Thu May 28 2026

Logo

આસામ બાદ હવે મેઘાલયની પણ યુસીસી બિલ પસાર કરવાની તૈયારી

2026-05-28 22:33:19
Author: Chandrakant Kanoja
Article Image

શિલોંગ: દેશના પૂર્વોત્તર રાજ્ય આસામ બાદ હવે મેઘાલય પણ યુસીસી બિલ પસાર કરવા અંગે વિચાર કરી રહ્યું છે. આ અંગે મેઘાલયના સીએમ કોનરાડ સંગમાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર કાયદાના તમામ પાસાઓને તપાસ કરી રહી છે. જેમાં આદિવાસી પરંપરા અને માતૃવંશીય વ્યવસ્થાનું રક્ષણ સરકારની  પ્રાથમિકતા છે.

ઉતાવળમાં કોઈ નિર્ણય નહિ લે

આ અંગે મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ કે. સંગમાએ જણાવ્યું છે કે તેમની સરકાર યુસીસીની જોગવાઈઓ અને તેની સંભવિત અસરોનો સંપૂર્ણ અભ્યાસ કરી રહી છે અને ઉતાવળમાં કોઈ નિર્ણય નહિ લે. સંગમાએ જણાવ્યું હતું કે યુસીસી વિશે અગાઉ ઘણી આશંકા હતી કારણ કે કાયદાની જોગવાઈઓ અસ્પષ્ટ હતી અને યુનિફોર્મ સિવિલ કોડ શબ્દ વિવિધ સમુદાયોમાં અલગ અલગ ચિંતાઓ ઉભી કરતો હતો.

આદિવાસી પરંપરાઓ ટોચની પ્રાથમિકતા

આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, મેઘાલયની ટોચની પ્રાથમિકતા આદિવાસી પરંપરાઓ, રૂઢિગત કાયદાઓ અને રાજ્યની માતૃવંશીય સામાજિક વ્યવસ્થાનું રક્ષણ છે. તેમણે કહ્યું કે રાજ્ય સરકારને અગાઉ ડર હતો કે યુસીસીના અમલીકરણથી આ પરંપરાઓમાં  મુશ્કેલી થઇ શકે છે. 

આસામ અને ઉત્તરાખંડ બાદ મેઘાલય સરકારને થોડી રાહત મળી

જોકે, સંગમાએ ધ્યાન દોર્યું કે આસામ અને ઉત્તરાખંડ જેવા રાજ્યોમાં ઘડાયેલા અથવા પ્રસ્તાવિત કાયદાઓની તપાસ કર્યા પછી, એવું જાણવા મળ્યું છે કે આદિવાસી સમુદાયો અને તેમના પરંપરાગત કાયદાઓને મોટાભાગે બાકાત રાખવામાં આવ્યા છે. જેનાથી મેઘાલય સરકારને થોડી રાહત મળી છે.