Wed Aug 19 2026

Logo

હૉકીમાં ટીમ ઇન્ડિયાની જર્સી બદલાઈ, બ્લુમાંથી હવે ભગવા રંગનીઃ બબાલ મચી ગઈ છે

2026-07-30 16:25:00
Author: Ajay Motiwala
Article Image

નવી દિલ્હીઃ ભારતના હૉકી ખેલાડીઓ હવે પછી ભગવા (કેસરી) રંગની જર્સી પહેરીને મેદાન પર ઉતરવાના છે અને હૉકી ઇન્ડિયાના આ પગલાં પર ભારતના ભૂતપૂર્વ હૉકી કૅપ્ટન અને ઑલિમ્પિયન વીરેન રસ્કિન્હાએ સવાલ ઉઠાવ્યા છે. જોકે ભારતમાં હૉકીનું સંચાલન કરતી હૉકી ઇન્ડિયાએ આ પગલાં સંબંધમાં ખુલાસો કર્યો છે.

ભારતીય ટીમની નવી જર્સીના મુદ્દે બબાલ મચી છે, કારણકે જર્સીનો રંગ હવે બ્લુમાંથી બદલીને ભગવો કરી નાખવામાં આવ્યો છે. હરમનપ્રીત સિંહના નેતૃત્વમાં ભારતીય ટીમ હવે ભગવા રંગની જર્સી પહેરીને મેદાન પર ઉતરશે. રસ્કિન્હાએ `એક્સ' હૅન્ડલ પર સવાલ કર્યો છે કે વર્ષોથી ખેલાડીઓની જર્સીનો રંગ બ્લુ હતો અને આ રંગ ભારતીય હૉકી સાથે જોડાઈ ગયો હતો અને બ્લુ રંગ ભારતીય ટીમની ઓળખ હતો તો પછી એમાં ફેરફાર શું કામ કરવામાં આવ્યો?

રસ્કિન્હાએ એવું પણ લખ્યું છે કે `હૉકી ઇન્ડિયાએ ઘણા સારા કામ કર્યા છે, પરંતુ આ પગલું શર્મનાક છે. બ્લુ રંગ ભારતીય ખેલાડીઓને વારસામાં મળ્યો છે. મેં ઘણા વર્ષો સુધી ગર્વથી બ્લુ રંગની જર્સી પહેરી હતી. હૉકી ફૅન્સ ભારતીય ટીમને બ્લુ રંગમાં જ જોવા માગે છે. એવામાં ભગવા રંગ પાછળ શું તર્ક છે એ જ નથી સમજાતું.'

ભારતીય ટીમની જર્સીના નવા કેસરી રંગ પર ઉઠાવવામાં આવેલા સવાલવાળી પોસ્ટ પર રાજકીય પ્રતિક્રિયા આવવા લાગી છે. રસ્કિન્હાએ એવું પણ કહ્યું છે કે `મારો મુદ્દો એ છે કે બ્લુ રંગ ભારતીય ટીમની ખરી ઓળખ છે અને ગર્વ પણ છે. ભારતીય હૉકી ટીમના જર્સીના રંગની ઓળખ આર્જેન્ટિનાની ફૂટબૉલ ટીમની જર્સીની જેમ એક અલગ ઓળખ જેવી છે. શું આપણે ક્યારેય આર્જેન્ટિનાની ટીમને ભગવા (Saffron) રંગમાં જોઈશું?

હૉકી ઇન્ડિયાએ શું ખુલાસો કર્યો?

ભૂતપૂર્વ હૉકી કૅપ્ટન વીરેન રસ્કિન્હાએ ઉઠાવેલા મુદ્દા સંબંધમાં હૉકી ઇન્ડિયા (Hockey India)ના અધ્યક્ષ દિલીપ તિર્કેએ કહ્યું કે `હું સહમત થાઉં છું કે બ્લુ રંગની જ જર્સી પહેરવાની ભારતીય હૉકી ટીમની લાંબા સમયની પરંપરા છે, પરંતુ આ કોઈ પરેશાન કરી મૂકનારો ફેરફાર નથી. મને યાદ છે કે 2014માં ટીમની જર્સીનો રંગ પીળો હતો અને 2018માં આછા બ્લુ રંગની જર્સી ખેલાડીઓને અપાઈ હતી. આ વખતે ટીમની જર્સીનો રંગ બદલવાનું સૂચન કોચ, સપોર્ટ સ્ટાફ, કૅપ્ટન અને ખેલાડીઓનું હતું. હૉકીનું ટર્ફ બ્લુ રંગનું હોય છે અને ખેલાડીઓની કિટનો રંગ પણ બ્લુ હોય છે એટલે રમતી વખતે બ્લુ રંગ પ્રભાવિત કરી મૂકતો હોવાથી અમે વિચાર્યું કે આ સમસ્યાનો કોઈક ઉકેલ લાવવો જોઈએ. ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફે બે રંગ સૂચવ્યા હતા, પીળો અને ભગવો (કેસરી). છેવટે અમે કેસરી રંગ પસંદ કર્યો, કારણકે આ રંગ આપણા રાષ્ટ્રધ્વજના ત્રણ રંગમાંથી એક છે.