાત કરું તો પપ્પા વિદેશથી રાજકોટ સેટલ થયા અને ત્યારે ધંધામાં ખોટ આવી ત્યારે ઘરની આર્થિક હાલત બહુ કફોડી હતી. એ સંજોગોમાં બાએ કોઈ સબંધી પાસેથી આર્થિક મદદ લઈ ઘરમાં તેલના ડબા લીધા હોય કે અનાજ ભર્યું હોય એ પપ્પાને ખબર પણ પડતી નહોતી. પપ્પા જે રકમ ઘરખર્ચ માટે આપે એમાંથી બચાવે. કરકસર કરે અને જ્યાંથી ઉધારી કરી હોય એને કટકે કટકે ચૂકવે. આમ ઘર ચાલતું હતું. અમને ત્રણ ભાઈઓને કોઈ વાતે ઓછું આવવા ના દીધું. મને ત્યારે પણ પ્રશ્ર્ન થતો હતો અને અત્યારે પણ થાય છે કે મહિલાઓમાં આ બચત અને કરકસરના ગુણ આવતા ક્યાંથી હશે?
મોંઘવારીના આ સમયમાં ઘર ચલાવવું એ એક બલા છે અને એ બલામાં ઘર કેમ ચલાવવું એ એક કલા પણ છે અને આ કલામાં ઘરની મહિલાઓ પારંગત હોય છે. પરિવારના આર્થિક ભારને હળવો કરવામાં અને ઘરને વ્યવસ્થિત રાખવામાં મહિલાની ભૂમિકા હંમેશાં અગ્રેસર અને અનિવાર્ય રહી છે. મહિલા કુદરતી રીતે જ ઘરના દરેક સભ્યની જરૂરિયાતો અને ભાવનાઓ સાથે ભાવાત્મક રીતે જોડાયેલી હોય છે.
ભારતીય સમાજ અને સંસ્કૃતિમાં પેઢી દર પેઢી ગૃહિણીઓ દ્વારા ઘરનું સંચાલન કુશળતાપૂર્વક કરવાની પરંપરા ચાલી આવે છે. બાળપણથી જ ઘરમાં વડીલોને (જેવાં કે માતા કે દાદીને) નાની-નાની બાબતોમાં બચત કરતાં જોઈને આ ગુણ સહજરૂપે કેળવાય છે.
ઘર ચલાવવાની દૈનિક જવાબદારી મહિલાઓને નાણાંના મૂલ્ય અને બજારના પ્રવાહોની ઊંડી વ્યવહારુ સમજ આપે છે, પણ આ બધું મહિલાઓ કરે છે કેમ? ઘરની અંદાજપત્ર મર્યાદામાં રહીને પરિવારનું પોષણ અને ઉત્કર્ષ જાળવવા મહિલાઓ કેટલીક કુશળ પદ્ધતિઓ અપનાવે છે, જેમ કે ઘરમાં કઈ વસ્તુ અત્યંત આવશ્યક છે અને કઈ વસ્તુ માત્ર શોખની છે તેની સ્પષ્ટ સમજણ રાખીને ખરીદી કરવામાં આવે છે.
મહિનાની શરૂઆતમાં જ આવક સામે ખર્ચનું ચોક્કસ આયોજન થાય છે. અનાજ, કરિયાણું, શાકભાજી અને અન્ય જરૂરી ચીજવસ્તુઓની યાદી બનાવીને જ ખરીદી કરવામાં આવે છે જેથી બિનજરૂરી ખર્ચ ટાળી શકાય. ઉપરાંત કપડાંમાંથી ઘર માટે ઉપયોગી વસ્તુઓ બનાવવી, ખાલી ડબ્બા-બરણીઓનો સંગ્રહ કરીને તેનો સચોટ ઉપયોગ કરવો અને ઘરમાં રહેલી જૂની ચીજવસ્તુઓને નકામી ગણી ફેંકી દેવાને બદલે તેને નવી રીતે ઉપયોગમાં લેવી.
મોટાભાગનાં ઘરોમાં જોજો રસોડામાં અન્નનો બગાડ ન થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવે છે. વધેલા ખોરાકમાંથી નવી વાનગીઓ બનાવીને તેનો સ્વાદિષ્ટ ઉપયોગ કરવો એ ગૃહિણીઓની આગવી વિશેષતા છે. કોઈ પણ પ્રકારની આર્થિક કટોકટી, માંદગી કે અણધાર્યા પ્રસંગો વખતે કોઈની આગળ હાથ ન ફેલાવવો પડે તે માટે ઘરખર્ચમાંથી બચાવેલાં નાણાંની ગુપ્ત અને સુરક્ષિત બચત (જેવા કે ગોલક કે નાની બચત યોજનાઓ) કરવામાં આવે છે.
એટલું જ નહીં, મોસમી અનાજ, કઠોળ કે મસાલાઓની વાર્ષિક કે જથ્થાબંધ ખરીદી યોગ્ય સમયે કરી લેવી, જેથી મોંઘવારીના દિવસોમાં આર્થિક ભારણ ઘટે. આ બધાં કારણોસર મોંઘવારી ગમે તેટલી હોય, પરંતુ ઘરની સ્ત્રીઓની આર્થિક સૂઝબૂઝ, સંયમ અને દીર્ઘદૃષ્ટિ મોટાભાગના પરિવારો માટે એક મજબૂત ઢાલ સાબિત થાય છે.
સવાલ એ પણ છે કે આજની પેઢીમાં આ ગુણો જોવા મળે છે ખરા? આજની યુવતીઓમાં કદાચ ખર્ચમાં કરકસર કે બચતના ગુણો ઓછા જોવા મળે છે. એ બેઝિક ખર્ચ કરતી હોય છે. એ વિચારતી નથી કે ભવિષ્યમાં કોઈ જરૂરિયાત ઊભી થાય તો શું? એ વખતે જોઈ લેશું એવો એમનો અભિગમ હોય છે. આ ટેવો યોગ્ય નથી. હા, એટલું ખરું કે વધુ પડતી કરકસર તમારા જીવનમાંથી કેટલાક આનંદની બાદબાકી કરી નાખે છે.
ક્યારે કરકસર કરવી અને ક્યારે ખર્ચ કરવો એનો વિવેક તો હોવો જોઈએ-કેળવવો પણ જોઈએ. આપણે વધુ પડતા કરકસર કરનારાને મખ્ખીચુસ કહીએ છીએ. એવું તો ના બનવું એ વાત સાચી, પણ આડેધડ ખર્ચ અને જરૂરિયાત ના હોય એવી વસ્તુઓની ખરીદી તમારા બજેટને બગાડી શકે છે. આ વાત તો યુવા પેઢીએ એમનાં મા-બાપ કે વડીલો પાસેથી શીખવી જોઈએ. એની આજની પેઢીમાં થોડી ઓછપ દેખાય છે. મારી વાત સાચીને?
તારો બન્ની