જો તમે ક્યારેય પણ ભારતીય રેલવેના એસી (AC) કોચમાં મુસાફરી કરી હોય, તો તમે જાણતા જ હશો કે રેલવે દ્વારા મુસાફરોને બેડરોલ કિટ (બિસ્તર) આપવામાં આવે છે, જેમાં સફેદ ચાદર, તકિયાનું કવર, કામળો (બ્લેન્કેટ) અને નાનો ટુવાલ સામેલ હોય છે. આ સુવિધાથી મુસાફરી આરામદાયક બની જાય છે, પરંતુ જો ચાદર કે કવર પર સહેજ પણ ગંદકી કે ડાઘ-ધબ્બા દેખાય તો મુસાફરોનો મૂડ ખરાબ થઈ જાય છે અને સફાઈ પર સવાલો ઊભા થાય છે.
ભારતીય રેલવે દ્વારા પ્રવાસીઓની આ જ ફરિયાદનો કાયમી ઉકેલ લાવવા એક મોટું અને આધુનિક કદમ ઉઠાવ્યું છે, જેથી મુસાફરો સુધી એકદમ સાફ-સુથરી બેડરોલ કિટ પહોંચાડી શકાય. ચાલો જોઈએ શું છે આ પગલું અને કઈ રીતે આના કારણે પ્રવાસીઓ સુધી સ્વચ્છ અને સાફ-સુથરા બેડરોલ પહોંચશે?
રેલવે લાવ્યું આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટેકનોલોજી
એસી કોચના મુસાફરોને કોઈ પણ જાતના ડાઘ વગરની ચાદરો મળે તે માટે રેલવેએ એઆઈ (AI) આધારિત કેમેરા સિસ્ટમનો ઉપયોગ શરૂ કર્યો છે. આ સિસ્ટમ લૉન્ડ્રીમાં ધવાયેલી ચાદરો, તકિયાના કવર અને ટુવાલની સચોટ ચકાસણી કરશે.
કેવી રીતે કામ કરશે આ AI કેમેરા સિસ્ટમ?
ઓટોમેટિક સ્કેનિંગ: લૉન્ડ્રીમાં કપડાં ધોવાયા પછી આ એઆઈ કેમેરા દરેક ચાદર અને કવરને ઊંડાણપૂર્વક સ્કેન કરશે.
ડાઘ-ધબ્બાની ઓળખ: સ્કેનિંગ દરમિયાન જો ચાદર કે ટુવાલ પર સહેજ પણ ગંદકી કે ડાઘ રહી ગયા હશે, તો કેમેરા તુરંત જ તેને ડિટેક્ટ લેશે.
રી-વોશિંગ: જે કપડાં પર ડાઘ રહી ગયા હશે તેને અલગ તારવીને ફરીથી ધોવા માટે મોકલવામાં આવશે. સંપૂર્ણ સાફ થયા બાદ જ તેને પેક કરીને મુસાફરોને અપાશે.
આ ટેકનોલોજીના મુખ્ય ફાયદાઓ વિશે વાત કરીએ તો રેલવે લૉન્ડ્રીમાં ક્વોલિટી ચેકનું કામ માનવ ક્ષમતા કરતાં વધુ ઝડપી અને ભૂલરહિત બનશે. કેમેરા માત્ર સપાટી પરથી જ નહીં પણ કપડાંને અંદર સુધી સ્કેન કરવાની ક્ષમતા ધરાવતો હોવાથી ગંદી ચાદરો મુસાફરો સુધી પહોંચવાની શક્યતા નહીંવત થઈ જશે.
કઈ જગ્યાઓએ શરૂ થયું ટ્રાયલ?
હાલમાં આ આધુનિક એઆઈ કેમેરા સિસ્ટમનું ટ્રાયલ રેલવેની કેટલીક હાઈ-ટેક લૉન્ડ્રીઓમાં શરૂ કરવામાં આવ્યું છે, જેમાં જયપુર ડિવિઝન, જોધપુર ડિવિઝન, પુણે ડિવિઝનનો સમાવેશ થાય છે. જો આ ટ્રાયલ સફળ રહેશે તો ટૂંક સમયમાં જ દેશભરની તમામ રેલવે લૉન્ડ્રીઓમાં આ એઆઈ આધારિત સ્કેનિંગ સિસ્ટમ લાગુ કરવામાં આવશે.