Sun May 31 2026

Logo

ઔર યે મૌસમ હંસીં...: પેટ્રોલ-ડીઝલ ના મળે તો શું જિંદગી ખતમ થઇ જવાની છે?

2026-03-25 08:33:12
Author: દેવલ શાસ્ત્રી
Article Image

દેવલ શાસ્ત્રી

આજે મધ્ય પૂર્વમાં યુદ્ધની આગ ભડકી રહી છે. અમેરિકા -ઇઝરાયલ - ઈરાન વચ્ચે રોજ નવા ગતકડાં આવતા જાય છે, આપણે મનોમન ઉગ્રતા અનુભવવા લાગ્યા છીએ. ક્રૂડ અને ગેસ માટે જરૂરી સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર તણાવ છે, ક્રૂડનો ભાવ આકાશને આંબી રહ્યા છે અને આપણે બધા એક જ વાક્ય બોલી રહ્યા છીએ : પેટ્રોલનો ભાવ બસો રૂપિયા થઇ જાય તો ય નવાઈ નહીં 

ત્યારે ચાલો, થોડી ખુલ્લી આંખે અને બે હાથે મોઢું ઢાંકીને કલ્પના કરીએ કે જો એક દિવસ આ બધું જ ખતમ થઈ જાય તો શું દુનિયા જીવવાનું બંધ કરી દેશે? પેટ્રોલ પંપ પર મોટું તાળું લાગી જાય, ગેસ એજન્સી પર ફોન કરો અને મેસેજ આવે કે સોરી ભાઈ, આવતા જન્મમાં આવજો.

‘પેટ્રોલિયમ પ્રોડક્ટ નથી’નાં બોર્ડ લટકી જાય અને રસ્તાઓ પર કરોડો રૂપિયાના ખાનગી પ્લેન, લકઝરીયસ યૉટ હોય કે મોંઘીદાટ કાર બધું કોથળામાં પેક કરીને મૂકી દેવું પડે. ભારત જેવા દેશમાં એક સ્ત્રોત મુજબ ક્રૂડ ઓઇલની 88.6 ટકા આયાત કરવી પડે છે. આપણે દર વર્ષે લાખો- કરોડનું તેલ વિદેશથી મંગાવીને આત્મનિર્ભર ભારતનું સ્લોગન લગાવીએ છીએ. જ્યારે એક યુદ્ધ કે એક બ્લોકેડ આવે તો આપણું આધુનિક જીવન એક પલમાં પુરાણા જમાનામાં ધકેલાઈ જાય. પ્રગતિનું નામ પણ આટલું ઝડપી રિવર્સ ગિયરમાં આવી શકે એ વાત તો આપણે ક્યારેય વિચારી જ શકતા નથી.

સવારે ઊઠીને કાર સ્ટાર્ટ ન થાય તો બોસને મેસેજ કરવો પડે કે આજે કામ ઘરેથી કરવું પડશે. બોસ માનવા તૈયાર થાય નહીં તો ચાલીને જવાની તૈયારી કરવી પડે. ઘરમાં ગેસ હોય નહીં એટલે કરોડોના ફ્લેટ કે બંગલામાં પણ ચુલાનો ધુમાડો દેખાતો હોય. ગરમ પાણી માટે ડોલ લઈને લાઈનમાં ઊભેલા ઉદ્યોગપતિઓને જોઈને સમાનતાનો અનુભવ થાય. ચૂલા બનાવતી કંપનીઓની તેજી આવી જાય. એકવાર ચૂલા પરનો સ્વાદ ભોગવ્યા પછી સોશ્યલ મીડિયા પર રોજ ચૂલાના ભોજનના સ્વાદની કથાઓ જ વાંચવા મળશે.

મોબાઈલની બેટરી ખતમ થવાનો યુગ શરૂ થાય તો કમસેકમ પાડોસીને તેનો નજીકનો સાચો સગો મળશે પાડોશીને ય કહેવાનું મન થાય કે ચાલને ભાઈ ગપ્પાં મારીએ મિત્રોને ચાલીને મળવા જવા કરતા કોઈ એક જગા પર ભેગા થઈને ગપ્પાં મારવાની ઓર મઝા આવે.
 
યાદ કરો, એ કોવિડનો સમય જયારે ભલભલા વિજ્ઞાન વચ્ચે જિંદગી થોડી અટકી ગઈ હતી દોસ્તોને મળવા પાંચ સાત કિલોમીટર ચાલીને જવાનો જલસો કંઈક ઓર જ હોય. જીવનસાથીને કહેવું પડે કે રોજ કારમાં બેસીને રખડવામાં બોર થઇ ગયાં હતા, કાર ચલાવવામાં અને ગાયનો સાંભળતા વાતોની મજા મારી ગઈ હતી આ રખડવાની નવી પેટર્ન ફરી રોમેન્ટિક કરી શકે છે. કોવિડ કરતાં હવે ફાયદો એ છે કે બીમાર પડવાનો ડર નથી. બસ, એક જ ધૂન મનમાં રહે છે કે બધાને મળીએ.

આ જ વાસ્તવિકતા છે જે આપણને સાહિત્ય અને સિનેમા વારંવાર યાદ અપાવ્યું છે કે પેટ્રોલ વિનાની દુનિયા માત્ર નરી કલ્પના નથી, પણ એક ચેતવણી છે. વૈશ્વિક સાહિત્યમાં આ થીમને પીક ઓઇલ અથવા પોસ્ટ ઓઇલ એરા ધરાવતી સોસાયટી તરીકે ઓળખવામાં આવે છે, જ્યાં તેલના અભાવથી સમાજ તૂટી પડે છે. લોકો પગે ચાલવા, લાકડા વાપરવા કે સ્થાનિક ખેતી તરફ પાછા ફરે છે. 

આખી વાતનો સાર એટલો જ હતો કે માણસજાત ગમે તેટલી આધુનિક બનવા પ્રયાસ કરશે પણ તેણે એક દિવસ મને- કમને મૂળિયાં તરફ તો આવવું જ પડશે. 
આ મૂળ એટલે લોકોને મળવું, આપણે ખરેખર સામાજિક પ્રાણી છીએ એ સાબિત કરવું અને સાથે બેસીને અસ્તિત્વ ટકાવવા સંઘર્ષ કરવો. ‘બ્લેક ગોલ્ડ’ કહીને ક્રૂડ માટે લડી મરતી દુનિયા માટે હોલિવૂડથી બોલિવૂડ સુધીએ વારંવાર ચેતવ્યા છે, આપણા સાહિત્યમાં પણ અનેક કાલ્પનિક કથાઓ લખવામાં આવી છે, જેમાં પેટ્રોલ-ડીઝલ વગરની દુનિયા કેવી હશે.

ભારત જેવા દેશોમાં તેલ અને કોલસાની અછતથી ઉદ્ભવતા સામાજિક અને આર્થિક તબાહીને અવારનવાર લખવામાં આવી છે. ‘ગાઈડ’ કે ‘લગાન’ સહિત અનેક ફિલ્મમાં દુષ્કાળ, ખેડૂતોની આત્મહત્યા અને હવાની બીમારીને જળવાયુ પરિવર્તન સાથે જોડીને ચેતવવામાં આવ્યા છે. જે પેટ્રોલ-કોલસા આધારિત આધુનિક જીવનના ઘાતક પરિણામ તરીકે દેખાય છે, પોસ્ટ ઓઇલ એરા વિષય પર અનેક ફિલ્મો અને ડોક્યુમેન્ટરી બની છે.

ભારત જેવા નિયો રિચ દુનિયામાં એક ચમત્કાર પણ જોવા મળશે. અમીરગરીબનો ફરક ખતમ થઇ જશે. કારવાળો, બાઇકવાળો કે રિક્ષાવાળો એક જ રસ્તા પર ચાલતો જોવા મળશે. સાચી સમાનતા! વરઘોડામાં પણ જાન દાયકાઓ જૂની પદ્ધતિથી આવવા લાગે. વરરાજાને ચાલતો જોઈને ‘ઇકો ફ્રેન્ડલી વેડિંગ’ની નવી ફેશન શરૂ થઇ જાય.

એક વાત સાચી છે કે જેને જરૂરી સમજીએ છીએ એ ખરેખર તો આપણી સૌથી મોટી આદત છે. પેટ્રોલ ખતમ થાય તો પણ જીવન ચાલશે. ભલે એ થોડું ધીમું, થોડું મહેનતું, થોડું આનંદી અને ઘણું બધું સાચું હશે. આજથી જ પ્રેક્ટિસ શરૂ કરી દેવી જોઈએ કે સવારે બે કિમી ચાલીએ. ચાલતીવેળા કહેતા રહેવાનું કે પંપ ખાલી થાય તો ય અમે તૈયાર છીએ.

આ આખી પરિસ્થિતિમાં પ્રશ્ન એ સતાવે છે કે માણસજાત કેવી રીતે જીવશે? આપણે આ પ્રશ્ન પૂછીએ છીએ ત્યારે જીવવું નામની ઘટના જ કોઈ નવી શોધ હોય એવું લાગે છે, જાણે જીવનનું અસ્તિત્વ પેટ્રોલ, ડીઝલ, ઇલેક્ટ્રિક અને ગેસ જેવી સુવિધાઓ પર આધારિત હોય. હકીકતમાં, માણસજાત હજારો વર્ષોથી જીવતી આવી છે જ્યારે કોઈ એન્જિન નહોતાં, કોઈ ફેક્ટરીઓ નહોતી અને અત્યાર જેવી ફાસ્ટ લાઇફ નહોતી. માણસ પગથી ચાલતો હતો, પવન સાથે સંવાદ કરતો હતો અને કુદરતના તાલે પોતાનું જીવન ગોઠવતો હતો. આ જ માણસે રામાયણ, મહાભારત અને અદ્ભુત સનાતન સાહિત્ય લખ્યું હતું.

જ્યારે પેટ્રોલ ડીઝલ ખૂટે ત્યારે હકીકતમાં જીવન બંધ થઇ જવાનું નથી. નવા સંશોધન થશે. વચ્ચેના ગાળામાં માણસ આગળ વધતો નહીં લાગે કારણ કે તેની ગતિ ધીમી પડી હશે. એ સમયે સમજણ જ માનવજાત માટે સૌથી મોટું ઈંધણ સાબિત થશે.      
          
ધ એન્ડ :
સમજદારી અને ખુશીઓ લગભગ અસંભવ સંયોજન છે.  (માર્ક ટવેઇન)