Wed Aug 19 2026

Logo

સંસદના ચોમાસું સત્ર દરમિયાન વિપક્ષ આક્રમક રહ્યો, કોંગ્રેસે ગણાવી પાંચ મોટી ઉપલબ્ધિ

2026-08-13 18:44:42
Author: Chandrakant Kanoja
Article Image

નવી દિલ્હી: સંસદનું ચોમાસુ સત્ર પૂર્ણ થયું છે તેમજ  બંને ગૃહોને અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવ્યા છે. ત્યારે સત્તાધારી પક્ષ ભાજપ સત્ર સફળ રહ્યું હોવાનો દાવો કરે છે. જ્યારે બીજી તરફ વિપક્ષ કોંગ્રેસ પણ સહયોગી પક્ષની સાથે સફળ રહ્યો હોવાનો દાવો કરે છે. તેમજ આ સત્ર દરમિયાન પાંચ ઉપલબ્ધિ મળી હોવાનો દાવો કરે છે. 

વિપક્ષી એકતા એક મુખ્ય પરિબળ 

સંસદના સત્રના સમાપન પર કોંગ્રેસે જણાવ્યું હતું કે વિપક્ષી એકતા એક મુખ્ય પરિબળ હતું  અને સામૂહિક દબાણને કારણે સરકારને ઘણા મુખ્ય બિલો પરત કરવાની ફરજ પડી હતી.

કોંગ્રેસ  અનેક મુદ્દા પર સરકારને ઘેરવામાં સફળ 

કોંગ્રેસ નેતા રાજ્યસભાના સાંસદ જયરામ રમેશે જણાવ્યું હતું કે વિપક્ષે NEET પરીક્ષામાં અનિયમિતતા, રામ મંદિર ટ્રસ્ટમાં દાન ચોરી, ઇથેનોલમાં ભેળસેળ, ભાજપ શાસિત રાજ્યોમાં ભ્રષ્ટાચાર, ચીન સંબંધિત બાબતો અને જાહેર માળખાકીય પ્રોજેક્ટ્સમાં ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓ પર ચર્ચાની માંગ કરી હતી. પરંતુ સરકારે આ મુદ્દાઓ પર ચર્ચા માટે તૈયાર નહોતી થઇ. 

સરકાર 'વન નેશન વન ઇલેક્શન બિલ રજૂ કરવાનો ઇરાદો ધરાવતી હતી

જયરામ રમેશે વધુમાં જણાવ્યું હતું કે, મારું માનવું છે કે આ ચોમાસા સત્ર દરમિયાન વિપક્ષે પાંચ મોટી સફળતા મેળવી છે. પહેલી એ છે કે સરકાર આ સત્ર દરમિયાન 'વન નેશન વન ઇલેક્શન બિલ રજૂ કરવાનો ઇરાદો ધરાવતી હતી. પરંતુ વિપક્ષના વિરોધને કારણે તેને શિયાળુ સત્ર સુધી મુલતવી રાખવામાં આવ્યું છે.

વિકસિત ભારત શિક્ષા અધિષ્ઠાન (VBSA)બિલ શિયાળુ સત્ર સુધી મુલતવી

જ્યારે  બીજી મોટી સફળતા વિકસિત ભારત શિક્ષા અધિષ્ઠાન (VBSA) બિલ સાથે સંબંધિત છે. સરકારે બધી યુનિવર્સિટીઓનું મોટા પાયે કેન્દ્રીકરણ લાવવા માટે આ બિલ રજૂ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આ બિલ પણ શિયાળુ સત્ર સુધી મુલતવી રાખવામાં આવ્યું છે. ત્રીજું બિલ બંધારણ (એકસો ત્રીસમો સુધારો) બિલ હતું. જેમાં મંત્રીઓ, મુખ્યમંત્રીઓ અને વડા પ્રધાનોને જાતે જ દૂર કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો.આ અહેવાલને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું હતું અને કલમ-દર-કલમ ચર્ચા ચાલી રહી હતી. તેમ છતાં બેઠકની મધ્યમાં જાહેરાત કરવામાં આવી હતી કે આ બિલ આ સત્ર દરમિયાન પણ રજૂ કરવામાં  નહીં આવે. 

ડીલિમિટેશન બિલ પણ રજૂ કરવામાં ના આવ્યું

આ ઉપરાંત તેમણે કહ્યું હતું ચોથી સફળતા એ રહી કે સતત ચર્ચામાં રહેલું FCRA બિલ પણ ભારે વિરોધ અને દબાણના લીધે રજૂ કરવામાં ના આવ્યું. જ્યારે પાંચમી સફળતા ડીલિમિટેશન બિલ પણ બહુમતી અને વિરોધની આશંકા વચ્ચે રજૂ કરવામાં ના આવ્યું.