Thu Jun 11 2026

Logo

ભૂરાજકીય તણાવ અને વિદેશી ફંડોના બાહ્યપ્રવાહ વચ્ચે રૂપિયો 60 પૈસા ખાબક્યો

2026-06-11 20:41:18
Author: Ramesh Gohil
Article Image

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ
પશ્ચિમ એશિયામાં ભૂરાજકીય તણાવમાં વધારો થવાની સાથે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલીનું દબાણ જળવાઈ રહ્યું હોવાના નિર્દેશ અને ઈક્વિટી બજારમાં પણ ઘટાડાતરફી વલણ રહેતાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો 60 પૈસા ખાબકીને 95.85ની સપાટીએ બંધ રહ્યો હતો. 

આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના 95.25ના બંધ સામે નરમાઈના અન્ડરટોને 95.55ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 95.85 અને ઉપરમાં 95.55ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે 60 પૈસા તૂટીને સત્રની નીચી 95.85ની સપાટીએ બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે ગઈકાલે ડૉલર સામે રૂપિયામાં 16 પૈસાનો સુધારો આવ્યો હતો. 

આજે અમેરિકા અને ઈરાને સતત બીજા દિવસે એક બીજા પર હુમલાઓ ચાલુ રાખતા પશ્ચિમ એશિયાના ભૂરાજકીય તણાવમાં વધારો થયો હતો. તેમાં પણ આજે સવારે અમેરિકાએ ઈરાન પર વધુ આક્રમક હુમલા કર્યા હોવાનું જણાવ્યું હતું, પરંતુ ઈરાને અમેરિકાએ કરેલા હુમલામાં થયેલા નુકસાનની કોઈ માહિતી જાહેર નહોતી કરી. 

વધુમાં એક ભારતીય અધિકારીએ જણાવ્યું હતું કે ઈરાની બંદર પર વૉશિંગ્ટનની નાકાબંધીનું ઉલ્લંઘન કરવાનો પ્રયાસ કરી રહેલા ઑઈલ ટેન્કર પર કરવામાં આવેલા અમેરિકાના હુમલામાં ત્રણ નાવિકો માર્યા ગયા હતા, જે નાવિકો માટે જોખમના સંકેત આપે છે. 

દરમિયાન આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે 0.13 ટકા વધીને 100.07 આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો, જ્યારે બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ 0.67 ટકાના ઘટાડા સાથે બેરલદીઠ 92.48 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. વધુમાં ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 2124.98 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાના નિર્દેશ તેમ જ આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે 150.63 પૉઈન્ટનો અને 53.35 પૉઈન્ટનો ઘટાડો આવ્યો હોવાથી ગબડતા રૂપિયાને ઢાળ મળ્યો હતો.