Mon Oct 05 2026

Logo

તહેવારોમાં ખાંડ કેમ મોંઘી થાય છે? જાણો સરકારની ભૂમિકા, ઇથેનોલ ડાયવર્ઝન અને બ્રાઝિલ કનેક્શન પાછળનું સાચું કારણ

2026-09-24 14:54:00
Author: Darshana Visaria
તહેવારોમાં ખાંડ કેમ મોંઘી થાય છે? જાણો સરકારની ભૂમિકા, ઇથેનોલ ડાયવર્ઝન અને બ્રાઝિલ કનેક્શન પાછળનું સાચું કારણ

ભારતમાં ખાંડ માત્ર એક ખાદ્ય પદાર્થ નથી, પરંતુ તે દેશના રાજકારણ, ખેડૂતોના આંદોલન અને કરોડો સામાન્ય પરિવારોના માસિક બજેટ સાથે જોડાયેલો એક અત્યંત સંવેદનશીલ વિષય છે. તહેવારોની સિઝન આવતાં જ બજારમાં ખાંડના ભાવ ચર્ચાનું કેન્દ્ર બની જાય છે. તાજેતરમાં જ કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે કૃષિ પેદાશો અને ખાસ કરીને ખાંડના ભાવો હવે મુખ્યત્વે વૈશ્વિક માંગ અને પુરવઠાના આધારે નક્કી થાય છે, જેમાં સરકારની ભૂમિકા મર્યાદિત રહી ગઈ છે. 

જોકે, આનો અર્થ એ નથી કે સરકાર પાસે કોઈ સત્તા નથી. ભારતમાં શેરડીના ખેતરથી લઈને રસોડા સુધી ખાંડ પહોંચાડવાનું સમગ્ર અર્થતંત્ર અનેક સ્થાનિક તથા આંતરરાષ્ટ્રીય પરિબળો પર નિર્ભર છે.

શેરડીના FRPથી શરૂ થાય છે ભાવનું ગણિત:
ખાંડના ભાવની ગણતરીનો આધાર શેરડીની કિંમત છે. કેન્દ્ર સરકાર દર વર્ષે શેરડી માટે 'ફેર એન્ડ રેમ્યુનરેટિવ પ્રાઇસ' (FRP) નક્કી કરે છે, જે ખાંડ મિલોએ ખેડૂતોને ચૂકવવી કાનૂની રીતે ફરજિયાત હોય છે. ખાંડ સિઝન 2026-27 માટે સરકારે FRP વધારીને રૂપિયા 5 પ્રતિ ક્વિન્ટલ નક્કી કરી છે, જે વર્ષ 2019-20માં માત્ર રૂપિયા 275 હતી. શેરડીનો કાચો માલ મોંઘો થતાં મિલોનો ઉત્પાદન ખર્ચ સીધો વધે છે, જેની અસર અંતે છૂટક ખાંડના ભાવ પર પડે છે.

લઘુત્તમ વેચાણ કિંમત (MSP) અને નિયંત્રણના નિયમો:
સરકાર પાસે ખાંડ નિયંત્રણ આદેશ ૨૦૨૫ હેઠળ ખાંડની 'મિનિમમ સેલિંગ પ્રાઇસ' (લઘુત્તમ વેચાણ ભાવ) નક્કી કરવાની સત્તા છે. એટલે કે સુગર મિલો નિર્ધારિત ભાવ કરતાં સસ્તામાં ખાંડ વેચી શકતી નથી. આ નિયમનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે મિલો ખોટ ખાઈને માલ ન વેચે અને તેમની પાસે પૂરતું ફંડ રહે જેથી ખેડૂતોના શેરડીના નાણાં સમયસર ચૂકવી શકાય.

આયાત-નિકાસ અને ઇથેનોલ ડાયવર્ઝન:
ઇમ્પોર્ટ-એક્સપોર્ટ પર સરકારની લગામ: જો સ્થાનિક બજારમાં ખાંડની અછત સર્જાય અને ભાવ આસમાને પહોંચે, તો સરકાર ડ્યુટી-ફ્રી આયાતની છૂટ આપીને બજારમાં સપ્લાય વધારે છે જેથી ભાવ ઘટે છે. બીજી તરફ, જો બજારમાં પુષ્કળ જથ્થો હોય તો નિકાસને પ્રોત્સાહન આપી કે ક્વોટા લાદીને સંતુલન જાળવવામાં આવે છે.

ઇથેનોલ ઉત્પાદનનું પરિબળ: ગ્રીન એનર્જી પહેલ હેઠળ શેરડી અને ખાંડનો મોટો હિસ્સો પેટ્રોલ સાથે ભેળવવા માટે 'ઇથેનોલ' બનાવવામાં વપરાય છે. જરૂર પડ્યે સરકાર ઇથેનોલ તરફ ડાયવર્ટ થતી ખાંડના જથ્થાને નિયંત્રિત કરીને બજારમાં ખાંડનો પુરવઠો વધારી કે ઘટાડી શકે છે.

જમાખોરી અને મોસમી માંગ: વર્તમાન ભાવવધારા પાછળ માત્ર ઇથેનોલ નહીં, પરંતુ ચોમાસાની અનિયમિતતા, તહેવારોની મોસમી માંગ અને કેટલાક વેપારીઓની સંગ્રહખોરી પણ જવાબદાર પરિબળો છે.

વૈશ્વિક બજાર અને બ્રાઝિલનો મોટો પ્રભાવ:
તમામ સ્થાનિક નીતિઓ છતાં, ગ્લોબલ માર્કેટ ખાંડના ભાવોને સૌથી વધુ પ્રભાવિત કરે છે. બ્રાઝિલ જેવા વિશ્વના સૌથી મોટા ખાંડ ઉત્પાદક દેશોમાં ઉત્પાદન વધે કે ઘટે તેની સીધી અસર આંતરરાષ્ટ્રીય ભાવ પર પડે છે. 

નીતિન ગડકરીના જણાવ્યા મુજબ, સરકાર સ્ટોક લિમિટ, એફઆરપી અને આયાત-નિકાસ દ્વારા બજારને નિયંત્રિત કરવાનો પ્રયાસ જરૂર કરે છે, પરંતુ વૈશ્વિક માંગ અને પુરવઠાના મુક્ત વ્યાપાર દબાણને સંપૂર્ણપણે રોકી શકાતું નથી.