Sun Sep 06 2026

Logo

સિંધુ જળ સંધિ: પાકિસ્તાનની યુદ્ધની ધમકી પર ભારતનો જડબાતોડ જવાબ, 'આતંકવાદ બંધ ન થાય ત્યાં સુધી સંધિ સ્થગિત'

2026-06-23 19:48:49
Author: Mumbai Samachar Team
સિંધુ જળ સંધિ: પાકિસ્તાનની યુદ્ધની ધમકી પર ભારતનો જડબાતોડ જવાબ, 'આતંકવાદ બંધ ન થાય ત્યાં સુધી સંધિ સ્થગિત'

નવી દિલ્હીઃ પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફ તરફથી ભારતને યુદ્ધની ધમકી આપવા અને સિંધુ જળ સંધિના ઉલ્લંઘનના નિવેદન પર ભારતે કડક વલણ અપનાવ્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે પાકિસ્તાન પોતાની નિષ્ફળતાઓ છૂપાવવા અને માનવાધિકાર ઉલ્લંઘનો પરથી ધ્યાન હટાવવા માટે આવા નિવેદનો આપે છે. 

તેમણે જણાવ્યું હતું કે ભારત આ નકલી દાવાઓને સખત રીતે ફગાવી દે છે. તેમણે પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર (પીઓકે)માં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો અને પાકિસ્તાન સરકારની ખોટી નીતિઓ તરફ વિશ્વનું ધ્યાન દોર્યું હતું.

રણધીર જયસ્વાલે કહ્યું હતું કે, "પાકિસ્તાનના ગેરકાયદેસર કબજા હેઠળના પ્રદેશોમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શન દાયકાઓથી ચાલતી સરકારી નીતિઓનું પરિણામ છે. આ નીતિઓમાં આર્થિક શોષણ, મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન અને વહીવટીતંત્ર દ્વારા નાગરિકો પર દમનનો સમાવેશ થાય છે. 

જવાબમાં પાકિસ્તાન સરકારે પોલીસ બર્બરતાનો આશરો લીધો છે, આવશ્યક ચીજવસ્તુઓ અને દવાઓનો પુરવઠો રોક્યો છે, ઇન્ટરનેટ બંધ કર્યું છે અને નિઃશસ્ત્ર નાગરિકો પર ઘાતક હુમલાઓનો આશરો લીધો છે."

ભારતે શુક્રવારે સિંધુ જળ સંધિ પર પોતાના વલણનો ફરીથી ઉલ્લેખ કરતા સ્પષ્ટતા કરી કે જ્યાં સુધી પાકિસ્તાન સંપૂર્ણપણે અને વિશ્વસનીય રીતે સરહદ પાર આતંકવાદ બંધ ન કરે ત્યાં સુધી આ સંધિ સ્થગિત રહેશે. 

નોંધનીય છે કે એક ઈન્ટરવ્યૂમાં પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે જણાવ્યું હતું કે જો પાકિસ્તાનને લાગે કે તેની જળ સુરક્ષા જોખમમાં છે તો તે ભારત સામે લશ્કરી કાર્યવાહી કરવાથી અચકાશે નહીં. 

પાકિસ્તાની ન્યૂઝ ચેનલ સાથેની એક મુલાકાતમાં તેમણે કહ્યું હતું કે, "પાણી પાકિસ્તાનની રાષ્ટ્રીય સુરક્ષાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. જો ભારત સિંધુ નદીના પ્રવાહને રોકવાનો પ્રયાસ કરશે, તો તેને ગંભીર ખતરા તરીકે જોવામાં આવશે. અમે ભારત સામે યુદ્ધ કરવામાં અચકાઈશું નહીં."

નોંધનીય છે કે જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા ઘાતક આતંકવાદી હુમલા બાદ ભારતે ગયા વર્ષે મે મહિનામાં પાકિસ્તાન સામેની પાંચ મોટી કાર્યવાહીના ભાગ રૂપે સિંધુ જળ સંધિને સ્થગિત કરી દીધી હતી. આ આતંકી હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા.